SC-ST એક્ટના 3 દાયકા: કાયદો બદલાયો, મનોવૃત્તિ નહીં?

SC-ST એક્ટના ત્રણ દાયકા પછી દેશમાં દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારો ઘટવાને બદલે વધી કેમ રહ્યાં છે? વાંચો રિપોર્ટ.
sc st act

SC-ST એક્ટના ત્રણ દાયકા પછી આજે દેશમાં સ્થિતિ શું છે. આજકાલ સોશિયલ મીડિયા પર અવારનવાર એવા નિવેદનો જોવા મળે છે કે જ્યારે દલિતોને હજારો વર્ષ સુધી પીવાનું પાણી પણ નહોતું મળતું તો તેઓ જીવતા કેવી રીતે રહ્યા? આવી દલીલો કરનારાઓએ બહુ પાછળ જવાની જરૂર નથી, તેમણે માત્ર ગોળમેજી પરિષદના દસ્તાવેજો વાંચવાની જરૂર છે.

આ એ જ પરિષદ હતી જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે અસ્પૃશ્યતાના મુદ્દે તમામ સવર્ણ નેતાઓની બોલતી બંધ કરી દીધી હતી. સ્વતંત્ર ભારતમાં સામાજિક સમાનતા લાવવા માટે અનેક કાનૂની જોગવાઈઓ કરવામાં આવી જેથી શોષિત સમાજ મુખ્યધારામાં આવી શકે. પરંતુ, જે સામંતી માનસિકતા ધરાવતો વર્ગ અત્યાચાર અને શોષણને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનતો હતો, તેને આ કાનૂની જોગવાઈઓ ખૂંચવા લાગી. ગઈકાલ સુધી જે સમાજ તેમની સામે હાથ જોડીને કરગરતો હતો, તે આજે આંખમાં આંખ મિલાવીને હક માંગે તે તેમને બિલકુલ ગમતું નહોતું.

સ્વતંત્ર ભારતમાં બંધારણીય અધિકારો મળતા જ સામંતી અને વર્ણવાદી વ્યવસ્થા તૂટવા લાગી અને તેના પરિણામે વિરોધ શરૂ થયો. આનું સૌથી ભયાનક ઉદાહરણ 1968નું તમિલનાડુનો કિલવેનમણી નરસંહાર છે. માત્ર મજૂરીમાં થોડા રૂપિયાનો વધારો માંગવાની સજા આપવા માટે 25 ડિસેમ્બર 1968ની મોડી રાત્રે 200 જેટલા હથિયારબંધ દબંગોએ આખી વસાહતને ઘેરીને 42 દલિતોને જીવતા સળગાવી દીધા હતા.

આ પણ વાંચો: NEET: SC-ST-OBC વિદ્યાર્થીઓને ડોક્ટર બનતા રોકવાનું કાવતરું!

આવો જ બીજો નરસંહાર ઈમરજન્સી પછી 27 મે 1977ના રોજ બિહારના પટના જિલ્લાના બેલછી ગામમાં થયો હતો. જમીન વિવાદમાં દબંગોએ 11 દલિતોના હાથ-પગ બાંધીને સળગતા પૂંજામાં ફેંકી દીધા હતા. આ ઘટનાના 3 વર્ષ પછી 18 નવેમ્બર 1981ના રોજ યુપીના મૈનપુરીના દિહુલી ગામમાં સાક્ષી આપવાની શિક્ષા રૂપે 24થી વધુ દલિતોને ધોળા દિવસે ગોળીઓથી ભૂંજી નાખવામાં આવ્યા હતા.

ફુલન દેવી સાથેનો સામૂહિક બળાત્કાર અને ઓમપ્રકાશ વાલ્મિકીની જાણીતી કવિતા ‘ઠાકુર કા કુઆં’ પણ આ જ ગાળાની ઉપજ છે.
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના કરમચેડુ ગામમાં 17 જુલાઈ 1985ના રોજ કમ્મા જાતિના સવર્ણોએ તળાવના પાણીમાં ભેંસ ધોવાનો વિરોધ કરનારા દલિતો પર ભયાનક હુમલો કર્યો હતો. રાત્રિના સમયે દલિત વસાહત પર હુમલો કરીને મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યા અને ડઝનબંધ લોકોની હત્યા કરી દેવાઈ હતી.

sc st act

બંધારણના આર્ટિકલ 17 દ્વારા અસ્પૃશ્યતાને ગુનો જાહેર કરાયો હોવા છતાં જાતિવાદી માનસિકતા બદલાઈ નહોતી. નરસંહારો ન રોકાતા આખરે 11 સપ્ટેમ્બર 1989ના રોજ શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબ (અત્યાચાર નિવારણ) અધિનિયમ SC-ST Act બિલ રજૂ કરાયું અને 30 જાન્યુઆરી 1990થી આ કાયદો અમલી બન્યો.

આ પણ વાંચો: 7 વર્ષની દલિત બાળકી પર શિક્ષકે રેપ કર્યો, પોલીસે SC-ST એક્ટ ન લગાડ્યો

આ કાયદો આવ્યા પછી જ્યારે ધરપકડો થવા લાગી ત્યારે દબંગ વર્ગને કાયદાની તાકાતનો અંદાજ આવ્યો. પરિણામે સામૂહિક નરસંહારો પર થોડી લગામ લાગી, પરંતુ દૈનિક શોષણના નવા સ્વરૂપો સામે આવ્યા. મંદિરોમાં પ્રવેશ, મૂંછ રાખવી, વરઘોડામાં ઘોડી પર બેસવું કે રાજકીય પ્રતિનિધિત્વ મેળવવું સવર્ણોને ખટકવા લાગ્યું. 2006નો મહારાષ્ટ્રનો ખેરલાંજી કાંડ આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.

સાથે જ સવર્ણ સમાજે આ એક્ટના દુરુપયોગના આરોપો લગાવવાનું શરૂ કર્યું. વાસ્તવિકતા એ છે કે આ એક્ટ હેઠળ નોંધાતા કેસોમાં ન્યાય મળવાનો દર 25%થી પણ ઓછો છે.

દલિત સમાજની સૌથી મોટી લાચારી એ છે કે તેમણે રોજીરોટી માટે દબંગોના ખેતરોમાં જ મજૂરી કરવી પડે છે, તેમની જ જમીનો પર પ્રસંગો યોજવા પડે છે અને દેવું લેવું પડે છે. આ આર્થિક નિર્ભરતાના કારણે તેઓ લાંબી કાનૂની લડાઈ લડી શકતા નથી અને કોર્ટ બહાર સમાધાન કરવા મજબૂર બને છે. આ જ આંકડાઓ બતાવીને ગેર-દલિત સમાજ કાયદાના દુરુપયોગની બૂમો પાડે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 90 ટકા ગામોમાં SC-ST સમાજનું સ્મશાન નથી

આવા જ ખોટા આંકડાઓના દબાણમાં આવીને 20 માર્ચ 2018ના રોજ સુપ્રીમ કોર્ટે આ એક્ટમાં ધરપકડ પર રોક લગાવવાનો સુધારો સૂચવ્યો હતો. આ નિર્ણય સામે સમગ્ર દેશના દલિત સંગઠનોએ 2 એપ્રિલ 2018ના રોજ ‘ભારત બંધ’નું આહ્વાન કર્યું, જેના વ્યાપક વિરોધ સામે સરકાર અને કોર્ટે ઝૂકવું પડ્યું હતું.

14 સપ્ટેમ્બર 2020ના રોજ યુપીના હાથરસમાં વાલ્મિકી સમાજની દીકરી પર બળાત્કાર ગુજારી હત્યા કરાઈ અને તેના મધ્યરાત્રિએ સરેઆમ અંતિમ સંસ્કાર કરી પુરાવા નાશ કરાયા. 13 ઓગસ્ટ 2022ના રોજ રાજસ્થાનની શાળામાં 9 વર્ષના દલિત બાળકની પીવાના માટલાને અડકી જવા બદલ શિક્ષકે એટલી નિર્મમ રીતે માર માર્યો કે બાળકનું મોત થયું. તેના પછીના જ મહિને મૂંછ રાખવા બદલ રાજેન્દ્ર મેઘવાલ નામના દલિત યુવકની હત્યા કરી દેવાઈ.

શું આ બનાવો વિકસિત ભારતની ઓળખ હોઈ શકે? આજે પણ દેશમાં દર 10 મિનિટમાં એક દલિત પર અત્યાચાર થાય છે. દર વર્ષે 57,000 થી વધુ કેસ પોલીસ ચોપડે નોંધાય છે, જ્યારે તેનાથી ત્રણ ગણા બનાવો તો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જ શકતા નથી. વર્તમાન પેઢીને આ કાયદો કદાચ અસમાનતાનો લાગી શકે, પરંતુ આ કાયદાની જરૂરિયાત સમજવા માટે દેશના ઇતિહાસ અને દલિતો પર થતી દૈનિક હિંસાની માનસિકતાને સમજવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: દેશની જિલ્લા અદાલતોમાં SC-ST-OBCની સેંકડો અનામત બેઠકો ખાલી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x