કામરેજમાં ગણેશ વિસર્જનમાં 3 ભરવાડ યુવકોના ડૂબી જતા મોત

કામરેજના ધોરણ પારડી પાસે તાપી નદીમાં નાવડી પલટતાં ભરવાડ સમાજના 3 આશાસ્પદ યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.

સુરતના કામરેજમાં ગણેશ વિસર્જન ઉત્સવ દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ધોરણ પારડી ગામની સીમમાંથી વહેતી તાપી નદીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ભરવાડ સમાજના ત્રણ યુવાનોની નાવડી અચાનક પલટી મારી ગઈ હતી. તાપીના ઊંડા અને અગાધ પાણીમાં ડૂબી જવાથી ત્રણેય આશાસ્પદ યુવાનોના કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર કામરેજ પંથક અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

હોડીનું સંતુલન ખોરવાતા ત્રણ યુવકો તાપીમાં ગરકાવ

પ્રાપ્ત વિગતો અનુસાર, ગણેશ વિસર્જન દરમિયાન કામરેજની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા કેટલાક ઉત્સાહી યુવાનો નાવડીમાં બેસીને તાપી નદીના વહેણમાં ગણપતિ વિસર્જન કરવા ગયા હતા. નદીના મધ્ય ભાગમાં પહોંચતા જ અચાનક નાવડીનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને ક્ષણવારમાં નાવ પલટી મારી ગઈ હતી.

આ પણ વાંચો: દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ સસ્તું છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું કેમ?

આ દુર્ઘટનામાં નાવડીમાં સવાર 23 વર્ષીય સાદુલ ભુલાભાઈ મેર, 23 વર્ષીય રાજુ લાલાભાઈ મેર અને 26 વર્ષીય દાના સુખાભાઈ શિયાળીયા નદીના ઊંડા અને ભયાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આંખના પલકારામાં બનેલી આ ઘટનાથી વિસર્જન માટે આવેલા અન્ય લોકોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.

સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને તરવૈયાઓ તાત્કાલિક મદદ માટે નદીમાં કૂદી પડ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત અને સાહસ બતાવીને બે યુવકોને બેભાન અવસ્થામાં પાણીમાંથી બહાર કાઢી લીધા હતા. પરંતુ ત્રીજો યુવક પાણીમાં ઊંડે ગરકાવ થઈ જતાં તેની કોઈ ભાળ મળી નહોતી.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરનું અપમાન કરનારને દલિતોએ અર્ધનગ્ન ફેરવ્યો!

દરમિયાન ઘટનાની જાણ થતાં જ કામરેજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી. ફાયર ઓફિસરની આગેવાની હેઠળ ટીમે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. ભારે મથામણ બાદ ત્રીજા યુવકને પણ બહાર કાઢવામાં આવ્યો હતો. આ યુવક નદીની અંદર રહેલી જાળીમાં ફસાઈ ગયો હતો.

દિનબંધુ હોસ્પિટલમાં ત્રણેય યુવકોને મૃત જાહેર કરાયા

ફાયર વિભાગ અને સ્થાનિકોએ ત્રણેય યુવકોને તાત્કાલિક બેભાન અવસ્થામાં કામરેજની દિનબંધુ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલના તબીબોએ ત્રણેય આશાસ્પદ યુવાનોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. એકસાથે ત્રણ-ત્રણ ઘરના દીકરાનું મોત થતા પરિવારજનોના રુદનથી હોસ્પિટલ પરિસર ગુંજી ઊઠ્યું હતું.

આ પણ વાંચો: જૂનાગઢની દલિત દીકરી શ્રદ્ધા કાથડ ગોવા રમવા જશે

ગણપતિ વિસર્જનમાં દર વર્ષે અનેક યુવાનો ડૂબે છે

દર વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અનેક યુવાનો પાણીમાં ડૂબી જવાથી અકાળે કાળનો કોળિયો બની જાય છે. ગણેશજી પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્સવનો ઉત્સાહ પોતાની જગ્યાએ છે, પરંતુ સુરક્ષા અને સલામતીની અણદેખી ભારે પડી રહી છે.
વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા દર વર્ષે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે કે ઊંડા પાણીમાં ન જવું. તેમ છતાં, યુવાનો ઉત્સાહમાં આવીને જોખમી સાહસો કરે છે. જો તરતા ન આવડતું હોય કે પાણીના વહેણ અને ઊંડાઈનો અંદાજ ન હોય, તો નદી કે તળાવના ઊંડા પાણીમાં જવું એ સીધું મોતને વહાલું કરવા સમાન છે.

તંત્ર અને શ્રદ્ધાળુઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

કામરેજનો આ બનાવ માત્ર ભરવાડ સમાજ માટે જ નહીં, પરંતુ ગણેશ ઉત્સવ ઉજવતા સમગ્ર સમાજ અને વહીવટી તંત્ર માટે એક મોટી ચેતવણી છે. વિસર્જન સ્થળો પર પૂરતા પ્રમાણમાં બેરિકેડિંગ, સુપરવિઝન અને સક્ષમ લાઇફ ગાર્ડ્સની તૈનાતી અત્યંત જરૂરી છે. જો યુવાનો પોતાની સુરક્ષા પ્રત્યે જાગૃત નહીં બને અને તંત્ર કડક પગલાં નહીં લે, તો આવા કરૂણ બનાવો દર વર્ષે પરિવારના યુવાનોને છીનવતા રહેશે.

આ પણ વાંચો: બ્રાહ્મણ પરિવારે ગાય કાપી ગૌમાંસ વેચ્યું! 2 મહિલાની ધરપકડ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x