ચીખલીમાં દલિત મહિલા સરપંચ પર ભાજપ નેતાનો જીવલેણ હુમલો

ચીખલીના બારોલિયા ગામમાં સરકારી કામ અટકાવી ભાજપના કારોબારી અધ્યક્ષ સહિત 4 જાતિવાદી તત્વોએ દલિત મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો કર્યો.
chikhli-dalit-woman-sarpanch-attack-bjp-leader-atrocity
chikhli-dalit-woman-sarpanch-attack-bjp-leader-atrocity

ગુજરાતમાં ભાજપ શાસનમાં દલિતો, બહુજનો અને આદિવાસી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ સવર્ણ અને મનુવાદી મનોવૃત્તિ ધરાવતા નેતાઓના અત્યાચારથી સુરક્ષિત નથી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બારોલિયા મંદિર ફળિયા ગામે ગ્રામ પંચાયતના વિકાસ કામોને અટકાવવા નીકળેલા શાસક પક્ષના માથાભારે નેતાઓએ એક દલિત મહિલા સરપંચ અને તેમના પતિ પર જીવલેણ હુમલો કરી તોફાન મચાવ્યું હતું. ભાજપ શાસિત નવસારી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અમિતા પટેલ સહિત 4 જાતિવાદી તત્વોએ દલિત સરપંચ દંપતીને જાતિવાદી ગાળો આપી, લોખંડના સળિયા અને પથ્થરો વડે માર માર્યો હતો. આ મામલે ચીખલી પોલીસે એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિકાસ કામ અટકાવવા પહોંચેલા ભાજપ નેતાની દાદાગીરી

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ફરિયાદી પ્રિયંકાબેન અલ્પેશભાઈ મનુભાઈ પટેલ બારોલિયા મંદિર ફળિયા ગામના લોકપ્રિય દલિત મહિલા સરપંચ છે. વર્ષ 2024 માં તલાવચોરા ગામમાંથી અલગ પડીને બારોલિયા મંદિર ફળિયા નવું ગામ બન્યું હતું. 2024 માં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રિયંકાબેને ભવ્ય જીત મેળવીને સરપંચ પદ સંભાળ્યું હતું.

ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ગ્રામ પંચાયતના નવા મકાન અને નાળાનું સરકારી વિકાસ કામ ચાલી રહ્યું હતું. ગત 23 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે સવા 11 વાગ્યે મહિલા સરપંચ પ્રિયંકાબેન અને તેમના પતિ અલ્પેશભાઈ પટેલ પંચાયતનું આ કામ જોવા માટે સ્થળ પર ગયા હતા. તે જ સમયે ભાજપ શાસિત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અમિતાબેન અશ્વિનભાઈ પટેલ, જતીનભાઈ ભાણાભાઈ કુણબી, જીગ્નલભાઈ અલ્પેશભાઈ પટેલ અને સુરેશભાઈ દેવાભાઈ પટેલ ત્યાં ધસી આવ્યા હતા. આ જાતિવાદી તત્વોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ જેસીબી (JCB) અને ક્રેન ડ્રાઇવરની હાજરીમાં જ દાદાગીરી કરીને ચાલુ કામ બંધ કરાવી દીધું હતું.

લેખિત માંગણી કરતા જાતિવાદી તત્વોનો અહમ ઘવાયો

જ્યારે દલિત મહિલા સરપંચ પ્રિયંકાબેને પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને વિકાસ કામ બંધ કરાવવાનું સત્તાવાર કારણ પૂછ્યું અને કાયદાકીય રીતે લેખિતમાં માંગણી કરી, ત્યારે આરોપીઓનો અહમ ઘવાયો હતો. સવર્ણ અને જાતિવાદી માનસિકતા ધરાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે જાહેરમાં ગાળાગાળી કરી, દલિત સમાજ પ્રત્યે અત્યંત અપમાનજનક શબ્દો બોલીને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.

આ પણ વાંચોઃ ડીસામાં દલિત સરપંચે 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

લોખંડના સળિયા અને પથ્થરથી હુમલો કર્યો

આરોપી જતીનભાઈ કુણબીએ અલ્પેશભાઈ પટેલ પર લોખંડના સળિયા અને ભારે પથ્થર વડે માથાના ભાગે સીધો ઘા ઝીંકી દીધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે અલ્પેશભાઈ લોહીલુહાણ થઈને સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તે જ સમયે આરોપી ભાજપ નેતા અમિતાબેન પટેલ અને તેમના અન્ય સાગરીતોએ એક મહિલા હોવાનો પણ વિચાર કર્યા વગર દલિત મહિલા સરપંચ પ્રિયંકાબેન સાથે ઝપાઝપી કરી, તેમને ઢોર માર માર્યો હતો. ઘટના બાદ ભયાનક રીતે ઈજાગ્રસ્ત બનેલા પતિ-પત્નીને ઘટનાસ્થળે હાજર માર્ગ અને મકાન વિભાગના અધિકારીની ગાડીમાં તાત્કાલિક ચીખલી સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં અલ્પેશભાઈના માથા અને કપાળના ભાગે 6 જેટલા ગંભીર ટાંકા આવ્યા છે.

ભાજપ નેતા અમિતા પટેલ સહિત 4 સામે એટ્રોસિટી હેઠળ FIR

આ મામલે દલિત સરપંચ પ્રિયંકાબેનની ફરિયાદના આધારે ચીખલી પોલીસે ભાજપના જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અમિતાબેન પટેલ, જતીનભાઈ કુણબી, જીગ્નલભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો અને એટ્રોસિટી એક્ટ (SC/ST Act) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ હુમલાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક (DySP) હરેશ ચાંદુને સોંપવામાં આવી છે.

સત્તા પક્ષ ભાજપના નેતાઓની મનુવાદી માનસિકતા

આ ઘટના એ વાતની સાબિતી છે કે, જ્યારે પણ કોઈ દલિત, આદિવાસી કે બહુજન સમાજની વ્યક્તિ પોતાના દમ પર, બંધારણીય અધિકારથી સત્તાના ઉચ્ચ સ્થાને પહોંચે છે, ત્યારે સવર્ણ અને મનુવાદી માનસિકતા ધરાવતા નેતાઓને તે પચતું નથી. ભાજપ શાસનમાં ‘સૌનો વિકાસ’ ના નારા ફક્ત કાગળ પર રહી ગયા છે, જ્યારે હકીકતે તેમના જ નેતાઓ દલિત જનપ્રતિનિધિઓ પર લોખંડના સળિયા ઉગામી રહ્યા છે. સત્તાધારી પક્ષના નેતાઓ જ્યારે જાતિવાદી ગુંડા બનીને ફરતા હોય ત્યારે સામાન્ય બહુજન સમાજની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે. બહુજન સમાજ માંગ કરી રહ્યો છે કે ભાજપ નેતા અમિતા પટેલ અને તેમના ગુંડા સાગરીતોની તાત્કાલિક ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.

આ પણ વાંચોઃ સુરતમાં દલિત ડોક્ટરને જાતિ નડીઃ મકાનનો સોદો રદ કરાયો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x