આલ્બર્ટ આઈન્સ્ટાઈનના જીવનનો વણઉકેલાયેલો કોયડો!

300થી વધુ વૈજ્ઞાનિક સંશોધનો કરનાર, અણુબોંબના સર્જક આલ્બર્ટ આઈન્સ્ટાઈને નાઝીવાદ અને રંગભેદ સામે કેમ અવાજ ઉઠાવ્યો હતો?
Albert Einstein

ચંદુ મહેરિયા

ન માત્ર 20મી સદીના, આગામી ઘણી સદીઓના મહાન વૈજ્ઞાનિકોની પંગતમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન (1879–1955)નો પાટલો પહેલી પંગતમાં માંડવો પડે એવું એમનું પ્રદાન છે. ગાંધીજીના જન્મ (1869)ના એક દાયકા પછી અને હિટલરના જન્મ (1889)ના એક દાયકા પહેલાં (1879માં) જન્મેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈન મહાનતમ વૈજ્ઞાનિક તરીકે તો જાણીતા છે જ, પરંતુ તેમની સામાજિક-રાજકીય નિસબતને લીધે પણ તેઓ એટલા જ જાણીતા હોવા જોઈતા હતા. જોકે તેમના જીવનનું આ પાસું તેમની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પાછળ ઢંકાયેલું જ રહ્યું છે.

આઈન્સ્ટાઈને 300 ઉપરાંત વિજ્ઞાનને લગતા લેખો લખ્યા છે, તો 150 લેખો વિજ્ઞાનેતર વિષયો પર લખ્યા છે. તેમાં “સમાજવાદ જ શા માટે?” જેવા લેખો પણ છે, અને આ જ બાબત તેમની જાહેર નિસબતનો પુરાવો છે.

જર્મનીના ધર્મનિરપેક્ષ અને ઉદારમતવાદી યહૂદી પરિવારમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ થયો હતો. તેઓ બાળપણથી જ ભારે જિજ્ઞાસુ અને વિજ્ઞાન તરફ ઢળેલા હતા. પ્રકૃતિના રહસ્યો જાણવાની તેમને અદમ્ય ઈચ્છા હતી. જર્મન સરકારના નિયમ મુજબની ફરજિયાત મિલિટરી સર્વિસ કરવી તેમના સ્વભાવને અનુકૂળ નહોતી, એટલે 16 વરસની વયે પરિવારની પરવાનગી લઈને કાયમી ધોરણે જર્મનીની નાગરિકતા ત્યજી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ સ્વિટ્ઝરલેન્ડ જતા રહ્યા. મુક્ત વાતાવરણ ધરાવતા ઝ્યુરિચમાં તેઓ ભણવા લાગ્યા. આ દરમિયાન તેમના વૈજ્ઞાનિક સંશોધનો પણ ચાલતા હતા.

આ પણ વાંચો: ફૂટપાથ પર પહેલો અધિકાર કોનો? પેટનો કે પગનો?

આઈન્સ્ટાઈન 17 વરસે ગ્રેજ્યુએટ થયા હતા, 21 વરસે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી અને 42 વરસે ભૌતિકશાસ્ત્રના નોબેલથી સન્માનિત થયા હતા. અવસાનના સાત દસકા પછી પણ તેમની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ વિશે વિચારતાં સમજાય છે કે તેમણે ફિઝિક્સના અધ્યયનમાં યુગાંતકારી પરિવર્તન આણ્યું હતું. દુનિયાને જોવા-સમજવાની લોકોની દ્રષ્ટિ બદલી હતી. સાપેક્ષવાદ (Theory of relativity), સામૂહિક ઊર્જાની સમાનતા, પદાર્થ અને ઊર્જા વચ્ચેનો સંબંધ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ઉપરાંત સમયના ચોથા પરિમાણની શોધ તેમની મહત્વની શોધો છે. એમણે શોધેલા E=mc2 સમીકરણના આધારે અમેરિકાએ અણુબોમ્બ બનાવ્યો હતો.

ડોક્ટરેટની ડિગ્રી છતાં આઈન્સ્ટાઈનને પ્રોફેસરની નોકરી મળી નહોતી અને તેઓ બર્નમાં આવેલી સ્વિસ પેટેન્ટ ઓફિસમાં સામાન્ય નોકરી કરવા લાગ્યા. આખરે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ વચ્ચેની હરીફાઈમાં તેમને વતન જર્મનીની બર્લિન યુનિવર્સિટીએ પ્રાધ્યાપકની નોકરીની ઓફર કરી, જે તેમણે સ્વીકારી. 1914માં તેઓ પ્રોફેસરી કરવા જર્મની ગયા ત્યારે જ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. જર્મની તેમાં મોખરે હતું. આઈન્સ્ટાઈન શાંતિવાદી અને યુદ્ધવિરોધી હતા. પરંતુ તેઓ એટલા તો પ્રસિદ્ધ હતા કે તેમની પ્રતિભા અને પ્રસિદ્ધિના ડરે સરકારે તેમનો વિરોધ ચલાવી લીધો. તેઓ મુખર પરિવર્તનકામી તો હતા જ, સ્પષ્ટ રાજકીય વિચારો પણ ધરાવતા હતા.

આ પણ વાંચો: ધ્રાંગધ્રાના રાજસીતાપુરમાં દલિત પિતા-પુત્ર પર દરબારોએ હુમલો કર્યો

જર્મનીમાં હિટલર અને નાઝીવાદના ઉદયના ગાળામાં આઈન્સ્ટાઈન ત્યાં હતા. તેમણે યહૂદીઓને બચાવવા માટે કાર્યરત સંગઠનોનું સમર્થન કર્યું હતું. કોલેજ શિક્ષણની વધતી ફી સામે તેમણે ગરીબ બાળકોને કોલેજ પછી મફત ભણાવવાનું કામ કર્યું હતું. રાજકીય સવાલો તેઓ વિજ્ઞાનના સંમેલનોમાં પણ ઉઠાવતા હતા. 1933માં નાઝીઓએ સત્તા કબજે કર્યા પછી આઈન્સ્ટાઈન માટે ત્યાં રહેવું જોખમી બન્યું હતું.

તેઓ વિદેશોમાં વ્યાખ્યાન આપવા ગયા હતા એ દરમિયાન તેમના પુસ્તકો સળગાવવામાં આવ્યા. તેમના જીવને જોખમ હોઈ તેમણે અંગરક્ષકો સાથે રાખીને વિદેશોની યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યા હતા. સ્થિતિ સ્ફોટક હોઈ તેમણે બર્લિન પરત જવાને બદલે અમેરિકામાં રોકાઈ જવાનું ઈષ્ટ માન્યું. અમેરિકાના ન્યૂજર્સીના પ્રિન્સટન નગરમાં તેઓ રહ્યા. 1940માં તેમને અમેરિકાની નાગરિકતા મળી હતી, એટલે જીવનના અંત સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા.

અમેરિકાવાસ દરમિયાન પણ તેમની જાહેર નિસબત ઓછી ન થઈ. અમેરિકાએ અણુબોમ્બ બનાવ્યો હતો. તેનો વિશ્વયુદ્ધમાં ઉપયોગ અને યુદ્ધ માત્રનો તેમનો વિરોધ હતો. પરમાણુ વૈજ્ઞાનિકોની આપાતકાલીન સમિતિના અધ્યક્ષ તરીકે પરમાણુ શસ્ત્રોના માનવીના વિનાશ માટે વપરાશના તેઓ પ્રખર વિરોધી હતા. તેમનો વિરોધ સરકારને ખૂંચતો હતો. અમેરિકાએ વિશ્વયુદ્ધમાં તો એક અમેરિકા અને સમાનતાના ગાણાં ગાયા હતા, પરંતુ દેશમાં રંગભેદ અને ભેદભાવ વ્યાપક હતા. રોજગારના ક્ષેત્રમાં ભેદભાવ વધુ હતો.

આ પણ વાંચો: આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

એટલે શ્યામવર્ણી અમેરિકનો બેરોજગાર હતા. ઘર, રોજગાર અને શિક્ષણમાં કાળા લોકોને અન્યાય અને ભેદભાવ સહેવો પડતો હતો. 1937માં પ્રિન્સટનમાં અશ્વેત ગાયિકા અને સંગીતકાર મેરિયન એન્ડરસને તેમના અવાજ અને સંગીતથી કાળા-ગોરાઓની ખૂબ તાળીઓ બટોરી પરંતુ રહેવા માટે હોટલ ન મળી. એટલે આઈન્સ્ટાઈને તેમને પોતાના ઘરે ઉતારો આપ્યો હતો. વિચાર અને આચાર બંનેમાં આઈન્સ્ટાઈન સમાન હતા.

કાળા લોકોના સમર્થનમાં અને અમેરિકી ગોરાઓની માનસિકતા સંદર્ભે આઈન્સ્ટાઈને એક જાહેર સભામાં કહ્યું હતું કે, “અમેરિકનોની સામાજિક દ્રષ્ટિ, માનવીય ગરિમા અને સમાનતા અંગેની તેમની સમજ માત્ર ગોરી ચામડી ધરાવતા લોકો માટે જ મર્યાદિત છે. મને મારા અમેરિકી હોવા પર પારાવાર પીડા થાય છે. કાળા લોકો પ્રત્યેનું ગોરા અમેરિકનોનું વલણ મને પણ સહઅપરાધી બનાવે છે. આ મનોગ્રંથિથી હું ત્યારે જ મુક્ત થઈ શકીશ જ્યારે હું તેના વિરોધમાં મારો અવાજ બુલંદ કરીશ.”

આ પણ વાંચો: જેણે ચોમાસા બે જોડી ભીનાં કપડાંમાં કાઢ્યાં હોય તેને પલળવું કેમ ગમે?

અમેરિકામાં ઘટતી ઘટનાઓના સમાજવાદી અને માર્ક્સવાદી પરિપ્રેક્ષ્યથી વિશ્લેષણ માટે 1949માં શરૂ થયેલા ‘મંથલી રિવ્યૂ’ સામયિકને આઈન્સ્ટાઈનનો ટેકો હતો. એટલું જ નહીં, તેમણે તેના પ્રથમ અંકમાં જ ‘સમાજવાદ જ શા માટે?’ મથાળે લેખ લખ્યો હતો. આ લેખમાં આઈન્સ્ટાઈને “જે વ્યક્તિ આર્થિક-સામાજિક વિષયો પર નિષ્ણાત નથી તેણે સમાજવાદ વિશે લખવું ઉચિત છે?” તેઓ પ્રશ્ન કરી સમાજવાદની આવશ્યકતા સમજાવી હતી.

આ લેખમાં તેમણે મૂડીવાદનો વિરોધ કર્યો હતો અને સમાજવાદની સ્થાપના કેટલીક અત્યંત કઠિન સામાજિક-રાજકીય સમસ્યાઓના સમાધાનની માંગ કરે છે તેમ પ્રતિપાદિત કર્યું હતું. મૂડીવાદી અર્થવ્યવસ્થા તેમના મતે માનવીય સંકટો અને આર્થિક અરાજકતાનું મૂળ હતી. માત્ર સમાજવાદ જ એવી અર્થવ્યવસ્થા છે જે વ્યક્તિની સામાજિક જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમ તેમનું દ્રઢપણે માનવું હતું.

આ પણ વાંચો: ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી છે, પણ ન્યાયાધીશો કેમ પૂર્વગ્રહી?

આઈન્સ્ટાઈનના શિક્ષણ વિશેના વિચારો પણ તેમના અનુભવો અને નિસબતમાંથી જન્મ્યા હતા. જર્મનીમાં તેમના આરંભિક શિક્ષણ અંગે આઈન્સ્ટાઈનને લાગતું હતું કે જર્મન શિસ્તવાળી શાળામાં જ્યાં તેઓ ભણતા હતા ત્યાં તેમને શિક્ષકો લશ્કરના લેફ્ટનન્ટ જેવા લાગતા હતા. શાળાકીય શિક્ષણ અંગે તેમના વિચારો હતા કે શાળાઓમાં ગોખણપટ્ટીને કારણે વિદ્યાર્થીઓમાં રહેલા રચનાત્મક વિચારો અને શીખવાની પ્રક્રિયા બંને ખોવાઈ ગયા છે.

જીવનના આખરી વર્ષોમાં આઈન્સ્ટાઈનનું કીર્તિદા કાર્ય તે બર્ટ્રાન્ડ રસેલ સાથેનું તેમનું સંયુક્ત ઘોષણાપત્ર હતું, જેમાં તેમણે વૈજ્ઞાનિક ચેતના સાથે સામાજિક ન્યાય અને માનવીય કરુણા પણ એટલી જ જરૂરી હોવાની જિકર કરી હતી. આઈન્સ્ટાઈનની સામાજિક-રાજકીય નિસબત તેમના ઊંડા ચિંતનનો પરિપાક હોવાનું નિઃશંક લાગે છે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x