હરિયાણાની નાયબસિંહ સૈનીની ભાજપ સરકાર દ્વારા અનુસૂચિત જાતિના જાતિ પ્રમાણપત્રોમાં ‘ચમાર’ શબ્દના સ્થાને ‘મેઘવાળ’ શબ્દનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય બાદ રાજ્યમાં મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. રેવાડીના બાવલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ આ જાહેરાત કરી હતી. જોકે, હરિયાણાના દલિત નેતાઓ, ખાસ કરીને ચમાર સમાજના અગ્રણીઓએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. વિપક્ષી કોંગ્રેસે આ પગલાને સમાજને વિભાજિત કરીને રાજકારણ રમવાનો પ્રયાસ ગણાવ્યો છે. જાણકારો પણ આ પગલાને દલિતોને અંદરોઅંદર લડાવવાનો પ્લાન માની રહ્યાં છે.
મુખ્યમંત્રી સૈનીની જાહેરાત અને મેઘવાળ ઉત્થાન સમિતિની માગ
બાવલ ખાતે ‘મેઘવાળ ઉત્થાન સમિતિ’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમિતિની માગણી મુજબ ચમાર સમાજના જે સભ્યો ‘મેઘવાળ’ શબ્દ અપનાવવા માંગે છે, તેઓ પોતાના જાતિ પ્રમાણપત્રમાં ‘ચમાર’ને બદલે ‘મેઘવાળ’ લખાવી શકે તે માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ મોકલશે.

સમિતિના સચિવ ભૂપેન્દ્ર મેઘવાલના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર અગાઉ જ આશરે 60,000 જેટલા જાતિ પ્રમાણપત્રો જારી કરી ચૂકી છે જેમાં ‘મેઘવાળ’ લખાયેલું છે. તેઓ ઈચ્છે છે કે ચમાર સમાજના અન્ય લોકોને પણ આ જ રીતે નામ બદલવાની છૂટ મળે.
આ પણ વાંચોઃ સંત રવિદાસ પ્રત્યે ભાજપને કેમ અચાનક પ્રેમ ઉભરાયો છે?
અનામતના વર્ગીકરણનો કાનૂની અને સામાજિક ગૂંચવાડો
સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટ 2024 ના રોજ આપેલા ચૂકાદા બાદ, ઓક્ટોબર 2024 માં હરિયાણામાં ફરી સત્તામાં આવેલી ભાજપ સરકારે કેબિનેટ બેઠકમાં અનુસૂચિત જાતિના ઉપ-વર્ગીકરણને મંજૂરી આપી હતી.
સમિતિના પ્રમુખ વેદપ્રકાશ બાવલિયાના જણાવ્યા મુજબ, વર્ગીકરણ પહેલા ચમાર અને મેઘવાલ બંને એક જ SC કેટેગરીમાં આવતા હતા, તેથી કોઈ પણ વ્યક્તિ પોતાના સર્ટિફિકેટમાં બંનેમાંથી કોઈ પણ નામ લખાવી શકતી હતી. પરંતુ ઉપ-વર્ગીકરણ બાદ હવે મેઘવાલ સમાજને ‘વંચિત અનુસૂચિત જાતિ’ (Deprived SC) જૂથમાં રાખવામાં આવ્યો છે, જ્યારે ચમાર સમાજને અન્ય SC જૂથમાં મૂકવામાં આવ્યો છે. હરિયાણામાં સરકારી નોકરીઓમાં આપવામા આવતા 20% દલિત અનામતમાં બંને જૂથો માટે અલગ-અલગ ક્વોટા નક્કી કરાયેલા છે. આથી એક સબ-કાસ્ટના વ્યક્તિને બીજી સબ-કાસ્ટમાં ટ્રાન્સફર કરવાથી અનામતના લાભો અંગે જટિલ કાનૂની પ્રશ્નો ઊભા થાય છે.

વિપક્ષે કહ્યું, આ “ભાગલા પાડો અને રાજ કરોની નીતિ”
કોંગ્રેસના 5 વખત વિજેતા બનેલા ધારાસભ્ય અને દલિત નેતા ગીતા ભુક્કલે મુખ્યમંત્રી સૈનીના આ પ્રસ્તાવ પર તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, “મુખ્યમંત્રીનું આ નિવેદન પાયાવિહોણું છે અને અમારા સમાજને ક્યારેય સ્વીકાર્ય નથી. સરકારે પહેલાથી જ દલિત સમાજને વહેંચવાનો પ્રયાસ કર્યો છે. બંધારણ મુજબ અમારી જાતિ પહેલેથી જ અનુસૂચિત જાતિ તરીકે નોંધાયેલી છે, તો પછી આવા નિવેદનો આપીને અસંતોષ કેમ ફેલાવવામાં આવી રહ્યો છે?”
આ મુદ્દે પૂર્વ આઈએએસ (IAS) અધિકારી ધનપત સિંહે પણ પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે, માત્ર નામ બદલવાથી સામાજિક વાસ્તવિકતા કે લોકોની માનસિકતા બદલાતી નથી. ગાંધીજીએ આપેલું ‘હરિજન’ નામ હોય કે પછી ‘દલિત’ શબ્દ, સમય જતાં લોકોની નકારાત્મક માનસિકતાના કારણે તમામ શબ્દો પ્રત્યે દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. જ્યાં સુધી માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી માત્ર શબ્દો બદલવાથી કોઈ મોટો તફાવત નહીં પડે.
આ પણ વાંચોઃ ભાજપ શાસિત રાજ્યોમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં 35%નો વધારો
હરિયાણાના રાજકારણમાં દલિત સમાજનું વર્ચસ્વ
હરિયાણાની કુલ વસતિમાં દલિત સમાજની ભાગીદારી આશરે 20% જેટલી છે. આ 20% વસતિમાં ‘ચમાર’ સમાજ સૌથી મોટો અને રાજકીય રીતે નિર્ણાયક સમાજ ગણાય છે. બીજી તરફ, મેઘવાલ સમાજ મુખ્યત્વે રાજસ્થાનની સરહદને અડતા હરિયાણાના વિસ્તારોમાં વસે છે. ચામડાના વ્યવસાય સાથે સંકળાયેલા જૂથો સિવાયના અન્ય દલિત સમાજો 20% સરકારી અનામત કોટામાંથી પોતાના માટે અલગ હિસ્સાની માગ કરી રહ્યા છે, જેથી તેમને વધુ લાભ મળી શકે. આ રાજકીય અને સામાજિક સમીકરણો વચ્ચે સૈની સરકારની આ ભલામણ આગામી દિવસોમાં વધુ વિવાદ સર્જે તેવી પૂરી શક્યતા છે.
વાસ્તવમાં આ આખી ગેમ દલિતોને ચમાર અને મેઘવાળના નામે અંદરોઅંદર લડાવવાની છે તે સ્પષ્ટ જણાય છે. કેમ કે, દેશનું બંધારણ જે અનામત આપે છે તે સામાજિક ભેદભાવને કારણે આપે છે, અને તે મુજબ સવર્ણ હિંદુઓ ચમાર અને મેઘવાળ સાથે એકસરખો જાતિગત ભેદભાવ દાખવે છે. તેથી તેમની અનામતમાં પેટા વર્ગીકરણ કરવું એ તદ્દન ગેરવ્યાજબી અને બંધારણ વિરોધી નિર્ણય છે. જો કે, ભાજપ આ જ રીતે વર્ષોથી દલિતોની અનામત સાથે ચેડાં કરીને સવર્ણોને ખુશ રાખી સત્તા ટકાવી રહ્યું છે તે હવે સૌ સમજી ચૂક્યાં છે.
આ પણ વાંચોઃ તેલંગાણામાં SC પેટાવર્ગીકરણ લાગુ, કોંગ્રેસે 14મી એપ્રિલે જ દલિતોની પીઠમાં ઘા કર્યો?











