ABVP ના કાર્યકરોએ ફરી એકવાર પોતાનો કોમવાદી, જાતિવાદી ચહેરો બતાવ્યો છે. અસમના સિલચર સ્થિત કછાર કોલેજમાં આ હિન્દુત્વવાદી સંગઠનની કોમવાદી નીતિઓ અને ગુંડાટોળીએ તોફાન મચાવ્યું હતું. કેમ્પસમાં મેમ્બરશિપ ડ્રાઈવ દરમિયાન ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ હિજાબ પહેરીને આવેલી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હુમલો કર્યો હતો. ABVP ના કટ્ટરપંથી કાર્યકર્તાઓએ “જય શ્રી રામ” ના નારા લગાવીને હિજાબધારી વિદ્યાર્થિનીઓ સાથે ધક્કામુક્કી અને મારપીટ કરી હતી. કોલેજોમાં આરએસએસ (RSS), એબીવીપી (ABVP), વિએચપી (VHP) અને બજરંગ દળ જેવા સંગઠનો દ્વારા ચલાવવામાં આવતા કોમવાદી એજન્ડા અને વિભાજનકારી રાજકારણની હવે ચોમેરથી આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી રહી છે.
હિજાબ પર વાંધો ઉઠાવી ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા
ઘટનાની વિગતો મુજબ, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા કોલેજના પ્રિન્સિપાલની પૂર્વ મંજૂરી લઈને 2 દિવસીય સભ્યપદ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પેઈનના બીજા દિવસે જ્યારે કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ ત્યાં પહોંચી ત્યારે ABVP ના સભ્યોએ તેમના હિજાબ પહેરવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. શરૂઆતમાં સામાન્ય દલીલબાજીથી શરૂ થયેલો આ મામલો જોતજોતામાં હિંસક બની ગયો હતો.

પીડિત મુસ્લિમ વિદ્યાર્થીનીએ મીડિયા સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કરતા જણાવ્યું કે, ABVP ના સભ્યોએ “જય શ્રી રામ” ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે એવો પણ તર્ક આપ્યો હતો કે હિજાબની પરવાનગી આપવાથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ કેમ્પસમાં નમાજ પણ પઢશે. વિદ્યાર્થીનીઓએ સામો સવાલ કર્યો હતો કે જ્યારે કોલેજ કેમ્પસમાં પૂજા જેવા હિન્દુ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે ત્યારે મુસ્લિમ સમાજે ક્યારેય વિરોધ કર્યો નથી, તો હિજાબ સામે જ આટલો દ્વેષ કેમ?
આ પણ વાંચોઃ ABVP ના શિક્ષકે ‘કાવડ લેકર મત જાના’ ગીત ગાયું તો સસ્પેન્ડ કરાયા
વિદ્યાર્થીનીઓનું હિજાબ ખેંચ્યું, રજિસ્ટર છીનવવાનો પ્રયાસ
ABVP ના કાર્યકર્તાઓએ દાદાગીરી કરતા NSUI ના કાર્યકર્તાઓને કેમ્પેઈન બંધ કરીને ભાગી જવાની ધમકી આપી હતી. પ્રિન્સિપાલની મંજૂરી હોવાનું જણાવવા છતાં કટ્ટરપંથી સભ્યોએ મેમ્બરશિપ રજિસ્ટર આંચકી લેવાની કોશિશ કરી હતી. આ દરમિયાન સ્થિતિ વધુ વણસી હતી અને એક મુસ્લિમ વિદ્યાર્થીનીનો હિજાબ પકડીને ખેંચવામાં આવ્યો હતો તથા અનેક વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક મારપીટ કરવામાં આવી હતી. બચાવવા વચ્ચે પડેલા પુરુષ વિદ્યાર્થીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
આરએસએસ અને તેની સાથે જોડાયેલા વિહિપ તથા બજરંગ દળ જેવા સંગઠનો દેશની શૈક્ષણિક સંસ્થાઓનું ભગવાકરણ કરીને લઘુમતી સમાજની વિદ્યાર્થીનીઓને શિક્ષણથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ NSUI અને યુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

પોલીસમાં ફરિયાદ અને સુરક્ષાની માગણી
ઘટનાના 2 દિવસ બાદ અલ્ગાપુર-કાટલીચેરાના ધારાસભ્ય અને અસમ પ્રદેશ યુવા કોંગ્રેસના અધ્યક્ષ જુબેર અનામ મજુમદારે આ ગંભીર મામલે હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે યુવા કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે કછારના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) પી.પી. દાસ સાથે મુલાકાત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી તથા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા મજબૂત કરવાની માગ કરી હતી.
બીજી તરફ, કછાર કોલેજના પ્રિન્સિપાલ ડો. અપ્રતિમ નાગે જણાવ્યું છે કે સંસ્થા તેના નિયમિત યુનિફોર્મ કોડનું પાલન કરાવશે. કોલેજના ડ્રેસ કોડ મુજબ પુરુષો માટે શર્ટ-ટ્રાઉઝર અને મહિલા વિદ્યાર્થીઓ માટે દુપટ્ટા સાથે સલવાર-કમીઝ અથવા ચૂડીદાર નક્કી થયેલ છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે હિંસા આચરનારા ABVP ના સભ્યોને બચાવવા રાજકીય દબાણ લાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થી ભાજપ નેતાની સભામાં ગેરહાજર રહેતા ABVP કાર્યકરોએ માર્યો











