જ્યારે માન્યવર કાંશીરામને ફિલ્મમાં મુખ્ય હીરોની ઓફર મળી!

બહુજન મહાનાયક માન્યવર કાંશીરામ સાહેબને સિનેમા પ્રત્યે ભારે પ્રેમ હતો. કોલેજકાળમાં તેને મુખ્ય અભિનેતા બનવાની તક મળી હતી. જાણો તેમણે શું નિર્ણય લીધો હતો.
kanshi-ram-saheb-cinema-hero-offer-bsp
kanshi-ram-saheb-cinema-hero-offer-bsp

માન્યવર કાંશીરામ સાહેબનું સ્થાન માત્ર એક રાજકીય પક્ષના સ્થાપક પૂરતું મર્યાદિત નથી. તેઓ એક વિચારક, સોશિયલ એન્જિનિયર, સંગઠનકર્તા અને બહુજન સમાજના આત્મસન્માનની ચળવળના અગ્રદૂત હતા. તેમણે DS-4, બામસેફ અને અંતે બહુજન સમાજ પાર્ટી દ્વારા એક એવો રાજકીય વિકલ્પ ઊભો કર્યો, જેણે ભારતીય રાજકારણની દિશા બદલી નાખી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કાંશીરામ સાહેબના વ્યક્તિત્વમાં કળા અને સિનેમા પ્રત્યે ઊંડી સમજ અને રસ રહેલો હતો.

કોલેજકાળમાં હીરો બનવાની ઓફર મળી હતી

કાંશીરામ સાહેબના પરિવારજનો અને નજીકના લોકોએ અનેક પ્રસંગોએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેમને ફિલ્મોનો ખૂબ શોખ હતો. તેમના કોલેજકાળ દરમિયાન એક ફિલ્મના શૂટિંગ વખતે મુખ્ય અભિનેતા ઈજાગ્રસ્ત થઈ જતા તેના રોલ માટે કોલેજના યુવાનોની પરેડ કરાવવામાં આવી હતી. આ પરેડમાં કાંશીરામ સાહેબના વ્યક્તિત્વ અને પ્રભાવથી પ્રભાવિત થઈને ફિલ્મ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.

જોકે, કાંશીરામ સાહેબે ફિલ્મી દુનિયાની ઝાકઝમાળમાં અંજાયા વગર પોતાના અભ્યાસ અને ભવિષ્યના લક્ષ્યને પ્રાધાન્ય આપ્યું અને તે રોલ ભજવવાની સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે ફિલ્મના પડદાના નાયક બનવાને બદલે દેશના કરોડો શોષિત, પીડિત અને વંચિત લોકોના વાસ્તવિક મહાનાયક બનવાના માર્ગ પર આગળ વધવાનું નક્કી કર્યું.

આ પણ વાંચોઃ માન્યવર કાંશીરામે કેવી રીતે શોષિત સમાજને શાસક બનાવ્યો?

સિનેમા: સામાજિક પરિવર્તન અને ચેતનાનું શક્તિશાળી સાધન

કાંશીરામ સાહેબ સિનેમાને માત્ર મનોરંજનનું સાધન ન માનતા, પરંતુ તેને સામાજિક પરિવર્તન અને વૈચારિક ક્રાંતિનું શક્તિશાળી હથિયાર માનતા હતા. તેઓ સારી રીતે સમજતા હતા કે પુસ્તક વાંચવા માટે અક્ષરજ્ઞાન અને સાક્ષરતા જરૂરી છે, પરંતુ દ્રશ્ય માધ્યમ એટલે કે ફિલ્મ જોવા માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી હોતી. ભારતમાં દલિત, આદિવાસી અને પછાત વર્ગોના જીવન અને સંઘર્ષનું પ્રતિનિધિત્વ મુખ્ય ધારાના સિનેમામાં સાવ નહિવત હતું. તેથી, તેમણે બહુજન સમાજના ઇતિહાસ અને મહાપુરુષોની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા માટે સિનેમાનો પયોગ કરવાનો વિચાર કર્યો.

1970 ના દાયકામાં સરકારી નોકરી કરતા કર્મચારીઓને સંગઠિત કરી 1978 માં બામસેફ, ત્યારબાદ DS-4 અને 1984 માં BSP ની સ્થાપના કરીને તેમણે ઇતિહાસ, ચેતના, સંગઠન, મત, સત્તા અને સામાજિક પરિવર્તનનો એક અજોડ ક્રમ ઊભો કર્યો. આ પ્રક્રિયામાં સિનેમા લોકોની ચેતના જગાડવાનું સૌથી મોટું માધ્યમ બની શકતું હતું.

દર વર્ષે 12 ફિલ્મો બનાવવાનું વિઝન

22 નવેમ્બર 1980 ના રોજ નવી દિલ્હી ખાતે આપેલા પોતાના ઐતિહાસિક ભાષણમાં કાંશીરામ સાહેબે જાહેરાત કરી હતી કે આ ઝડપથી આગળ વધતી દુનિયામાં ફિલ્મ માધ્યમની ખૂબ જ જરૂરિયાત છે. આવનારા વર્ષમાં 4 અને ત્યારબાદ દર વર્ષે 12 ફિલ્મો દલિત-બહુજન સમાજને પ્રેરણા આપવા માટે બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ કાંશીરામ કોના? માન્યવર માટે SP, ASP, કૉંગ્રેસ, ભાજપમાં હોડ જામી

દર મહિને 1 ફિલ્મ બનાવવાનો તેમનો હેતુ આખું વર્ષ બહુજન સમાજ માટે સતત વૈચારિક શિક્ષણનું માધ્યમ ઊભું કરવાનો હતો. આ ફિલ્મો દ્વારા તથાગત બુદ્ધ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, સંત રૈદાસ, સંત કબીર, પેરિયાર અને બહુજન નાયકોના સંઘર્ષને રજૂ કરવાની તેમની યોજના હતી.

‘તીસરી આઝાદી’ અને સાંસ્કૃતિક સત્તાનો સંગ્રામ

કાંશીરામ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી બનેલી ‘તીસરી આઝાદી’ ફિલ્મમાં ભારતીય જાતિ વ્યવસ્થા અને સામાજિક ઇતિહાસનું અત્યંત સચોટ ચિત્રણ કરવામાં આવ્યું છે. કાંશીરામ સાહેબના વિચારોમાં પહેલી આઝાદી બ્રિટિશ શાસનમાંથી મુક્તિ હતી અને બીજી આઝાદી રાજકીય સ્વરાજ હતું. પરંતુ ‘ત્રીજી આઝાદી’ નો અર્થ સામાજિક ગુલામી અને જાતિ વ્યવસ્થામાંથી મુક્તિ હતો.

તેઓ માનતા હતા કે જો સમાજની ગુલામી માત્ર કાયદામાં નહીં પરંતુ સામાજિક રિવાજો, માન્યતાઓમાં અને સાંસ્કૃતિક પ્રતીકોમાં વણાયેલી હોય, તો તેની સામેનો સંઘર્ષ માત્ર ચૂંટણીઓ જીતીને પૂર્ણ નથી થતો, તેના માટે સાંસ્કૃતિક સત્તા મેળવવી પણ એટલી જ જરૂરી છે. કાંશીરામ સાહેબનો સિનેમા સાથેનો આ સંબંધ દર્શાવે છે કે તેઓ બહુજન સમાજની મુક્તિને માત્ર ચૂંટણી કે રાજકારણ પૂરતી મર્યાદિત ન રાખતા જ્ઞાન, સંસ્કૃતિ અને ઈતિહાસ પર પોતાના અધિકાર મેળવવાની વ્યાપક લડાઈ માનતા હતા.

આર.કે.આરજ
(લેખક વિખ્યાત બહુજન ડિજિટલ પ્લેટફોર્મ માબર મીડિયાના ફાઉન્ડર છે.)

આ પણ વાંચોઃ માન્યવર કાંશીરામની એ 5 પ્રતિજ્ઞાઓ, જે હવે કોઈ પાળી શકે તેમ નથી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x