સુઈગામ રતાભાઈ પરમાર કસ્ટોડિયલ ડેથમાં 13 લોકો સામે FIR

સુઈગામ પોલીસ સ્ટેશનમાં દલિત રતાભાઈ પરમારના આપઘાત મામલે 13 લોકો સામે માનસિક-શારીરિક ત્રાસ અને ઉશ્કેરણીની કલમો હેઠળ FIR નોંધાઈ છે.
suigam custodial death

બનાસકાંઠાના સુઈગામ પોલીસ મથકમાં દલિત સમાજના રતાભાઈ પરમારના કસ્ટોડિયલ ડેથ કેસમાં એક નવો કાનૂની વળાંક આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં જ થયેલા શંકાસ્પદ આપઘાતની આ ગંભીર ઘટના બાદ પરિવારજનોના આક્રોશ, સામાજિક સંગઠનોના આંદોલન અને સતત ન્યાયની માગ વચ્ચે આખરે પોલીસે 13 શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ત્રાસ આપવા અંગેનો ગુનો નોંધ્યો છે. સરકારી કસ્ટડીમાં એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવવો પડ્યો હોવાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને આક્રોશનો માહોલ છે.

મામલો શું હતો

પોલીસમાં નોંધાયેલી વિગતવાર માહિતી અનુસાર, આ સમગ્ર વિવાદની શરૂઆત સામાજિક તકરાર અને કૌટુંબિક ખેંચતાણથી થઈ હતી. મૃતક રતાભાઈ રૂપશીભાઈ પરમારના પુત્ર રાજુભાઈના લગ્ન મોરવાડા ગામે થયા હતા. તેમની પત્ની પ્રિયંકાબેન છેલ્લા 7 મહિનાથી પોતાના પિયરમાં મોરવાડા ખાતે રહેતી હતી. જ્યારે રતાભાઈ અને તેમનો પરિવાર પોતાની પુત્રવધૂને નિયમ મુજબ તેડવા માટે મોરવાડા પહોંચ્યો, ત્યારે સામે પક્ષે છોકરીના પિતા ધનાભાઈ મકવાણા અને પરિવારજનોએ એક અજીબ શરત મૂકી હતી. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે તેમની અન્ય દીકરી હેતલબેનને સાસરીમાં મૂકવામાં આવે ત્યારબાદ જ પ્રિયંકાબેનને વળાવવામાં આવશે.

આ પણ વાંચો: ‘સંકલ્પ ભૂમિ’ વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ અધૂરું કેમ?

આ શરત અને સામાજિક તણાવના કારણે વિવાદ વધુ વકર્યો હતો. આ બાબતનું નિરાકરણ લાવવા માટે ગત તા. 8 સપ્ટેમ્બર 2026 ના રોજ રતાભાઈ પરમાર અને તેમના પરિવારના સભ્યો ગાડી લઈને મોરવાડા ખાતે વેવાઈના ઘરે ગયા હતા. ત્યાં હાજર આરોપીઓએ ઉશ્કેરાઈને રતાભાઈ અને તેમના સ્વજનોને જાહેરમાં અપમાનિત કર્યા હતા, જાતિવાદી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, રતાભાઈ જ્યારે પરમાર પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે લીંબુણી ગામના પાટીયા પાસે આરોપીઓએ તેમની ગાડીનો પીછો કર્યો હતો અને ધોકા તથા ધારિયા જેવા ઘાતક શસ્ત્રો વડે ગાડીમાં તોડફોડ કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

પોલીસ કાર્યવાહીનો ડર અને માનસિક ત્રાસ

હુમલો કર્યા બાદ સામા પક્ષના લોકોએ જ સુઈગામ પોલીસ સ્ટેશનમાં રતાભાઈ અને તેમના પરિવાર સામે ફરિયાદ નોંધાવી દીધી હતી. ફરિયાદના આધારે પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને રતાભાઈને અટકાયતમાં લઈને સુઈગામ પોલીસ સ્ટેશન લાવી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે સામાજિક દબાણ, સામે પક્ષ દ્વારા અવારનવાર આપવામાં આવતી ધમકીઓ અને પોલીસ કાર્યવાહીના અચાનક ઊભા થયેલા ડરથી રતાભાઈ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા.

આ પણ વાંચો: શું AI માનવજાત માટે સૌથી મોટું જળસંકટ સર્જશે?

પોલીસ સ્ટેશનના રૂમમાં રાત્રિના સમયે જ્યારે કોઈ હાજર નહોતું ત્યારે સતત માનસિક ત્રાસથી કંટાળીને રતાભાઈએ પોતાના પહેરેલા લૂંગી વડે પંખા સાથે ફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. સરકારી મથકમાં જ આ પ્રકારની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને પરિવારજનોએ કસ્ટોડિયલ ડેથ અંગે તટસ્થ તપાસની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે?

સુઈગામ પોલીસે તમામ 13 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા કર્યા છે. અટકાયતમાં લેવાયેલા વ્યક્તિની સુરક્ષા પોલીસની પ્રાથમિક જવાબદારી હોય છે, ત્યારે પોલીસ સ્ટેશનના રૂમની અંદર જ આવી ઘટના બની જવી તે ગંભીર બેદરકારી દર્શાવે છે. પીડિત પરિવારજનો અને દલિત અધિકાર માટે લડતા સંગઠનોની માગ છે કે આ કેસમાં તમામ આરોપીઓની સત્વરે ધરપકડ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કડક પગલાં ભરવામાં આવે જેથી મૃતક રતાભાઈ પરમારના પરિવારને ન્યાય મળી શકે.

આ પણ વાંચો: દેશની જિલ્લા અદાલતોમાં SC-ST-OBCની સેંકડો અનામત બેઠકો ખાલી

13 આરોપીઓ સામે ગુનો દાખલ

મૃતકના ભાઈ પુંજાભાઈ રૂપશીભાઈ પરમાર દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદ અને દલિત સમાજના કડક વલણ બાદ પોલીસે આખરે તમામ 13 આરોપીઓ સામે આકરા કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે આરોપીઓ સામે FIR થઈ છે તેમની વિગત નીચે મુજબ છે:

ધનાભાઈ સવસીભાઈ મકવાણા (રહે. મોરવાડા)
બબાભાઈ ધનાભાઈ મકવાણા (રહે. મોરવાડા)
તગશીબેન ધનાભાઈ મકવાણા (રહે. મોરવાડા)
પ્રિયંકાબેન ધનાભાઈ મકવાણા (રહે. મોરવાડા)
દેવાભાઈ મશરૂભાઈ સોલંકી (રહે. લીંબુણી)
કિરણભાઈ વાઘાભાઈ સોલંકી (રહે. લીંબુણી)
વાઘાભાઈ રૂપાભાઈ સોલંકી (રહે. લીંબુણી)
અમરતભાઈ મશરૂભાઈ સોલંકી (રહે. લીંબુણી)
જુમાભાઈ મશરૂભાઈ સોલંકી (રહે. લીંબુણી)
ગણાભાઈ મશરૂભાઈ સોલંકી (રહે. લીંબુણી)
દેવાભાઈ મશરૂભાઈની પત્ની (રહે. લીંબુણી)
દેવાભાઈ મશરૂભાઈની માતા (રહે. રહે. લીંબુણી)
સેંધાભાઈ લેબાભાઈ (રહે. કાણોઠી, તા. સુઈગામ)

આ પણ વાંચો: સુઈગામ પોલીસ સ્ટેશનમાં દલિત યુવકે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x