સંકલ્પ ભૂમિ વડોદરામાં અવ્યવસ્થા, ટ્રસ્ટની કામગીરી પર સવાલો

સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે 23 સપ્ટેમ્બરે દેશભરમાંથી લાખો ભીમ અનુયાયીઓ આવી રહ્યાં છે, પરંતુ તેઓ મૂળભૂત સુવિધાઓ વિના કટુ અનુભવ કરી રહ્યા છે.
sankalp-bhoomi-vadodara-trust-mismanagement
sankalp-bhoomi-vadodara-trust-mismanagement

સંકલ્પ ભૂમિ વડોદરા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સામાજિક ન્યાય અને સમાનતાના સંકલ્પ સાથે જોડાયેલી એક ઐતિહાસિક ભૂમિ છે. દર વર્ષે 23 સપ્ટેમ્બરના ઐતિહાસિક સંકલ્પ દિવસ નિમિત્તે દેશના ખૂણેખૂણેથી, ખાસ કરીને મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં ભીમ અનુયાયીઓ પોતાની આસ્થા અને શ્રદ્ધાથી અહીં મસ્તક નમાવવા આવે છે. તાજેતરમાં જ અહીં ભવ્ય સ્મારક, મ્યુઝિયમ, લાઈબ્રેરી, ડિજિટલ શો અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ આ ભવ્ય ઈમારતો બન્યા પછી પણ દેશભરમાંથી આવતા અનુયાયીઓ માટેની વ્યવસ્થા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે અને સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ સામે રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે.

લોકો ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવા મજબૂર, મચ્છરોનો ત્રાસ

દેશભરમાંથી સ્વખર્ચે આવતા બહુજન સમાજના લોકો કોઈ રાજકીય શક્તિનું માત્ર સંખ્યાબળ નથી. છતાં આયોજકો દ્વારા તેમની પાયાની જરૂરિયાતોની ભારે અણદેખી કરવામાં આવી રહી છે. બહારથી આવતા હજારો અનુયાયીઓ માટે રાત્રિ રોકાણની કોઈ સન્માનજનક કે કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે, નાના બાળકો, ગરીબ મહિલાઓ અને વયોવૃદ્ધોને ખુલ્લા મેદાનમાં રાત વિતાવવી પડી હતી. મચ્છરોનો ઉપદ્રવ, પૂરતી લાઈટ કે પ્રકાશનો અભાવ અને સ્વચ્છતાના અભાવે લોકો આખી રાત હેરાન થાય છે.

આ પણ વાંચોઃ સંકલ્પ ભૂમિ વડોદરાને ફાળવાયેલી કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ?

રૂ. 20 નો ચાર્જ અને રાત્રે શૌચાલય પર તાળાં: મહિલાઓ મુશ્કેલીમાં

સૌથી શરમજનક અને આક્રોશજનક બાબત શૌચાલય અને યુરિનલની સુવિધામાં સામે આવી છે. ભીમ અનુયાયીઓ પાસેથી શૌચાલયનો ઉપયોગ કરવા માટે રૂ. 20 સુધીનો ગેરવ્યાજબી ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ, રાત્રિના સમયે આ શૌચાલયોને તાળાં મારી દેવામાં આવે છે. આના કારણે દૂર-દૂરથી આવેલી બહુજન મહિલાઓ, ગર્ભવતીઓ અને બાળકોને રાત્રિના અંધારામાં ખુલ્લામાં પેશાબ કરવા માટે મજબૂર થવું પડે છે. જાહેર કાર્યક્રમોમાં જ્યાં મફત અને સરળ સુવિધા હોવી જોઈએ, ત્યાં આ પ્રકારે લૂંટ અને સરેઆમ અમાનવીય વર્તન ચલાવી લેવાઈ રહ્યું છે.

1000 ના ટેન્ટના રૂ. 3500 વસૂલી શોષણ

આયોજનના નામે આર્થિક લૂંટ ચલાવવાનો વધુ એક ગંભીર આક્ષેપ ટેન્ટના ભાડા પર લાગ્યો છે. સામાન્ય રીતે જે 15 × 15 ફૂટનો નાનો ટેન્ટ આશરે રૂ. 1,000 માં તૈયાર થઈ જાય છે, તેના માટે બહારથી આવતા ગરીબ અને આર્થિક રીતે નબળા અનુયાયીઓ પાસેથી રૂ. 3,500 સુધીની અધધ રકમ વસૂલવામાં આવી રહી છે. બાબાસાહેબના વિચારો અને સાહિત્ય પ્રત્યે શ્રદ્ધા રાખીને આવતા લોકો પર આ પ્રકારે વધારાનો આર્થિક બોજ નાખીને વેપાર ચલાવવામાં આવી રહ્યો હોય તેવું વાતાવરણ ઊભું થયું છે.

આ પણ વાંચોઃ વડોદરા સંકલ્પ ભૂમિને વિશ્વસ્તરીય સ્મારક બનાવો, 23 કરોડના પેકેજની માંગ

પીવાનું પાણી અને મેડિકલ સેવાઓ ગાયબ

દર વર્ષે લાખો લોકો એકત્રિત થતા હોવા છતાં આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓનું કોઈ જ આગોતરું આયોજન કરવામાં આવતું નથી. પીવાના ચોખ્ખા પાણી માટે લોકોએ વલખાં મારવા પડે છે. આટલી મોટી મેદની વચ્ચે પૂરતા પ્રમાણમાં મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ, પ્રાથમિક સારવાર કેન્દ્ર, જરૂરી દવાઓ કે ઇમરજન્સી મેડિકલ ટીમની કાયમી વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી? જો કોઈ ઈમરજન્સી સર્જાય તો તેનો જવાબદાર કોણ?

વ્યવસ્થા કરતા ફોટા પડાવવાનો મોહ વધારે?

ભીમ અનુયાયીઓનો સીધો આક્ષેપ છે કે વર્ષોથી આયોજન થતું હોવા છતાં આયોજકોનું ધ્યાન મૂળભૂત જરૂરિયાતો જેવી કે પીવાનું પાણી, શૌચાલય, રાત્રિ રોકાણ, સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, પ્રકાશ અને તબીબી સેવાઓ પર હોતું જ નથી. ટ્રસ્ટીઓ અને સંચાલકોમાં માત્ર પોતાને મોટા બતાવવાની, સરકાર સાથે નજીકતા સિદ્ધ કરવાની અને નેતાઓ સાથે ફોટા પડાવવાની જ હોડ ચાલી રહી છે. કાગળ પર ભવ્ય આયોજન બતાવીને વાસ્તવિકતામાં અનુયાયીઓને રઝળતા છોડી દેવાય છે.

આ પણ વાંચોઃ કહેવાતી ‘સંસ્કારી નગરી’એ જ્યારે ડો.આંબેડકરને ચોધાર આંસુએ રડાવ્યા..

ટ્રસ્ટ અને તંત્ર સામે ઉઠતા 8 ગંભીર સવાલો

સંકલ્પ ભૂમિની ગરિમા જાળવવા માટે ટ્રસ્ટ અને વડોદરાના સ્થાનિક તંત્રએ તાત્કાલિક નીચેના સવાલોના પારદર્શક જવાબો આપવા પડશે:
લાખો લોકો માટે પીવાના પાણીની કેટલી અને ક્યાં વ્યવસ્થા કરાઈ છે?
કમ્પાઉન્ડમાં કુલ કેટલા શૌચાલય અને યુરિનલ ઉપલબ્ધ બનાવાયા છે?
જાહેર શૌચાલય માટે રૂ. 20 નો શુલ્ક કેમ લેવાય છે અને રાત્રે તાળાં કેમ મરાય છે?
બહારના રાજ્યોમાંથી આવતા લોકો માટે રાત્રિ રોકાણનું શું આયોજન છે?
રૂ. 1,000 ના ટેન્ટના ભાડા રૂ. 3,500 કોના આદેશથી નક્કી કરાયા?
મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી સેવાઓ માટે શું તૈયારી છે?
ભયાનક ગંદકી અને કચરાના વ્યવસ્થાપન માટે શું રોડમેપ છે?

દર વર્ષે સંકલ્પ દિવસ નિમિત્તે થતા ખર્ચ અને મળેલી ગ્રાન્ટ/દાનની વિગતો જાહેર કેમ નથી કરાતી?

સંકલ્પ ભૂમિ માત્ર ઈમારત, પ્રતિમા કે ટૂરિસ્ટ સ્પોટ નથી; તે બહુજન સમાજના આત્મસન્માન અને સામાજિક મુક્તિનું પ્રતીક છે. જો ત્યાં આવતા દરેક ભીમ અનુયાયીને પૂરતું સન્માન, સુરક્ષા અને મૂળભૂત માનવીય સુવિધાઓ નહીં મળે, તો આ ભવ્ય સ્મારકો નકામા સાબિત થશે. ટ્રસ્ટે પોતાની જવાબદારી સમજીને આ વેપારી માનસિકતા બંધ કરવી જ પડશે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ડૉ. આંબેડકરના નામે પહેલું બૌદ્ધ વિહાર બન્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x