સંકલ્પ ભૂમિની ઐતિહાસિક ભૂમિ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરના આત્મસન્માન અને સામાજિક ક્રાંતિના મંત્રને ભૂલીને તેમના જ નામે રોટલા શેકતા કેટલાક માનસિક ગુલામોનું શરમજનક વર્તન સામે આવ્યું છે. ONGC માં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા કેટલાક દલિત કર્મચારીઓએ પોતાના સવર્ણ અધિકારીઓની ખુશામત કરવા માટે અને તેઓ નારાજ ન થઈ જાય તે બીકે સંકલ્પ ભૂમિ કમ્પાઉન્ડમાંથી ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીર અને બહુજન સમાજના 5 પાયાના મુદ્દાઓ ધરાવતું બેનર બળજબરીથી ઉતરાવી દીધું હતું. આ મનુવાદી કૃત્યમાં સંકલ્પ ભૂમિ ટ્રસ્ટના મેમ્બરે સક્રિય ભૂમિકા ભજવીને દલિતોના અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
સવર્ણ અફસરોનો ભય અને માનસિક ગુલામીનું પ્રદર્શન
બનાવની વિગત મુજબ, સંકલ્પ ભૂમિ ખાતે બહુજન હિત માટે જાગૃતિ ફેલાવતું એક બેનર લગાવવામાં આવ્યું હતું. પરંતુ ONGC ના દલિત કર્મચારીઓ પોતાના સવર્ણ ઉપરી અધિકારીઓ આવે તે પહેલાં આ બેનર જોઈને ભડક્યા હતા. તેમણે જાહેરમાં એવું કાયરતાપૂર્ણ નિવેદન આપ્યું કે, “અમે અમારા ઉપરી અધિકારીઓ જે સવર્ણ છે તેમને બોલાવ્યા છે, જો તેઓ આ બેનર જોશે તો નારાજ થઈ જશે, એટલે આ બેનર તાત્કાલિક ઉતારી લો.” કલાક સુધી ચાલેલી ભારે રકઝક અને બોલાચાલી બાદ આ માનસિક ગુલામોએ સવર્ણ સાહેબોને ખુશ કરવા બેનર ઉતરાવી દીધું હતું.

સંકલ્પ ભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીની શરમજનક ભૂમિકા
જે સંકલ્પ ભૂમિ બાબાસાહેબના શાસન અને શોષણ સામેના સંકલ્પની સાક્ષી છે, તેના જ ટ્રસ્ટના મેમ્બર સુખદેવ વાઘેલાએ આ બેનર હટાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. સુખદેવ વાઘેલાએ ધાક-ધમકી આપતા કહ્યું કે, “હું ટ્રસ્ટનો મેમ્બર છું, હું કહું એટલે બેનર ઉતારી લો. અહીંયા આવા બેનર નહીં લગાવવાના.” બાબાસાહેબના વિચારોના રક્ષણ માટે બનેલા ટ્રસ્ટના હોદ્દેદારો જ જ્યારે સવર્ણ માનસિકતા આગળ ઘૂંટણ ટેકવી દે, ત્યારે ટ્રસ્ટની વિશ્વસનીયતા પર ડાઘ લાગે છે.
આ પણ વાંચોઃ સંકલ્પ ભૂમિ વડોદરામાં અવ્યવસ્થા, ટ્રસ્ટની કામગીરી પર સવાલો
બેનરમાં ક્યા મુદ્દાઓ રજૂ કરાયા હતા
જે બેનરને જોઈને સવર્ણ અધિકારીઓ અને તેમના ચમચાઓના પેટમાં તેલ રેડાતું હતું, તેમાં બહુજન સમાજના 5 અત્યંત મહત્વના બંધારણીય અને ન્યાયિક મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા હતા:
1. EVM મશીન હટાવો: લોકશાહીમાં મતદાનની પારદર્શિતા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે EVM ની જગ્યાએ બેલેટ પેપર આધારિત મતદાન કરવાની સ્પષ્ટ માંગ કરાઈ હતી. 2024 માં પણ સુપ્રીમ કોર્ટે EVM-VVPAT ની પારદર્શિતા સંબંધિત સુનાવણીઓ કરી છે.
2. પ્રાઇવેટ સેક્ટર અનામત એક્ટ બનાવો: બંધારણની કલમ 16(4) સરકારી સેવાઓમાં અનામત આપે છે, પરંતુ હાલના યુગમાં સરકારી નોકરીઓ ઘટતા ખાનગી ક્ષેત્રમાં SC, ST અને OBC ને પ્રતિનિધિત્વ આપવા કાયદો બનાવવાની માંગ. 2024 માં લોકસભામાં પણ પ્રાઇવેટ સેક્ટરમાં અનામત અંગે ખાનગી સભ્ય બિલ રજૂ થઈ ચૂક્યું છે.

3. ખાસ અંગભૂત યોજના એક્ટ બનાવો: SC માટે Scheduled Caste Sub-Plan અને ST માટે DAPST જેવી ફાળવેલી બજેટ ગ્રાન્ટનો પૈસો અન્યત્ર ન વળી જાય તે માટે કડક કાયદાકીય ગેરંટી અને જવાબદારી નક્કી કરવાની માંગ.
આ પણ વાંચોઃ સંકલ્પ ભૂમિ વડોદરાને ફાળવાયેલી કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ?
4. સહકારી ક્ષેત્રમાં અનામત એક્ટ બનાવો: સહકારી મંડળીઓ, બેંકો અને સંસ્થાઓમાં બહુજનોને ભાગીદારી આપવા એકસમાન કાયદો બનાવવાની માંગ. મધ્ય પ્રદેશ જેવા રાજ્યોના સહકારી કાયદામાં SC, ST અને OBC પ્રતિનિધિત્વની જોગવાઈ પહેલેથી છે.
5. કોલેજીયમ નાબુદ કરો: ઉચ્ચ ન્યાયતંત્રમાં કોઈ પરીક્ષા વગર ફક્ત ભલામણથી જજો બનવાની પ્રથા બંધ થાય. હાલ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં 85% થી વધુ જજો સવર્ણ સમાજના છે અને SC, ST, OBC નું પ્રતિનિધિત્વ નહિવત છે.
બાબાસાહેબના સિદ્ધાંતોની બલિ ચડાવતા ચમચાઓ!
ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના પુસ્તક ‘વ્હૉટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધ અનટચેબલ્સ’ માં માનસિક ગુલામી વિશે ચેતવણી આપી હતી. ONGC ના આ દલિત અધિકારીઓ અને સુખદેવ વાઘેલા જેવા ટ્રસ્ટીઓએ સાબિત કરી દીધું છે કે હોદ્દા કે પ્રમોશન મેળવ્યા પછી પણ તેમની માનસિકતામાંથી ગુલામી ગઈ નથી. સવર્ણ અફસરોની ગુલામી કરવા માટે બાબાસાહેબના વિચારોના બેનર ઉતારી પાડનારા આ કાયરોએ યાદ રાખવું જોઈએ કે આજે તેઓ જે કુરશી પર બેઠા છે તે કોઈ સવર્ણ અધિકારીની મહેરબાની નથી, પણ બાબાસાહેબના સંઘર્ષ અને બંધારણની દેન છે. સંકલ્પ ભૂમિને ચમચાગીરીનો અડ્ડો બનાવનારા આવા લોકોને બહુજન સમાજ માફ નહીં કરે.
આ પણ વાંચોઃ સંકલ્પ ભૂમિ વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ અધૂરું કેમ?











