દલિતોના સ્મશાનમાં પાણી ભરાતા મૃતદેહ સાણંદ લઈ જવો પડ્યો!

સાણંદના રેથળમાં સ્મશાનના અભાવે ચોમાસામાં દલિતો માટે અંતિમ સંસ્કાર પણ મુશ્કેલ બન્યા. દયનીય સ્થિતિ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ.
rethal village dalit crematorium issue

ગુજરાતમાં એક તરફ ‘વિકાસ’ અને ‘સુશાસન’ના મોટા મોટા દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ આજે પણ દલિતો પોતાના જ સ્મશાનમાં સન્માનપૂર્વક અંતિમક્રિયા કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સાણંદ તાલુકાના રેથલ ગામે વસવાટ કરતા દલિત સમાજના સ્મશાનની દયનીય સ્થિતિ સામે આવતાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામમાં પાયાની સુવિધાઓ ન હોવાના કારણે સ્વજનના મૃત્યુ સમયે મૃતદેહને છેક સાણંદ સુધી લઈ જવાની નોબત આવી છે.

સ્થળ તપાસમાં સામે આવી વરવી વાસ્તવિકતા

‘દલિત અધિકાર મંચ’ના સંયોજક અને વિરમગામના રહેવાસી કિરીટભાઈ રાઠોડ તથા રેથળ ગામ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પાસાભાઈ રાઠોડ દ્વારા તાજેતરમાં સ્મશાન વિસ્તારની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્મશાનની અત્યંત દયાજનક સ્થિતિ સામે આવી હતી. દલિતો માટેનું સ્મશાન હાલ ચોમાસાના વરસાદી પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયું છે.

આ પણ વાંચો: શિક્ષણ સંસ્થાઓ ‘વિદ્યાર્થી’ નહીં, ‘અનુયાયી’ તૈયાર કરી રહી છે

સ્મશાનમાં ન તો યોગ્ય છાપરી (શેડ) છે કે ન તો પાકા પ્લેટફોર્મની કોઈ વ્યવસ્થા. આ સિવાય પીવાના પાણી, વીજળી અને કમ્પાઉન્ડ વોલ જેવી પાયાની જરૂરિયાતોનો પણ ભારે અભાવ જોવા મળ્યો છે.

કાદવ-કીચડ અને બાવળો વચ્ચે અંતિમ યાત્રા

સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો પણ અત્યંત ખરાબ છે. રસ્તા પર કાદવ-કીચડ, ઝાડી-ઝાંખરા અને બાવળો ઉગી નીકળ્યા હોવાથી મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો અત્યંત મુશ્કેલ અને જોખમી બની જાય છે. ગામમાં જ અંતિમ ક્રિયાની યોગ્ય વ્યવસ્થા અને સન્માનજનક જગ્યા ન હોવાને કારણે પરિવારોએ ભારે આક્રોશ અને દુઃખ સાથે પોતાના સ્વજનોના મૃતદેહને સાણંદ સુધી લઈ જઈને અંતિમ સંસ્કાર કરવા પડે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરાઈ

આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે દલિત અધિકાર મંચ અને સામાજિક ન્યાય સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં બંધારણની કલમ 21 નો ઉલ્લેખ કરીને સ્પષ્ટ જણાવાયું છે કે, દરેક નાગરિકને મરણોપરાંત પણ સન્માનજનક રીતે અંતિમ સંસ્કાર મેળવવાનો મૂળભૂત અને બંધારણીય અધિકાર છે.

આ પણ વાંચો: બંગાળની શુભેન્દુ સરકારે OBC અનામત 17 ટકાથી ઘટાડીને 7 ટકા કરી!

ગ્રામજનો અને સંગઠનોએ મુખ્યમંત્રી સમક્ષ સ્પષ્ટ માગ કરી છે કે રેથળ ખાતે દલિતો માટે સ્મશાનની જમીન સરકારી રેકર્ડ પર વિધિવત ”નીમ” કરવામાં આવે અને સ્મશાન તરફ જતો કાદવ-કીચડ મુક્ત પાકો રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે. આ ઉપરાંત, સ્મશાનમાં યોગ્ય શેડ અને પાકા પ્લેટફોર્મનું નિર્માણ કરવાની સાથે પાણી અને વીજળીની પાયાની સુવિધાઓ ત્વરિત પૂરી પાડવામાં આવે તથા સુરક્ષા માટે ફરતે પાકી કમ્પાઉન્ડ વોલ બનાવવાની પણ માંગણી મૂકવામાં આવી છે.

હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રીને કરાયેલી આ રજૂઆત બાદ તંત્ર જાગે છે કે પછી રેથળ ગામના દલિત સમાજને પોતાના હક્ક અને સન્માનજનક અંતિમ સંસ્કાર માટે હજુ વધુ લડત આપવી પડશે.

આ પણ વાંચો: ભાજપ ધારાસભ્યે તેની જ પાર્ટીના દલિત નેતાને ઢોર માર માર્યો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x