વડોદરા શહેરના વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયા પર દલિત સમાજમાંથી આવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (AAE) રોહિત પ્રકાશ રણછોડભાઈને માર મારવાનો આક્ષેપ થયો છે. ડ્રેનેજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવીને કોર્પોરેટર અને તેમની સાથે આવેલા લોકોએ અધિકારી સાથે ગાળાગાળી અને મારામારી કરી હોવાની ફરિયાદ છે.
ઘટના બાદ અધિકારી અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બાપોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા આગળ વધે તે પહેલાં જ મામલો મેયર ગીતાબેન મકવાણાની કેબિન સુધી પહોંચ્યો હતો. મેયરની અધ્યક્ષતામાં આશરે દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી. બેઠક બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે પોલીસ ફરિયાદ નહીં થાય તેમ પણ જણાવાયું હતું. પરંતુ આ જાહેરાતના 3 કલાક બાદ જ સ્વમાની દલિત અધિકારી ફરી પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચતાં સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે.

મામલો શું હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં રામદેવનગર ત્રણ રસ્તા અને ખોડિયાર નગર નજીક વરસાદી ગટર તથા કાંસના મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક સ્લેબ તૂટી જતાં તેનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું. કામગીરીના ભાગરૂપે મજૂરોએ ગટરની જાળી હટાવીને બાજુમાં મૂકી હતી. આ કામગીરીની જાણ થતાં વોર્ડ નંબર 4ના ભાજપના કોર્પોરેટર મયુર ચોવટિયા સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે જાળી કેમ હટાવવામાં આવી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા અને કામગીરીમાં ખોટું કામ તથા ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કરી દાદાગીરી કરી હતી.
5થી 10 લોકોની હાજરીમાં મારામારી કરી!
ભોગ બનનાર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર રોહિત પ્રકાશે જણાવ્યું હતું કે, કામગીરી અંગે નાયબ અધિકારીની સૂચના મળતાં તેઓ સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં કોર્પોરેટર મયુર ચોવટિયા સાથે આશરે 7થી 10 લોકો હાજર હતા. મજૂરોએ જાળી હટાવેલી જોઈને કોર્પોરેટરે વિરોધ કર્યો હતો અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.
રોહિત પ્રકાશના જણાવ્યા મુજબ, તેમણે કામગીરી અધિકારીઓની સૂચના અને નિયમ મુજબ થઈ રહી હોવાનું સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોર્પોરેટર અને તેમની સાથે આવેલા લોકો સમજવા તૈયાર થયા નહોતા. ત્યારબાદ ગાળાગાળી કરીને તેમની સાથે મારામારી કરવામાં આવી હતી.
વડોદરા મનપાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વસંત સિંઘલે પણ અધિકારી સાથે મારપીટ થયાની વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કામગીરી માટે ગયેલા અધિકારી સાથે સ્થાનિક કોર્પોરેટર દ્વારા મારપીટ કરવામાં આવી છે, જે યોગ્ય નથી. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનથી સીધા મેયરની કેબિનમાં પહોંચ્યા
ઘટના બાદ રોહિત પ્રકાશ અન્ય અધિકારીઓ સાથે બાપોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, ત્યારબાદ તમામ અધિકારીઓ મેયર ગીતાબેન મકવાણાને મળવા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. મેયરની કેબિનમાં અધિકારીઓ, પદાધિકારીઓ, દંડક અને કોર્પોરેટર મયુર ચોવટિયા વચ્ચે બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચોઃ કટ્ટા નિકાલો, ઈસકો ગાડી મેં ડાલો’ ભાજપ નેતાએ દલિત યુવકને ફટકાર્યો
આ બેઠક આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. તેમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સમજાવટ કરવામાં આવી હતી. બેઠક બાદ મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, અધિકારીઓ અને કોર્પોરેટરોએ હંમેશા સાથે મળીને કામ કરવાનું હોય છે. આવી ઘટનાઓ ન થવી જોઈએ. આ મામલે બંને પક્ષોને સમજાવવામાં આવ્યા છે અને સમાધાન કરવામાં આવ્યું છે. જો કોઈ અસંતોષ હોય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સૂચના આપવામાં આવી છે.
સમાધાનની જાહેરાતના 3 કલાકમાં જ નવો વળાંક
મેયરની બેઠક બાદ મામલો થાળે પડી ગયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. બંને પક્ષો તરફથી હવે આવી ઘટના નહીં બને તેવી બાંયધરી અપાઈ હોવાનું પણ જણાવાયું હતું. પાણી પુરવઠા વિભાગના વડા ધાર્મિક દવેએ કહ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે સમાધાન માટે ચર્ચા થઈ છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવી બાંયધરી આપવામાં આવી છે. પોલીસ ફરિયાદ કરવી કે નહીં તે અલગ મુદ્દો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જોકે, સમાધાનની જાહેરાતના આશરે 3 કલાક બાદ જ સ્થિતિ બદલાઈ ગઈ હતી. ભોગ બનનાર અધિકારી રોહિત પ્રકાશ પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે ફરી બાપોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાથી મેયરની અધ્યક્ષતામાં થયેલી સમાધાન બેઠક અને તેની જાહેરાત સામે પણ સવાલો ઊભા થયા છે.
‘સમાધાન બેઠકમાં મેં કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો’
અધિકારી રોહિત પ્રકાશે જણાવ્યું હતું કે, સમાધાન બેઠક દરમિયાન તેમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો. જોકે, બાદમાં તેમણે ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવી હતી. ત્યારે તેમને જે ઇચ્છા હોય તે કરી શકે છે તેવું કહેવામાં આવ્યું હોવાનો તેમનો દાવો છે. બેઠક બાદ પણ કોર્પોરેટર દ્વારા નવો વીડિયો મૂકવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આમ, એક તરફ મેયરની હાજરીમાં સમાધાન થઈ ગયાની જાહેરાત કરવામાં આવી હતી, તો બીજી તરફ ભોગ બનનાર અધિકારી મોડી રાત સુધી પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પ્રયાસ કરતા રહ્યા હતા.
આ પણ વાંચોઃ નશામાં ધૂત ભાજપ નેતાએ ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરી નાખી!











