સુરતના પાલ વિસ્તારમાં એક દલિત સગીર યુવક પર થયેલા હિંસક હુમલાએ ફરી એકવાર સમાજમાં રહેલા જાતિગત પૂર્વગ્રહો અને ન્યાય વ્યવસ્થામાં સમાનતાના પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. એક સગીરાને ઘરે મૂકવા ગયેલા દલિત કિશોરને સગીરાના પરિવારજનોએ વાતચીતના બહાને બોલાવી લાકડીઓ, લાતો અને મુક્કા વડે માર મારી જાતિસૂચક અપશબ્દો કહી અપમાનિત કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે યુવતીના પિતા, સગીર ભાઈ સહિત 4 વ્યક્તિઓ સામે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે દલિત કિશોરના પરિવારને ન્યાય અપાવવાની પ્રક્રિયામાં સાથ આપવાને બદલે સુરત જિલ્લા બાર એસોસિએશને આરોપીઓનો કેસ કોઈ વકીલ નહીં લડે તેવો ઠરાવ કર્યો હોવાના અહેવાલ છે. કાયદાના રખેવાળ ગણાતા વકીલોના આ નિર્ણયે ન્યાયના મૂળભૂત સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યો અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
મિત્રતાની અદાવતમાં દલિત સગીરને નિશાન બનાવ્યો?
મળતી વિગતો મુજબ, સુરતના ભટાર વિસ્તારમાં રહેતી એક સગીરા સોમવારે મોડી રાત્રે પોતાના દલિત મિત્રને ફોન કરીને ઘરે મૂકી જવા વિનંતી કરી હતી. તેની વિનંતીને પગલે સગીર તેને ઘરે મૂકવા ગયો હતો. યુવતીને તેના ઘરે ઉતારતી વખતે યુવતીના સગીર ભાઈએ બંનેને સાથે જોઈ લીધા હતા. ત્યારબાદ આ બાબતને લઈને યુવતીના પરિવારમાં વિવાદ શરૂ થયો હતો.

યુવતીના પરિવારજનોએ સગીર યુવકને વાતચીત કરવા માટે પાલ વિસ્તારમાં આવેલા ફેન્ટેશિયા-2 કોમ્પ્લેક્સ ખાતે બોલાવ્યો હતો. યુવકને અગાઉથી કોઈ અનિચ્છનીય બનાવ બનવાની આશંકા હોવાથી તે પોતાની મોટી બહેનને સાથે લઈને ત્યાં પહોંચ્યો હતો.
જોકે, વાતચીત કરવાને બદલે યુવતીના પિતા, તેનો સગીર ભાઈ અને અન્ય બે સંબંધીઓએ યુવક પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ લાકડીઓ, લાતો અને મુક્કા વડે યુવકને માર માર્યો હતો. આ દરમિયાન યુવકને જાતિસૂચક અપશબ્દો કહી તેનું અપમાન કરવામાં આવ્યું હોવાની પણ ફરિયાદમાં વિગતો છે.
હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો
હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા દલિત કિશોરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પીડિત સગીર અને તેની બહેનની ફરિયાદના આધારે પાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે યુવતીના પિતા, સગીર ભાઈ સહિત કુલ 4 વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યાના પ્રયાસ સહિતની જોગવાઈઓ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં એક આરોપી સગીર હોવાથી તેની સામે જુવેનાઈલ જસ્ટિસ કાયદા મુજબ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
હાલ પોલીસ દ્વારા ઘટનાસ્થળના CCTV ફૂટેજ, સાક્ષીઓનાં નિવેદનો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં હુમલાનું ચોક્કસ કારણ, જાતિસૂચક અપમાનના આક્ષેપો અને હુમલામાં સામેલ દરેક વ્યક્તિની ભૂમિકા સ્પષ્ટ થવી જરૂરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં દલિત બાળકને જૈન શખ્સે એટલો માર્યો કે પેશાબ કરી ગયો!
વકીલોએ જાતિવાદ ચલાવ્યોઃ સગીરનો કેસ ન લડવા ફતવો!
આ કેસમાં વધુ એક વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે પીડિત સગીરના પિતા સુરત જિલ્લા કોર્ટમાં વકીલાત કરતા હોવાનું સામે આવ્યું. અહેવાલો મુજબ, સુરત જિલ્લા બાર એસોસિએશને ઠરાવ પસાર કરીને આ કેસના આરોપીઓનું કોઈ વકીલ પ્રતિનિધિત્વ નહીં કરે તેવો નિર્ણય લીધો છે.
અહીં કાયદાના જાણકારો અને બંધારણમાં વિશ્વાસ ધરાવતા નાગરિકોએ વિચારવાની જરૂર છે કે કોઈ વ્યક્તિ સામે ગંભીર ગુનાનો આરોપ હોય ત્યારે તેને કાયદાકીય બચાવ મેળવવાનો અધિકાર નકારી શકાય ખરો? ભારતીય બંધારણની કલમ 14 કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપે છે, જ્યારે કલમ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ સાથે ન્યાયસંગત પ્રક્રિયાનો આધાર પૂરો પાડે છે.
કોઈપણ વ્યક્તિ આરોપી હોય કે પીડિત, તેની સાથે કાયદાની પ્રક્રિયામાં ભેદભાવ ન થવો જોઈએ. આરોપી સામે ગુનો નોંધાયો હોય તો પણ તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઈએ. એ જ રીતે પીડિતને પણ ન્યાય મેળવવા માટે કાયદાકીય સહાય અને રક્ષણ મળવું જોઈએ.
જો બાર એસોસિએશનનો નિર્ણય તમામ વકીલોને સામૂહિક રીતે આરોપીઓનો કેસ નહીં લડવા માટે બાધ્ય બનાવવાના હેતુથી લેવાયો હોય, તો તે વ્યવસાયિક સ્વતંત્રતા અને આરોપીના કાયદાકીય બચાવના અધિકાર અંગે ગંભીર ચર્ચા ઊભી કરે છે. વકીલોનું કામ વ્યક્તિગત રોષ કે સામાજિક દબાણના આધારે ન્યાયની પ્રક્રિયા નક્કી કરવાનું નહીં, પરંતુ કાયદાની મર્યાદામાં રહીને પક્ષકારોને રજૂઆત કરવાની તક આપવાનું છે.
આ પણ વાંચોઃ સુરતની યુટ્યુબર ક્રિષ્ના રાખોલિયાનો બફાટઃ ‘સફાઈ ફ્રીમાં નથી કરતા‘











