કર્ણાટકમાં એક જ પરિવારના 7 સભ્યોની સામૂહિક હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બેંગલુરુના રાજાજીનગરમાં રહેતા 52 વર્ષીય કેબ ડ્રાઈવર ઇન્દુશેખર પર પોતાની પત્ની, સાસુ, બે સાળા, બંને સાળાની પત્નીઓ અને 7 વર્ષના ભાણિયાની હત્યા કરવાનો ગંભીર આરોપ છે. તેણે પરિવારના તમામ સભ્યોની હત્યા કર્યા બાદ પોલીસથી બચવા માટે મૃતદેહોને અલગ-અલગ સ્થળોએ ફેંકી દીધા હતા. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં 7 વર્ષના બાળક પુનીતનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય 6 લોકોના મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પારિવારિક વિવાદ અને પત્નીના પિયરના લોકો સાથેના સંબંધો અંગેની નારાજગી કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

કોણ છે મૃતકો?
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં આરોપી ઇન્દુશેખરના પરિવાર સાથે સંબંધ ધરાવતા નીચેના 7 લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે.
– સુનીતા – આરોપીની પત્ની
– રૂપાવતી – આરોપીની સાસુ
– શિવકુમાર – સુનીતાનો ભાઈ
– શંકર – સુનીતાનો બીજો ભાઈ
– દિવ્યા – શિવકુમારની પત્ની
– નલિની – શંકરની પત્ની
– પુનીત – શિવકુમારનો 7 વર્ષનો પુત્ર
પોલીસે અત્યાર સુધીમાં માત્ર 7 વર્ષના પુનીતનો મૃતદેહ શોધી કાઢ્યો છે. બાકીના 6 લોકો ક્યાં છે અને તેમના મૃતદેહો કયા સ્થળે ફેંકવામાં આવ્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે.
2 દિવસમાં પરિવારના સભ્યોને ઘરે બોલાવ્યા?
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઇન્દુશેખરે 2 દિવસ દરમિયાન સુનીતાના પરિવારના સભ્યોને એક પછી એક પોતાના ઘરે બોલાવ્યા હતા. આરોપ છે કે તેણે તમામ લોકોની હત્યા કરવા માટે પથ્થર ભાંગવાના સિલબટ્ટાનો ઉપયોગ કર્યો હતો.

આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે નલિનીની માતાએ બેંગલુરુના શ્રીરામપુરા પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. નલિનીનો સંપર્ક ન થતાં અને તેના વિશે કોઈ માહિતી ન મળતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઇન્દુશેખર પર શંકા ગઈ હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન કથિત રીતે હત્યાઓમાં તેની સંડોવણી સામે આવી હતી. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.
પત્નીના પિયરના લોકો સાથેના સંબંધોથી નારાજ હતો?
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ પારિવારિક વિવાદ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇન્દુશેખર અને સુનીતાનાં લગ્ન લગભગ 20 વર્ષ પહેલાં થયાં હતાં. બંને બેંગલુરુના રાજાજીનગર વિસ્તારમાં એક ઓરડાના મકાનમાં રહેતાં હતાં.
પોલીસને શંકા છે કે સુનીતા પોતાના પિયરના પરિવારજનો સાથે સંપર્કમાં રહેતી અને તેમને મળતી તે વાત ઇન્દુશેખરને પસંદ નહોતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
પરિવારના અન્ય સભ્યોએ પણ બંને વચ્ચેના વિવાદને ઉકેલવા માટે અનેક વખત પ્રયાસ કર્યા હતા. જોકે, આ વિવાદનો અંત આવ્યો નહોતો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ જ પારિવારિક અણબનાવને કારણે આરોપીએ આટલું મોટું હિંસક પગલું ભર્યું હતું કે તેની પાછળ અન્ય કોઈ કારણ પણ જવાબદાર હતું.
નંદી હિલ્સની પહાડીઓમાં મૃતદેહોની શોધખોળ
આરોપીની પૂછપરછ બાદ પોલીસ તેને નંદી હિલ્સની પહાડીઓ પાસે લઈ ગઈ હતી. ત્યાં પોલીસની ટીમે અનેક કલાકો સુધી શોધખોળ કરી હતી. ગુરુવાર, 5 નવેમ્બરના રોજ 7 વર્ષના પુનીતનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસને આશંકા છે કે બાકીના મૃતદેહો પણ નંદી હિલ્સના વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ ફેંકવામાં આવ્યા હોઈ શકે છે. આ ઉપરાંત ચામરાજપેટ હિલ્સની આસપાસના વિસ્તારમાં પણ મૃતદેહો ફેંકવામાં આવ્યા હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે. આ વિસ્તાર પહાડીઓ અને જંગલોથી ઘેરાયેલો હોવાથી મૃતદેહો શોધવામાં મુશ્કેલી પડી રહી છે. પોલીસે એ પણ તપાસ શરૂ કરી છે કે આરોપીએ મૃતદેહોને નંદી હિલ્સ સુધી કેવી રીતે પહોંચાડ્યા અને કયા સ્થળોએ ફેંક્યા હતા.
તપાસ માટે પોલીસ ટીમની રચના કરાઈ
આ ગંભીર કેસની તપાસ માટે 3 આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમનો મુખ્ય ઉદ્દેશ બાકીના 6 મૃતદેહો શોધવાનો, હત્યાની સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવાનો અને આરોપી વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાનો છે. નોર્થ ડિવિઝનના ડેપ્યુટી કમિશનર બાબાસાબ નેમગૌડાએ જણાવ્યું છે કે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા











