કલોલ ખાતે સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ મંડળ દ્વારા સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ સામે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 07 નવેમ્બર, 2026ના રોજ સાંજે 7 વાગ્યે ગોલ્ડન સ્કૂલના મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા જાદુગરોએ વિવિધ પ્રયોગો દ્વારા લોકોને સમજાવ્યું હતું કે જેને સામાન્ય રીતે ચમત્કાર માનવામાં આવે છે, તેની પાછળ કોઈ દૈવી શક્તિ નહીં, પરંતુ હાથની ચાલાકી અને વિજ્ઞાન હોઈ શકે છે. કાર્યક્રમના અંતે મોરારલનગર સ્મશાનમાં મહિલાઓએ ભજિયા પાર્ટીની મોજ માણી અંધશ્રદ્ધા અને ડરને ભગાડ્યો હતો.
મહાપુરુષોને પુષ્પાંજલિ સાથે કાર્યક્રમની શરૂઆત
કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિબા ફૂલે અને ક્રાંતિકારી શિક્ષણવિદ્ માતા સાવિત્રીબાઈ ફૂલેની તસવીરોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એડવોકેટ પિયુષ જાદુગર, લંકેશ ચક્રવર્તી, કાળીદાસ અને કિરણભાઈ જાસપુરવાળાએ મહાપુરુષોને પુષ્પ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમનું સંચાલન વિપુલભાઈ રોહિત અને શક્તિભાઈએ કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પારુલબેને પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી આ વિચારધારા સાથે જોડાયેલાં છે અને પોતે કઈ રીતે અંધશ્રદ્ધામાંથી બહાર આવ્યાં તેનો અનુભવ પણ રજૂ કર્યો હતો. સાથે જ તેમણે ઉપસ્થિત લોકોને પણ અંધશ્રદ્ધા છોડીને તર્ક અને વૈજ્ઞાનિક વિચારધારા અપનાવવા અપીલ કરી હતી.
ત્યારબાદ હિતેષભાઈએ સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ મંડળની કામગીરી અને અત્યાર સુધીમાં યોજાયેલા 8 કાર્યક્રમોની માહિતી આપી હતી. મંડળ કઈ રીતે સમાજમાં જાગૃતિ અને વિચારધારાનું કામ કરી રહ્યું છે તેની સમજણ આપી હતી. આ કામગીરીમાં હિતેષભાઈ, ધર્મેશભાઈ અને મનીષભાઈ સહિતના યુવાનોના યોગદાનની પણ વાત કરવામાં આવી હતી.
ઉકળતા તેલથી લઈને આગ પર ચા બનાવવાના પ્રયોગો
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એડવોકેટ પિયુષ જાદુગરના પ્રયોગો હતા. તેમણે વિવિધ પ્રયોગો રજૂ કરીને સામાન્ય લોકો જેને ચમત્કાર સમજી બેસે છે તેની પાછળની યુક્તિઓ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં ઉકળતા તેલમાં હાથ નાખવો, શ્રીફળમાંથી ચૂંદડી કાઢવી, માથા પર આગ સળગાવી ચા બનાવવી, સૌની નજર સામે પાણીથી ભરેલો ગ્લાસ ખાલી થઈ જવો, છૂટા મણકામાંથી માળા બનાવી દેવી અને એક રૂપિયાની નોટમાંથી અનેક નોટો બનાવવી જેવા પ્રયોગો બતાવી તેની પાછળની પોલ ખોલી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં દોરા-ધાગા કરી ધતિંગ કરતા ભૂઈમાનો પર્દાફાશ

આ પ્રયોગો દ્વારા ભુવા-ભોપાળા અને અંધશ્રદ્ધાના નામે લોકોને છેતરવાની રીતો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આયોજકોનો સંદેશ હતો કે ચમત્કાર જેવા લાગતા પ્રયોગો પાછળ હાથની સફાઈ અને વિજ્ઞાન હોય છે, તેથી કોઈ પણ બાબતને આંખ બંધ કરીને સ્વીકારવાને બદલે તેની પાછળનું કારણ સમજવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન મંડળના સભ્યોએ સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ મંડળના લોગોવાળી તસવીર મહેમાનોને ભેટરૂપે આપી હતી. કાર્યક્રમ નિહાળવા આવેલા તમામ લોકો માટે અનિલભાઈ તરફથી આઈસ્ક્રીમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
સ્મશાનમાં ભજીયાની મહેફિલે આપ્યો જાગૃતિનો સંદેશ
કાર્યક્રમનો સૌથી વિશેષ અને ચર્ચાસ્પદ ભાગ મોરારલનગર સ્મશાનમાં યોજાયેલી ભજીયાની મહેફિલ રહ્યો હતો. અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો પૂર્ણ થયા બાદ ઉપસ્થિત લોકો સ્મશાનમાં એકત્ર થયા હતા અને ત્યાં જ ભજીયાનો કાર્યક્રમ યોજાયો હતો. ખાસ વાત એ હતી કે આ કાર્યક્રમમાં મહિલાઓની સંખ્યા પણ વધુ હતી. મહિલાઓ સહિત લોકોએ કોઈ ડર રાખ્યા વિના હસતા-રમતા ભજીયાની મોજ માણી હતી. જે સ્થળના નામથી સામાન્ય રીતે લોકોમાં ડર અને અંધશ્રદ્ધા જોવા મળે છે, એ જ સ્મશાનમાં લોકો ભેગા થઈને આનંદથી ભજીયા ખાતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ બીજાનું ભવિષ્ય ભાખનારા જ્યોતિષીઓ ખુદ દુબઈમાં ફસાઈ ગયા!











