ભૂત જેવું કશું હોતું નથી, તેમ છતાં લોકો મનમાં પેસી ગયેલા તેના ડરને કારણે સામાન્ય બાબતને પણ ભૂત-પ્રેત સાથે જોડી દેતા હોય છે. આવું જ કંઈક એક ગર્લ્સ હોસ્ટેલમાં બની રહ્યું છે. ભૂત-પ્રેતના ડરને કારણે વિદ્યાર્થિનીઓમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે દરવાજા ખખડાવવાના અવાજો સંભળાતા હોવા અને વિચિત્ર ઘટનાઓ બનતી હોવાના દાવા વચ્ચે આશરે 35 વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ છોડી દીધી છે. કેટલીક વિદ્યાર્થિનીઓની તબિયત બગડતી હોવાની અને અસામાન્ય વર્તન કરતી હોવાની ફરિયાદો પણ સામે આવી છે.
આ ઘટનાને પગલે હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા અને તેમને યોગ્ય માનસિક સહાય પૂરી પાડવાના મુદ્દે સવાલો ઊભા થયા છે.

આ સમગ્ર મામલો બાલાઘાટ જિલ્લાના આમગાંવમાં આવેલી સાંદીપની સ્કૂલના પરિસરમાં આવેલા કન્યા છાત્રાલયનો છે. અહીં રહેતી વિદ્યાર્થિનીઓ વચ્ચે અચાનક ભૂત-પ્રેતનો ડર ફેલાયો હતો. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર, રાત્રિ દરમિયાન હોસ્ટેલના દરવાજા કોઈ ખખડાવતું હોય તેવા અવાજો સંભળાય છે. આ ઉપરાંત કેટલીક અજીબોગરીબ ઘટનાઓ બનતી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
રાત્રે ડરના કારણે વિદ્યાર્થિનીઓ ઘરે ભાગી ગઈ
વિદ્યાર્થિનીઓમાં ડરનું વાતાવરણ એટલું વધી ગયું કે તેઓ હોસ્ટેલમાં રહેવા તૈયાર ન થઈ. કેટલીક વિદ્યાર્થિનીઓ પોતાનાં માતા-પિતા સાથે ઘરે જતી રહી, જ્યારે કેટલીક પરિચિતો સાથે હોસ્ટેલ છોડીને ચાલી ગઈ હતી. અત્યાર સુધીમાં આશરે 35 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ છોડી ચૂકી હોવાનો અહેવાલ છે.
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમામાં જતા પહેલાં ચેતી જજો!
વિદ્યાર્થિનીઓનો દાવો છે કે તેમણે આ સમસ્યા અંગે સ્કૂલના પ્રિન્સિપાલ અને હોસ્ટેલની વોર્ડનને પણ જાણ કરી હતી. તેમ છતાં રાત્રિના સમયે થતી ઘટનાઓ અને ડરના વાતાવરણને લઈને તેમની ચિંતા યથાવત્ રહી હતી. કેટલીક વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક બગડતી હોવાની ફરિયાદે પણ ચિંતા વધારી છે.

હોસ્ટેલમાં બાબાને બોલાવી તાંત્રિક વિધિ કરાવ્યાની ચર્ચા
આ મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ હોસ્ટેલમાં કોઈ તાંત્રિક બાબાને બોલાવવામાં આવ્યા હોવાની ચર્ચા સામે આવી છે. અહેવાલ મુજબ, બાબા દ્વારા લીંબુ કાપીને તંત્ર-મંત્રની પ્રક્રિયા કરવામાં આવી હોવાની વાત પણ બહાર આવી છે.
આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. વિદ્યાર્થિનીઓની ફરિયાદને ગંભીરતાથી લઈને તેમની તબીબી તપાસ અને કાઉન્સેલિંગ કરાવવાને બદલે અંધશ્રદ્ધા આધારિત વિધિનો સહારો લેવામાં આવ્યો હતો કે કેમ, તે તપાસનો વિષય છે. જોકે, આ વિધિ ખરેખર કોના કહેવાથી અને કયા હેતુથી કરવામાં આવી હતી તેની સત્તાવાર વિગતો સામે આવી નથી.
આ પણ વાંચો: ‘મારો મહિષાસૂર ક્યાં છે?’ પૂછીને આદિવાસીઓએ દુઃખ વ્યક્ત કર્યું
પ્રિન્સિપાલે ભૂત-પ્રેતની વાત નકારી
બીજી તરફ, સાંદીપની સ્કૂલના પ્રિન્સિપાલ ડી.એસ. વાડીવે હોસ્ટેલમાં ભૂત-પ્રેત હોવાની વાતને નકારી છે. તેમના જણાવ્યા અનુસાર, એક વિદ્યાર્થિનીની તબિયત બગડતાં તેના પરિવારજનોની હાજરીમાં તેની સારવાર કરાવવામાં આવી હતી. કેટલીક વિદ્યાર્થિનીઓને તેમના પરિવારજનો પોતાની સાથે ઘરે લઈ ગયા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
પ્રિન્સિપાલે આશરે 25 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ છોડીને ગઈ હોવાની માહિતી આપી છે. જોકે, વિદ્યાર્થિનીઓ દ્વારા જણાવવામાં આવેલી સંખ્યા આશરે 35 છે. આમ, હોસ્ટેલ છોડનારી વિદ્યાર્થિનીઓની સંખ્યા અંગે પણ અલગ-અલગ દાવા સામે આવ્યા છે.
આ પણ વાંચો: CJI ચંદ્રચૂડ મોદી સરકાર સામે ‘નરમ’ કેમ હતા? કોનું દબાણ હતું?
તપાસ અને કાઉન્સેલિંગની જરૂરિયાત
હવે આ મામલે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પંચાયતની ભૂમિકા મહત્વની બની છે. વિદ્યાર્થિનીઓને રાત્રે કયા પ્રકારનો અનુભવ થયો હતો, તેમની તબિયત કેમ બગડી રહી હતી અને હોસ્ટેલમાં ખરેખર શું પરિસ્થિતિ હતી તેની નિષ્પક્ષ તપાસ જરૂરી છે.
વિદ્યાર્થિનીઓની તબીબી તપાસ કરાવવી, જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવી અને હોસ્ટેલમાં સુરક્ષિત વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. માત્ર ભૂત-પ્રેતની ચર્ચાઓથી સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. વિદ્યાર્થિનીઓના ડર પાછળનાં વાસ્તવિક કારણો શોધીને તેમને વિશ્વાસમાં લેવાની જરૂર છે, જેથી તેઓ ભયમુક્ત વાતાવરણમાં ફરી અભ્યાસ કરી શકે.
હાલ વિદ્યાર્થિનીઓના દાવા અને પ્રિન્સિપાલના નિવેદન વચ્ચે અનેક સવાલો ઊભા થયા છે. હવે જિલ્લા તંત્ર આ મામલે કેવાં પગલાં લે છે અને હોસ્ટેલ છોડીને ગયેલી વિદ્યાર્થિનીઓને ફરી પરત લાવવા માટે શું વ્યવસ્થા કરે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: બિરસા મુંડા કોણ હતા, શા માટે તેમને ‘ભગવાન’ કહેવામાં આવે છે?











