આંબેડકરવાદીઓ અવારનવાર એવો દાવો કરતા આવ્યા છે કે તેઓ અહીંના મૂળનિવાસી છે. તેઓ માનતા આવ્યા છે કે તેઓ અહીંના શાસક હતા અને હવે ફરી તેમણે શાસક બનવું છે. તેઓ માને છે કે તેમની દરેક સમસ્યાનું સમાધાન શાસક બનવાથી જ થશે. તેઓ એ પણ માને છે કે અસ્પૃશ્યતા, ભેદભાવ, ઊંચ-નીચ, અસમાનતા, મનુવાદી સંસ્કૃતિ, ગરીબી અને અશિક્ષણ તેમની સમસ્યાઓ રહી છે. અને તેમને લાગે છે કે આ સમસ્યા શાસક બનવા પર જ ખતમ થશે. એટલા માટે જ દરેક આંબેડકરવાદી શાસક બનવા માંગે છે. પરંતુ તેમના માટે આ સમસ્યાઓનું કોઈ મહત્વ નથી. બધા માત્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડવા માંગે છે.
મૂળ વાત એ છે કે આજના સમયમાં એવું કોઈ સંગઠન નથી જે તમામ આંબેડકરવાદીઓને એકજૂથ રાખી શકે. જો કે જોવામાં આવે તો આંબેડકરવાદી રાજકારણમાં સંગઠનોનો એક દોર રહ્યો હતો. જેમ કે, 30 સપ્ટેમ્બર, 1956ના રોજ ડૉ. આંબેડકરે શેડ્યુલ કાસ્ટ ફેડરેશનને ભંગ કરીને નવી રાજકીય પાર્ટી ‘રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા’ (RPI) ની જાહેરાત કરી હતી, જેની નોંધણી તેમના મરણોપરાંત કરાવવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ એ સાબિત થયું કે પોતાને આંબેડકરવાદી કહેનારા અને સમગ્ર દેશને બૌદ્ધમય બનાવવાની વાત કરનારાઓ અંદરોઅંદર જ હળીમળીને નથી રહેતા.

પચાસથી વધુ ટુકડાઓમાં વહેંચાયેલી RPI
RPI ના નેતાઓએ જ તેને 50 થી વધુ ટુકડાઓમાં વહેંચી દીધી કે હવે તે લગભગ નહિવત બની ચૂકી છે. આમાંનું એક છે RPI (આઠવલે જૂથ), જેનું નેતૃત્વ રામદાસ આઠવલે કરે છે અને હાલમાં તેઓ ભાજપ પ્રેરિત કેન્દ્ર સરકારમાં મંત્રી છે. બીજું એક જૂથ ભારિપા બહુજન મહાસંઘ છે. આનું નેતૃત્વ પ્રકાશ આંબેડકર કરે છે. આ જૂથ વંચિત બહુજન અઘાડીના રૂપમાં ચૂંટણી લડે છે. જ્યારે ત્રીજું સંગઠન RPI (ગવઈ જૂથ) છે. આ જૂથનું નેતૃત્વ રાજેન્દ્ર ગવઈ કરે છે. તો વળી, RPI (યુનાઈટેડ) 2009માં ઘણા જૂથોના એકીકરણથી બન્યું. આનું નેતૃત્વ જોગેન્દ્ર કવાડે કરે છે. આવી જ રીતે એક પીપલ્સ રિપબ્લિકન પાર્ટી છે. આ પાર્ટી આંબેડકરવાદી વિચારધારા પર ચાલવાનો દાવો કરે છે. RPI ઉપરાંત અન્ય સક્રિય જૂથોમાં RPI (કાંબલે), રાષ્ટ્રીય રિપબ્લિકન પાર્ટી, RPI (S), RPI (આંબેડકર), ભારતીય રિપબ્લિકન પક્ષ વગેરે સામેલ છે.
આ પણ વાંચો: બનાસકાંઠા શિહોરીમાં સમાધાનની બેઠકમાં બબાલ, 6 દલિતો લોહીલુહાણ
ભારતીય બૌદ્ધ મહાસભાની સ્થિતિ
આંબેડકરવાદી સંગઠનોમાં ભારતીય બૌદ્ધ મહાસભાનું નામ વિશેષ રૂપે ઉલ્લેખનીય છે. ડૉ. આંબેડકરે 4 મે, 1955ના રોજ આનું ગઠન કર્યું હતું. આ સંગઠનનો હેતુ એ હતો કે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે અને નવબૌદ્ધોને એક સૂત્રમાં બાંધવામાં આવે. પરંતુ આ સંગઠન પણ કેટલાય ટુકડાઓમાં વહેંચાઈ ગયું અને જ્ઞાતિવાદી સંગઠન બનીને રહી ગયું. બૌદ્ધ મહાસભા રાજ્ય એકમ અને જિલ્લા એકમ પછી બૌદ્ધ વિહારના એકમોમાં વહેંચાયેલી છે.
પરંતુ તમે કોઈપણ બૌદ્ધ વિહારના સભ્યોની યાદી તથા તેમના હોદ્દેદારોની યાદી જોશો તો તમને ખબર પડશે કે આ બૌદ્ધ વિહાર નથી પરંતુ કોઈ ખાસ જ્ઞાતિનો મઠ છે, જેમાં બીજી જ્ઞાતિના બૌદ્ધોને પ્રવેશ મળતો નથી. બૌદ્ધ મહાસભાના કેન્દ્રીય સ્તરે પણ કેટલાય જૂથો છે. જેમાંથી મુખ્ય ત્રણ છે:

પહેલું રાજરત્ન આંબેડકર જૂથ: રાજરત્ન આંબેડકર આના ટ્રસ્ટી-ચેરમેન તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આ ડૉ. આંબેડકરના પરિવાર સાથે સીધી રીતે જોડાયેલું છે. આનું મુખ્ય મથક મુંબઈમાં છે. આ જૂથ સૌથી વધુ સક્રિય છે અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંગઠનો સાથે જોડાયેલું છે. તે ધમ્મ દીક્ષા કાર્યક્રમ ચલાવે છે.
આ પણ વાંચો: દલિત પરિવાર મંદિર માટે દાન ન આપતા સવર્ણોએ લોહીલુહાણ કરી નાખ્યો
બીજું ચંદ્રબોધિ પાટિલ જૂથ: ચંદ્રબોધિ પાટિલ આના ટ્રસ્ટી ચેરમેન છે. આનું કેન્દ્ર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં છે.
ત્રીજું ભીમરાવ યશવંત આંબેડકર (મીરાતાઈ જૂથ): આ જૂથ પણ ડૉ. આંબેડકરના પરિવાર સાથે જોડાયેલું છે, જેનું નેતૃત્વ ભીમરાવ યશવંત આંબેડકર કરે છે. મીરાતાઈ યશવંત આંબેડકર મુખ્ય સંરક્ષક છે.
જૂથોમાં વહેંચાઈ ગયું કાંશીરામ અને ડી.કે. ખાપર્ડેનું બામસેફ (BAMCEF)
આવો જ હાલ માન્યવર કાંશીરામ દ્વારા બનાવવામાં આવેલા સંગઠન બામસેફ અને બહુજન સમાજ પાર્ટી (BSP) નો છે. કાંશીરામે આંબેડકર અને ફૂલેની વિચારધારાને અન્ય વંચિત સમાજ માટે સુલભ બનાવવામાં મોટું યોગદાન આપ્યું અને લોકોને મિશન સાથે જોડ્યા. કાંશીરામ અને ડી.કે. ખાપર્ડે દ્વારા 1978માં ગઠિત બામસેફ ખાસ કરીને દલિત, આદિવાસી અને પછાત વર્ગના સરકારી કર્મચારીઓનું સંગઠન હતું. પરંતુ હવે તે ઘણા જૂથોમાં વહેંચાયેલું છે.
1986માં બામસેફમાં મોટું વિભાજન થયું. તેનું કારણ બન્યું કાંશીરામ દ્વારા બસપા (BSP) ના ગઠન બાદ બસપાને વધુ પ્રાધાન્ય આપવું. આનો એક ભાગ બસપા સાથે જોડાયો અને ‘સ્યુડો બામસેફ’ કહેવાયો. બીજો બિન-રાજકીય ભાગ ખાપર્ડેના નેતૃત્વમાં બામસેફના નામે નોંધાયો. વર્તમાનમાં આના કેટલાય જૂથો અને ફાંટાઓ સક્રિય છે. ચોક્કસ સંખ્યા નક્કી નથી, કારણ કે ઘણા બિન-નોંધાયેલા છે. પરંતુ વ્યવહારિક રીતે 5-6 મુખ્ય છે અને એવું માનવામાં આવે છે કે વીસથી વધુ નાના-મોટા જૂથો છે.
મુખ્ય જૂથોમાં વામન મેશ્રામ જૂથ છે. આ રાષ્ટ્રીય મૂળનિવાસી સંઘ અને ભારત મુક્તિ મોરચા વગેરે સહયોગી સંગઠનો સાથે સૌથી વધુ સક્રિય છે. રાષ્ટ્રીય મૂળનિવાસી સંઘનું ગઠન વામન મેશ્રામ જૂથ દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોને એકજૂથ કરવા માટે કરવામાં આવ્યું હતું. જ્યારે ભારત મુક્તિ મોરચા વામન મેશ્રામનું સંગઠન છે જેનો ઉદ્દેશ્ય ધાર્મિક રીતે લઘુમતી સમુદાયો અને દલિત-બહુજનોને એકસાથે એકત્રિત કરવાનો છે. આ સંગઠન ચૂંટણીલક્ષી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે.
આ પણ વાંચો: GPSC કે ‘પટેલ સેવા આયોગ’? હસમુખ પટેલે ફરી SC-OBCના હકો છીનવ્યા?
બીજું છે બી.ડી. બોરકર જૂથ (ડી.કે. ખાપર્ડે મેમોરિયલ ટ્રસ્ટ). આ જૂથ બિન-રાજકીય પરંપરા પર ભાર મૂકે છે. ત્રીજું જૂથ એસ.એસ. ધમ્મી જૂથ છે. બીજા કેટલાક નાના જૂથો છે, જેમાં સુરેશ માને, ઝલ્લી અને કાલે વગેરે સાથે જોડાયેલા છે. આ સિવાય કેટલીક રાજકીય પાર્ટીઓ પણ બની ચૂકી છે. જેમાં પીપીઆઈડી (PPID), બીએમપી (BMP) વગેરે મુખ્ય છે.
શાસક બનવું હોય તો શું કરવું?
જો શાસક બનવું હોય તો સૌથી પહેલું કામ એ કરવું પડશે કે બહુજન જાતિઓમાં એકતા લાવવી પડશે, ઓછામાં ઓછું બહુજન નેતાઓ આપસમાં એકજૂથ થાય. સર્વસંમતિથી કોઈ એક વ્યક્તિને ચૂંટણીમાં ઊભો રાખવામાં આવે અને બધા તેના માટે મહેનત કરે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે બહુજન સમાજની દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલવામાં આવે, નાની-નાની વંચિત જ્ઞાતિઓના લોકોને પ્રતિનિધિત્વ મળે, તેમની સમસ્યાઓ સાંભળવામાં આવે, જેથી કોઈ એક જ્ઞાતિના નેતા કે સંગઠન હોવાનો સિક્કો ન વાગે.
આ પણ વાંચો: ગટર સફાઈ દરમિયાન બાપ-દીકરા સહિત 3નાં મોત, મૃતદેહો રઝળ્યાં
સંગઠન વ્યક્તિ કેન્દ્રિત ન હોવું જોઈએ. તેની નિયમિત ચૂંટણી થવી જોઈએ અને પ્રમુખ બદલાવા જોઈએ, સંગઠન ચલાવવા માટે પ્રબંધક સમિતિ (મેનેજિંગ કમિટી) હોવી જોઈએ. જે એ વાતનું ધ્યાન રાખે કે સંગઠનમાં લોકશાહીનું પાલન થઈ રહ્યું છે કે નહીં. જ્યારે કોઈ બહુજનવાદી સંગઠનમાં પ્રમુખ બદલાતો નથી ત્યારે વિભાજનની સ્થિતિ આવી જાય છે. એટલા માટે જ લોકતાંત્રિક વ્યવસ્થાને સર્વોપરી રાખવામાં આવે. પ્રચારકોની એક આખી શૃંખલા તૈયાર કરવામાં આવે જે લોકોને આંબેડકરવાદી વિચારધારા સાથે જોડે. જનતાના મુદ્દાઓને લઈને સતત સંઘર્ષ કરે. લોકોને એવું ન લાગવું જોઈએ કે તમે માત્ર ચૂંટણીના સમયે જ સક્રિય થાઓ છો અને બાકીના સમયે મોજ કરો છો.
(મૂળ લેખ સંજીવ ખુદશાહે ફોરવર્ડ પ્રેસમાં હિંદીમાં લખ્યો છે. અહીં તેનો અનુવાદ પ્રસ્તુત છે.)
આ પણ વાંચો: વિસનગરના પુદગામે દલિત યુવક પર ઠાકોર મહિલાનો ધારિયાથી હુમલો











