દલિત પરિવાર મંદિર માટે દાન ન આપતા સવર્ણોએ લોહીલુહાણ કરી નાખ્યો

ગરીબ દલિત પરિવાર મંદિર માટે 2 ક્વિન્ટલ ઘઉં દાન આપી શકતા સવર્ણોએ લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો. મહિલાઓ અને બાળકો સહિત પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ.
Dalit youth beaten up

સવર્ણ હિંદુઓએ ધર્મના નામે દલિતો પર અત્યાચાર કર્યાની વધુ એક વરવી ઘટના સામે આવી છે. મામલો મધ્યપ્રદેશનો છે. અહીંના છત્તરપુર જિલ્લાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મહારાજગંજ ગામમાં મંદિરના દાન માટે ઘઉં ઉઘરાવવા નીકળેલા સવર્ણ હિંદુઓએ એક ગરીબ દલિત પરિવારના પાંચ સભ્યોને બેરહેમીથી માર મારીને લોહીલુહાણ કરી દીધા હતા.

દલિત પરિવારનો વાંક માત્ર એટલો જ હતો કે તે ગરીબ છે અને 2 ક્વિન્ટલ ઘઉં દાનમાં આપી શકે તેવી સ્થિતિમાં નથી. પરંતુ આ અસમર્થતા પરિવાર માટે જીવલેણ સાબિત થઈ હતી. ગામમાં બનેલા એક મંદિર માટે દાનની માંગણી પૂરી ન થતા સવર્ણ હિંદુઓએ નિર્દોષ દલિત પરિવારને ઢોર માર માર્યો હતો. જેમાં આ પરિવારના 5 સભ્યો અધમૂઆ થઈ ગયા હતા.

સવર્ણ હિંદુઓની ધર્મના નામે ક્રૂરતા

પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, શ્યામ પટેલ, હરદયાલ પટેલ, કૃપાલ પટેલ, રાજા ભૈયા પટેલ અને શ્રીપત પટેલ નામના શખ્સો તેમના ઘરે પહોંચ્યા હતા. તેમણે મંદિરના ફાળા તરીકે 2 ક્વિન્ટલ ઘઉં આપવાની જીદ પકડી હતી. 55 વર્ષીય પીડિત શ્રમિકે પોતાની નબળી આર્થિક સ્થિતિ અને ઘરની જરૂરિયાત સમજાવતા 1 ક્વિન્ટલ ઘઉં આપવાની ઓફર કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હાલ તેમની હેસિયત આનાથી વધુ આપવાની નથી. આ સાંભળતા જ સવર્ણ ગુંડાઓ ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી.

આ પણ વાંચો: ઉમરગામના મામલતદારે ‘મોટા માથાઓના’ દબાણથી આપઘાત કર્યો?

વિવાદ વધતા આ લુખ્ખા તત્વોએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 55 વર્ષીય વૃદ્ધ, તેમની 53 વર્ષીય પત્ની, પુત્ર અને અન્ય સંબંધીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી

આ હિંસક હુમલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં હુમલાખોરો ખુલ્લેઆમ દલિત પરિવાર પર લાકડીઓ વરસાવતા નજરે પડે છે. ગંભીર હાલતમાં લોહીથી લથબથ પરિવારના સભ્યો કોઈક રીતે સિવિલ લાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ટીઆઈ આશુતોષ શ્રોત્રીએ તાત્કાલિક ઘાયલોને છતરપુર જિલ્લા હોસ્પિટલ સારવાર માટે મોકલી આપ્યા હતા. પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપીઓ શ્યામ લાલ પટેલ, હરદયાલ પટેલ, કૃપાલ પટેલ અને રાજા ભૈયા પટેલની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: અમરેલીના દલિત યુવાનની હત્યાના બે દિવસ બાદ પણ ન્યાયની પ્રતીક્ષા

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આશુતોષ શ્રોત્રીએ જણાવ્યું હતું કે, આ મામલો મંદિરના દાન માટે ઘઉંની માંગણી સાથે જોડાયેલો હતો. દાન ન આપવા બદલ હુમલો કરનારા આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. ગામડાઓમાં હજુ પણ દલિતો સામે આ પ્રકારે દાન અને ધર્મના નામે જે અત્યાચાર થઈ રહ્યો છે, તેના પગલે સામાજિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ‘આજે પણ ગામના મંદિરમાં પ્રવેશ નથી મળતો’, ‘પંચાયત’ ના અભિનેતાનું દર્દ છલકાયું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Soma parmar
Soma parmar
1 month ago

Aane kevay Hindu jatankvadi ane aatankvadi ni paidash,,,,,,

1
0
Would love your thoughts, please comment.x
()
x