જૂનાગઢના ચંદવાણામાં દલિત યુગલે બૌદ્ધ વિધિથી લગ્ન કર્યા

જૂનાગઢના ચંદવાણામાં પૂનમ અને પ્રશાંતે સંવિધાનના શપથ લઈને લગ્ન કર્યા. ગુજરાતમાં બહુજન યુવાનોમાં બૌદ્ધ વિધિથી લગ્ન કરવાનો વધતો ઝોક.
gujarat buddhist wedding

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે પૂનમ ચુડાસમા અને પ્રશાંત સોલંકીએ બૌદ્ધ વિધિથી લગ્ન કરતા ફરી એકવાર બૌદ્ધ લગ્નનો ટ્રેન્ડ ચર્ચામાં આવ્યો છે. ડૉ. આંબેડકરે ચીંધેલા માર્ગે બૌદ્ધ વિધિથી યોજાયેલા આ લગ્નમાં પરંપરાગત ધાર્મિક ક્રિયાકાંડો, અંધશ્રદ્ધા અને દેખાડાને બદલે સમાનતા, સ્વાભિમાન, વૈજ્ઞાનિક અભિગમ અને સંવિધાનિક મૂલ્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

ખાસ વાત એ હતી કે લગ્નપ્રસંગે વર-કન્યાને ભારતીય સંવિધાનના શપથ લેવડાવી જીવનભર સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાયના મૂલ્યોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

ગુજરાતના દલિત યુવાઓમાં બૌદ્ધ વિધિથી લગ્નનો વધતો ઝોક

ગુજરાતમાં ધીરેધીરે બહુજન સમાજના યુવક-યુવતીઓમાં બૌદ્ધ વિધિથી લગ્ન કરવાનો ઝોક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાબાસાહેબ આંબેડકરની વિચારધારા અને ગૌતમ બુદ્ધના સમતાવાદી દર્શનને સમજતા યુવાનો લગ્ન જેવા મહત્વપૂર્ણ પ્રસંગને પણ સામાજિક પરિવર્તનના માધ્યમ તરીકે અપનાવી રહ્યા છે.

આ પણ વાંચો: ‘તું ગૌમાંસ ખાય છે?’ પૂછી દલિત વિદ્યાર્થીને હેરાન કરાતા ગળેફાંસો ખાધો

આ યુવાનો પરંપરાગત મનુવાદી માન્યતાઓ, જાતિ આધારિત ભેદભાવ અને કર્મકાંડપ્રધાન લગ્નવિધિઓથી દૂર રહી બૌદ્ધ ધર્મની સાદગીપૂર્ણ અને તર્કઆધારિત પરંપરાને પસંદ કરી રહ્યા છે. બાબાસાહેબ આંબેડકરે દર્શાવેલા સમાનતા અને માનવતાના માર્ગે ચાલવાની આ પહેલને બહુજન સમાજમાં વૈચારિક જાગૃતિના એક મહત્વપૂર્ણ અભિવ્યક્તિરૂપે જોઈ શકાય છે.

ચંદવાણામાં યોજાયેલાં પૂનમ અને પ્રશાંતનાં લગ્ન પણ આ જ વિચારધારાને આગળ વધારતું ઉદાહરણ બન્યાં હતાં. અહીં લગ્નવિધિમાં કોઈ જાતિગત ઊંચ-નીચ કે ધાર્મિક અંધશ્રદ્ધાને સ્થાન આપવામાં આવ્યું નહોતું. તેના બદલે બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રેમ, વિશ્વાસ, જવાબદારી અને પરસ્પર સન્માન લગ્નના કેન્દ્રમાં રહ્યાં હતાં.

સંવિધાનના શપથ સાથે જીવનસાથી બન્યાં

આ લગ્નની સૌથી વિશિષ્ટ બાબત વર-કન્યાને ભારતીય સંવિધાનના શપથ લેવડાવવાની હતી. બંનેએ જીવનભર એકબીજાની લાગણીઓ અને વિચારોનું સન્માન કરવા, પ્રામાણિકતા જાળવવા, એકબીજાના સાથી બની રહેવા અને પરસ્પર વફાદારી નિભાવવા પ્રતિજ્ઞા લીધી હતી.

આ પણ વાંચો: ગાંધી જયંતિના કાર્યક્રમમાં દલિતોને અલગ ભોજન પીરસાયું!

લગ્નનો સંદેશ સ્પષ્ટ હતો કે દાંપત્યજીવન માત્ર સામાજિક વિધિ કે બે પરિવારોનું જોડાણ નથી, પરંતુ બે વ્યક્તિઓએ સમાન અધિકાર અને જવાબદારી સાથે જીવન જીવવાનો સંકલ્પ છે. સંવિધાનિક મૂલ્યોને સાક્ષી રાખીને શરૂ થયેલું આ સહજીવન લગ્નપ્રસંગને એક અલગ ઓળખ આપતું હતું.

કંકોતરીથી ગરબા સુધી આંબેડકરી વિચારધારા

લગ્નની વિશેષતા માત્ર બૌદ્ધ વિધિ પૂરતી સીમિત રહી નહોતી. લગ્નની કંકોતરીમાં પણ ગૌતમ બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને સ્થાન આપવામાં આવ્યું હતું. લગ્નપ્રસંગે યોજાયેલા ગરબામાં પણ પરંપરાગત ગીતોની સાથે ભીમગીતો ગુંજ્યાં હતાં.

આમ, લગ્નના દરેક પ્રસંગમાં આંબેડકરી વિચારધારાની ઝલક જોવા મળી હતી. ન અંધશ્રદ્ધા, ન કર્મકાંડ, ન બિનજરૂરી દેખાડો કે અશ્લીલતા; માત્ર સાદગી, સ્વાભિમાન, સમાનતા અને વૈચારિક જાગૃતિ સાથે લગ્નપ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: શું રાજ્યપાલનું પદ અપ્રસ્તુત થઈ ગયું છે?

લગ્ન નહીં, સામાજિક પરિવર્તનનો સંકલ્પ

બાબાસાહેબ આંબેડકરે સમાજને શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો માર્ગ બતાવ્યો હતો. તેમની વિચારધારાથી પ્રેરિત યુવાનો હવે શિક્ષણ અને સામાજિક જાગૃતિની સાથે પોતાના અંગત જીવનના નિર્ણયો પણ વૈચારિક અભિગમથી લેવા લાગ્યા છે. બૌદ્ધ વિધિથી લગ્ન કરવાની પસંદગી પણ આ પરિવર્તનનો એક ભાગ છે.

પૂનમ ચુડાસમા અને પ્રશાંત સોલંકીનાં લગ્ન માત્ર બે વ્યક્તિઓના દાંપત્યજીવનની શરૂઆત નથી, પરંતુ સમાનતા, સ્વતંત્રતા, બંધુતા અને સંવિધાનિક મૂલ્યો આધારિત સમાજના નિર્માણનો પ્રેરણાદાયી સંદેશ પણ આપે છે. લગ્નપ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ આ અનોખી પહેલને આવકારી હતી અને નવદંપતીને સુખી દાંપત્યજીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: QS એશિયા રૅન્કિંગમાં ભારતની 71% યુનિવર્સિટીઓ પાછળ ધકેલાઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x