દલિત સમાજના લોકો સાથે જાતિવાદી સવર્ણ હિંદુઓ દ્વારા અત્યાચારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. જો કે, મધ્યપ્રદેશના મુરૈનામાં જે બન્યું છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. અહીં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા એક નિર્દોષ દલિત યુવકનું ગામના સવર્ણ ગુંડાઓએ અપહરણ કર્યું અને ઢોર માર માર્યો. ગુંડાઓ આટલે અટક્યા નહોતા.
તેઓ દલિત યુવકને બાંધીને ગામમાં લઈ આવ્યા અને ત્યાં ગામના ચોકમાં બંદૂકના નાળચે તેને જાતિસૂચક અપશબ્દો કહી ઢોર માર માર્યો હતો. એ પછી પણ તેમનું મન ન ભરાતા તેઓ યુવકને બીજા ગામમાં લઈ ગયા હતા અને ત્યાં તેના ગળામાં જૂતાનો હાર પહેરાવ્યો હતો અને અર્ધનગ્ન કરીને આખા ગામમાં ફેરવ્યો હતો. આ ઘટના સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. જાણે કાયદો વ્યવસ્થાનો સવર્ણ ગુંડાઓને કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિ પેદા થઈ છે.

ફિલ્મી ઢબે હાઈવે પરથી અપહરણ કરાયું
ઘટનાની વિગતો એવી છે કે, જતાવર ગામનો રહેવાસી 40 વર્ષીય મોહનલાલ (નામ બદલ્યું છે) ઈ-રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે સાંજે તે હંમેશ મુજબ બસ સ્ટેન્ડથી મુસાફરો ભરીને પોતાના ગામ જઈ રહ્યો હતો. એ દરમિયાન નેશનલ હાઈવે-44 પર સિકરોદા નહેર પાસે, ચંબલદીપ હોટલની સામે એક ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર થઈને આવેલા 24 થી વધુ હથિયારધારી ગુર્જર જાતિના ગુંડાઓએ તેનો રસ્તો રોકી લીધો હતો. આ ગુંડાઓએ મુસાફરોની હાજરીમાં જ મોહનલાલને રિક્ષામાંથી નીચે પછાડી લાત-ઘૂંસા અને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: ‘આંબેડકરનું ટીશર્ટ કેમ પહેર્યું છે?’ પૂછી દલિત યુવકને બે બ્રાહ્મણોએ ફટકાર્યો!
હાથપગ બાંધી ટ્રેક્ટરમાં નાખી અપહરણ કર્યું
જાતિવાદી તત્વોની નાગાઈ અહીં જ અટકી નહોતી. તેઓ દલિત યુવકને બળજબરીપૂર્વક ટ્રેક્ટરમાં નાખી અપહરણ કરીને ગંગાપુર લઈ ગયા હતા. ત્યાં તેને નિર્વસ્ત્ર કરી તેના ગળામાં જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જનકપુર ગામમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને અર્ધ નગ્ન હાલતમાં આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો. પીડિતના જણાવ્યા અનુસાર, ગુર્જરોએ તેને બંદૂકના નાળચે બંધક બનાવી રાખ્યો હતો અને આશરે અડધા કલાક સુધી સમગ્ર ગામમાં તેનું સરઘસ કાઢી તેને જ્ઞાતિસૂચક ગાળો આપી અપમાનિત કર્યો હતો.
જૂના કેસમાં સમાધાન ન કરતા હુમલો કર્યો
આ હિંસક હુમલા પાછળનું મુખ્ય કારણ કોઈ તાત્કાલિક વિવાદ નહીં પરંતુ જૂની અદાવત હોવાનું બહાર આવ્યું છે. પીડિત મોહનલાલે જણાવ્યું કે, ગત વર્ષે દિવાળી દરમિયાન જનકપુર ગામના દિલીપ ગુર્જર અને ભૂરા ગુર્જર સાથે તેને વિવાદ થયો હતો, જે અંગે તેણે પોલીસમાં FIR નોંધાવી હતી. આ દબંગો લાંબા સમયથી કેસ પાછો ખેંચવા અને સમાધાન કરવા માટે તેના પર દબાણ કરી રહ્યા હતા. જ્યારે મોહનલાલે ન્યાય માટે લડત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો અને સમાધાનનો ઇનકાર કર્યો, ત્યારે તેને પાઠ ભણાવવા માટે આ પૂર્વ આયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: બાલાઘાટમાં બાબાસાહેબ અને ફૂલે દંપતીની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાઈ
પોલીસે 24 આરોપીઓમાંથી માત્ર 1 ની ધરપકડ કરી
ઘટના સમયે રિક્ષામાં સવાર મુસાફરોએ તુરંત પોલીસને જાણ કરી હતી, જેના પગલે સિવિલ લાઈન પોલીસની ટીમ જનકપુર પહોંચી હતી અને પીડિતને દબંગોના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. પોલીસે આ મામલે ભૂરા ગુર્જર, સુરેન્દ્ર ગુર્જર, મહેન્દ્ર ગુર્જર, દિલીપ ગુર્જર અને કરુઆ ગુર્જર સામે નામજોગ ગુનો નોંધ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, હાલમાં ફક્ત એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય હજુ ફરાર છે. બીજી તરફ, પોલીસ આ ઘટનાને ‘સામાન્ય મારામારી’ અને ‘પૈસાની લેતીદેતી’ નો વિવાદ ગણાવીને મામલો હળવો કરવાનો પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.
બીએસપી, ભીમ આર્મી ન્યાય માટે મેદાનમાં ઉતરી
આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા ભીમ આર્મી, બહુજન સમાજ પાર્ટી અને આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સિવિલ લાઈન પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા. દલિત સંગઠનોએ પોલીસ પ્રશાસનને અલ્ટીમેટમ આપ્યું છે કે જો તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિતને સુરક્ષા પૂરી પાડવામાં નહીં આવે, તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. હાલમાં આ મામલે ચંબલ વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ છે.
આ પણ વાંચો: કડીની 15 વર્ષની દલિત દીકરી પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ












