દેશમાં કહેવાતા સવર્ણ સમાજો દ્વારા SC, ST અને OBC સમાજને મળેલા બંધારણીય અનામતને નાબૂદ કરવા માટે બિનસંવિધાનિક રીતે આંદોલનો અને રેલીઓ કાઢવામાં આવી રહી છે. બંધારણ અને સામાજિક ન્યાય પર થઈ રહેલા આ સીધા પ્રહારોનો જડબાતોડ જવાબ આપવા માટે મધ્ય ગુજરાતના બહુજન સમાજે એકતાનો શંખનાદ કર્યો છે. દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના SC, ST અને OBC સમાજના અગ્રણીઓ એક મંચ પર આવ્યા છે. દાહોદ સ્થિત બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે યોજાયેલી આ મિટિંગમાં ત્રણેય જિલ્લાઓમાંથી 100 થી વધુ પ્રતિનિધિઓ અને આગેવાનોએ હાજરી આપીને અનામત વિરોધી માનસિકતા સામે આરપારની લડાઈ લડવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો.
અનામત ભીખ નથી, વસ્તી મુજબની ભાગીદારી છે
મિટિંગ દરમિયાન ઉપસ્થિત તમામ આગેવાનોએ એકસૂરે વ્યક્ત કર્યો હતો કે, ભારતના બંધારણમાં અનામત એ કોઈ દયા કે ભીખ નથી, પરંતુ દેશના સંસાધનો, સરકારી તંત્ર અને વહીવટમાં વહેંચાયેલી ભાગીદારી અને પ્રતિનિધિત્વની ગેરંટી છે. સદીઓથી શિક્ષણ અને સત્તાથી વંચિત રાખવામાં આવેલા બહુજન સમાજને આજીવન વસ્તીના પ્રમાણમાં જ અનામત મળવું જોઈએ. સવર્ણ સમાજો દ્વારા અનામત નાબૂદીના નામે જે અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં દેશના બંધારણને નબળું પાડવાનો અને બહુજન સમાજને ફરીથી સત્તા અને નિર્ણયો લેવાની પ્રક્રિયાથી દૂર રાખવાનો મોટો જાતિવાદી કાવતરાનો ભાગ છે.

આ પણ વાંચો: અનામત હટાવો આંદોલન મોદી સરકાર પ્રેરિત છેઃ ચંદ્રશેખર આઝાદ
બહુજન સમાજ હવે ચૂપ નહીં બેસે: સંકલન સમિતિની રચના કરાશે
આગામી સમયમાં આ લડતને કઈ રીતે આગળ ધપાવવી અને મનુવાદી આંદોલનોનો કેવી રીતે જવાબ આપવો તે અંગે મિટિંગમાં સકારાત્મક અને ગંભીર ચર્ચાઓ થઈ હતી. બહુજન સંઘર્ષને વધુ મજબૂત કરવા માટે 27.9.2026 ના રોજ દાહોદના બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ખાતે બપોરે 2:00 કલાકે આગામી મહત્વની બેઠક યોજવાનું નક્કી કરાયું છે. આ બેઠકમાં ત્રણેય જિલ્લાના સંકલન માટે એક મજબૂત ‘સંકલન સમિતિ’ની રચના કરવામાં આવશે, જેના દ્વારા આંદોલનની આખી કાર્યપદ્ધતિ, ભવિષ્યનો એજન્ડા અને જરૂરી નાણાકીય ભંડોળ એકઠું કરવા અંગેના નિર્ણયો લેવાશે.
આ પણ વાંચો: ‘અનામત નાબૂદીની વાત કરનાર તત્વો સામે રાજદ્રોહનો કેસ કરો!’
‘કર્ણનું આરોપનામું’ અને ‘ભારતનું બંધારણ’ પુસ્તકનું વિતરણ
આજના આ જાગૃતિ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કાર્યકરો અને આગેવાનોને વૈચારિક રીતે સજ્જ કરવા માટે ‘કર્ણનું આરોપનામું’ તથા ‘ભારતનું બંધારણ’ પુસ્તકની નકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બહુજન યુવાનો અને આગેવાનો બંધારણીય જોગવાઈઓનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આગામી મિટિંગમાં જોડાય તેવા સંકલ્પ સાથે મિટિંગ સંપન્ન થઈ હતી. બંધારણ, અનામત અને બહુજન સમાજના અસ્તિત્વને બચાવવા માટે દાહોદથી શરૂ થયેલી આ એકતા આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વ્યાપક સ્વરૂપ ધારણ કરશે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ‘અનામત બંધારણીય અધિકાર છે, કોઈ તેને ખતમ નહીં કરી શકે’













