‘ભણીને તારે આંબેડકર બનવું છે?’ કહી દલિત વિદ્યાર્થી પર હુમલો

દલિત વિદ્યાર્થી પર તેની સાથે ભણતા 7 સવર્ણ વિદ્યાર્થીઓએ 'ભણીને શું તારે આંબેડકર બનવું છે?' કહી બેલ્ટ વડે બેફામ માર માર્યો!
દલિત સમાચાર

દલિત સમાજના બાળકો સ્કૂલોમાં કેવા પ્રકારનો ભેદભાવ સહન કરતા હોય તેનું એક ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે. એક સ્કૂલમાં જાતિવાદી સવર્ણ વિદ્યાર્થીઓએ એક દલિત વિદ્યાર્થીને “તું ભણીને શું આંબેડકર બનીશ? અમે તને ભણવા નહીં દઈએ” તેમ કરીને ઢોર માર માર્યો હતો. સવર્ણ વિદ્યાર્થીઓ છેલ્લાં એક મહિનાથી દલિત વિદ્યાર્થીને તેની જાતિને લઈને હેરાન કરતા હતા અને “ભણીને તું શું આંબેડકર બની જવાનો છે?” તેમ કહીને પરેશાન કરતા હતા. એ પછી તેમણે દલિત વિદ્યાર્થીને રસ્તામાં આંતરીને ઢોર માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થી બેભાન થઈ જતા સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. દીકરો સૂનમૂન રહેતો હોવાથી તેના પિતાએ તેને એ બાબતે પૂછપરછ કરતા આખી ઘટના સામે આવી હતી. એ પછી તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘટના શું હતી

મામલો જાતિવાદ માટે કુખ્યાત યુપીનો છે. અહીંના ગાઝિયાબાદની એક શાળામાં અભ્યાસ કરતા 11મા ધોરણના દલિત વિદ્યાર્થીને તેના જ ક્લાસના સવર્ણ વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી સતત સતામણી અને જાતિવાદી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ જાતિવાદી ઝેર આટલેથી ન અટકતાં સવર્ણ વિદ્યાર્થીઓએ અન્ય બહારના મિત્રોને બોલાવીને દલિત વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. હુમલા દરમિયાન આરોપીઓ વિદ્યાર્થીને ‘શું તારે પણ આંબેડકર બનવું છે?’ કહીને મેણાં મારતા હતા. આ મામલે પીડિત પરિવારની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.

અડધી રાત્રે ચિંતાતુર બેઠેલા પુત્રને જોઈ પિતા સ્તબ્ધ

ઘટનાની વિગતો અનુસાર, પીડિત વિદ્યાર્થીના પિતા મહેશ કુમાર (નામ બદલેલ છે), જેઓ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમણે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરના રોજ અડધી રાત્રે જ્યારે તેઓ અચાનક જાગ્યા તો તેમણે પોતાના 11મા ધોરણમાં ભણતા પુત્રને ઘરના આંગણામાં ચિંતાતુર હાલતમાં બેઠેલો જોયો હતો. શાળામાં બનેલી ઘટના અને સાથે ભણતા સવર્ણ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા અત્યાચાર બાદ કિશોર એટલો ભયભીત હતો કે તે કલાકો સુધી ઊંઘી શક્યો નહોતો. પિતાએ જ્યારે તેની પાસે જઈને પ્રેમથી પૂછપરછ કરી ત્યારે બાળકે પોતાની સાથે બનેલી આપવીતી રજૂ કરી હતી.

આ પણ વાંચોઃ સગીર દલિત વિદ્યાર્થીને નિર્વસ્ત્ર કરી 6 છોકરાએ માર્યો, ઘા પર મીઠું ભભરાવ્યું

એક મહિનાથી ચાલી રહી હતી જાતિવાદી સતામણી

પીડિત વિદ્યાર્થીના પિતાના જણાવ્યા મુજબ, શાળાના કેટલાક વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી તેમના પુત્ર પર બિનજરૂરી જાતિવાદી ટિપ્પણીઓ કરી રહ્યા હતા. તેઓ તેને વારંવાર ‘શું તારે આંબેડકર બનવું છે?’ અને ‘અમે તને અહીં ભણવા નહીં દઈએ’ કહીને અપમાનિત કરતા હતા. બાળકના પિતાએ જણાવ્યું કે શરૂઆતમાં તેમનો પુત્ર દરરોજ શાળાએ જવામાં આનાકાની કરતો હતો, પરંતુ તેઓ સમજી શક્યા નહોતા અને બાળકને ભણવા જવા માટે ઠપકો આપતા હતા. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે શાળામાં તેને સતત હેરાન કરવામાં આવતો હતો.

શાળા છૂટતી વખતે ઘેરીને બેલ્ટ અને લાતોથી માર માર્યો

ગત 6 ઓક્ટોબરના રોજ શાળાનો સમય પૂરો થવાનો હતો ત્યારે સાથે ભણતા સવર્ણ વિદ્યાર્થીઓએ ફરી એકવાર પીડિત વિદ્યાર્થી સાથે ગાળાગાળી શરૂ કરી હતી. વિરોધ કરતાં આરોપી વિદ્યાર્થીઓએ બહારથી પોતાના અન્ય 5 થી 7 મિત્રોને પણ સ્થળ પર બોલાવી લીધા હતા. તમામે દલિત વિદ્યાર્થીને ઘેરી લીધો હતો અને તેના પર લાતો-મુક્કાથી હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીઓએ પોતાની કમરેથી બેલ્ટ કાઢીને વિદ્યાર્થીને બેફામ માર માર્યો હતો. આ ભયાનક હુમલાના કારણે દલિત વિદ્યાર્થી સ્થળ પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો.

હુમલા બાદ બેભાન થઈ ગયેલા વિદ્યાર્થીના શરીર પર ગંભીર ઈજાના નિશાનો ઉપસી આવ્યા હતા. આ ઘટના બાદ બાળક માનસિક રીતે એટલો ડરી ગયો છે કે તે શાળાએ જતાં પણ ગભરાઈ રહ્યો છે. તે માત્ર 1 જ વાર શાળાએ ગયો હતો પરંતુ શરીરમાં અસહ્ય દુખાવો થતાં શિક્ષકે પિતાને ફોન કરીને બાળકને ઘરે લઈ જવા જણાવ્યું હતું.

એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ એફઆઈઆર

પીડિત પિતાની ફરિયાદના આધારે ગાઝિયાબાદ પોલીસે 8 ઓક્ટોબરના રોજ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને બાદમાં શાળાના ગુનાહિત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ તથા અન્ય શખ્સો સામે આકરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ કેસમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 (SC/ST Act) ની કલમ 3(2)(va) સહિત ગંભીર ગુનાહિત ધાકધમકી, શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાન અને શારીરિક હુમલો કરવા બદલ એફઆઈઆર (FIR) દાખલ કરી છે. ગાઝિયાબાદના ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ આરોપીઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થીનીએ સવાલ પૂછતા શિક્ષિકાએ કહ્યું, ‘તું ચમારી છે’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x