મહેસાણાના બલોલ ગામમાં એટ્રોસિટીના કેસમાં સાથ આપવા બદલ એક દલિત યુવક પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો હતો. જાતિવાદી તત્વોએ દલિત યુવકને રાત્રિના સમયે બોલાવીને જાતિસૂચક અપશબ્દો કહી, જાનથી મારી નાખવાની ધમકી આપીને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે યુવકે જાતિવાદી તત્વો સામે ફરિયાદ નોંધાવી છે.
દલિત યુવકને ઘેરીને લાફા માર્યા
સમગ્ર ઘટનાની વિગતો અનુસાર, મહેસાણા તાલુકાના બલોલ ગામમાં પંચાલ રોડ પર રહેતા 28 વર્ષીય દલિત યુવક હિમાંશુ ગૌતમભાઈ જાદવ 26 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે જમી પરવારીને પોતાના ઘરેથી ગામમાં બહાર ફરવા માટે નીકળ્યા હતા.

ચાલતા ચાલતા તેઓ ગામના પંચાયત તળાવ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં અગ્નિપાલ હાર્દિક નટુભાઈ, નરેન્દ્ર સોલંકી, રણજીતસિંહ અને મુકેશભાઈ સહિતના લોકો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ ચાલી રહી હતી. આ દરમિયાન આરોપી અગ્નિપાલની નજર હિમાંશુ પર પડતાં જ તેણે તેને પોતાની પાસે બોલાવ્યો હતો અને કોઈ પણ કારણ વગર સીધી જ ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચોઃ ‘હું ભાજપ પ્રમુખ છું, એટ્રોસિટીની ફરિયાદ ખેંચી લે નહીંતર પત્તો નહીં લાગે!’
‘એટ્રોસિટી કેસમાં સાથ કેમ આપે છે?’ કહીને લાફા માર્યા
અચાનક ગાળો આપવાનું શરૂ કરતાં હિમાંશુએ પૂછ્યું કે, “મને કેમ ગાળો બોલે છે?” ત્યારે ઉશ્કેરાયેલા આરોપી અગ્નિપાલે પોતાની જૂની અદાવત અને જાતિવાદી ઝેર ઓકતા કહ્યું હતું કે, “અગાઉ મારી ઉપર નરેન્દ્રએ એટ્રોસિટીનો કેસ કર્યો છે, તેમાં તું તેને કેમ સાથ આપે છે?”
આટલું કહીને આરોપીએ જાતિવિષયક શબ્દો કહી હિમાંશુને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાટમાં આવીને ફરિયાદી યુવકને જોરદાર લાફો ઝીંકી દીધો હતો. જાહેરમાં થયેલા આ હુમલા અને અપમાનથી દલિત યુવક ચોંકી ઉઠ્યો હતો.
સાંથલ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ

આ ઘટના બાદ દલિત યુવક હિમાંશુ જાદવે હિંમત દાખવીને સમગ્ર બાબતે સાંથલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપી સામે બીએનએસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ મામલે આગળની વધુ તપાસ નાયબ પોલીસ અધીક્ષક (DySP)ને સોંપવામાં આવી છે. દલિત સમાજના સંગઠનોએ આરોપી સામે ત્વરિત અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ ‘હું દરબાર છું’ કહીને મહેસાણામાં રજપૂત યુવકે દલિત યુવકને માર્યો











