મુસ્લિમ યુવકના હત્યારા 14 ‘ગૌરક્ષકો’ને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

મુસ્લિમ યુવકને ગૌતસ્કર કહી માર મારી-મારીને હત્યા કરી નાખનાર 14 ગૌરક્ષકોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જાણો શું હતો મામલો.
cow vigilantes life imprisonment in murder

મધ્ય પ્રદેશના નર્મદાપુરમ જિલ્લાની એક સેશન્સ કોર્ટે મોબ લિંચિંગના એક મામલામાં 14 ગૌરક્ષકોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના ઓગસ્ટ 2022ની છે, જ્યારે ગૌ તસ્કરીના આક્ષેપ હેઠળ નજીર અહેમદ નામના વ્યક્તિની માર મારી મારીને હત્યા કરી દેવાઈ હતી અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કોર્ટે સ્વીકાર્યું કે હુમલાખોરોએ નજીર સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક મારપીટ કરી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ અને તેનું મોત નીપજ્યું.

14 ગૌરક્ષકોને આજીવન કેદ

શુક્રવાર, 12 જૂનના રોજ નર્મદાપુરમના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તબસ્સુમ ખાને અમરાવતી (મહારાષ્ટ્ર) ના રહેવાસી નજીર અહેમદની હત્યાના કેસમાં દીપક ઉર્ફે બાબા કેવટ (38), અજ્જૂ ઉર્ફે અજય રાઠોડ (36), પ્રકાશ કૌશલ (33), ચેતન મરાઠા (23), પવન બાથવ (31), અમર ઉર્ફે ભોલા બાથવ (38), કન્હૈયા બાથવ (32), દેવેન્દ્ર ઉર્ફે છોટુ કોરી (22), સંદીપ ઉર્ફે રાજા કૌશલ (26), અનુજ ઉર્ફે બલ્લુ રઘુવંશી (24), સંજુ ઉર્ફે રાજેન્દ્ર કૌશલ (39), આકાશ ઉર્ફે પિંટોલી બાથવ (31), ગૌરવ યાદવ (24) અને આકાશ સરાઠે (33) ને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 341, 148, 307/149 અને 302/149 હેઠળ દોષિત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: સુનાવણી વિના 8 વર્ષ જેલ ભોગવનાર સુરેન્દ્ર ગાડલિંગને જામીન મળ્યાં

‘મીડિયા રિપોર્ટ મુજબ, જજ તબસ્સુમ ખાને જણાવ્યું હતું કે દોષિતોને સજા સંભળાવતા પહેલા અપરાધની ગંભીરતા વધારતા અને ઘટાડતા સંજોગો પર વિચાર કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે, એ સાબિત થઈ ચૂક્યું છે કે આરોપીઓએ મોબ લિંચિંગ કર્યું છે. આરોપીઓએ એક ગેરકાયદે ટોળું બનાવ્યું અને ઘાતક હથિયારોથી સજ્જ થઈને રમખાણ કર્યું, પીડિત સાથે અત્યંત બર્બરતાપૂર્વક મારપીટ કરી, જેના પરિણામે નજીર અહેમદને ગંભીર ઈજાઓ પહોંચી, જે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ નોંધાયેલી છે. આરોપીઓના આ કૃત્યના કારણે નજીર અહેમદનું મોત થયું અને અન્ય ઘાયલ લોકોને ઈજાઓ પહોંચી.

શું હતો સમગ્ર મામલો?

પીડિત પક્ષના જણાવ્યા અનુસાર, 2-3 ઓગસ્ટ 2022ની રાત્રે ટ્રક ડ્રાઈવર શેખ લાલા, નજીર અહેમદ અને શેખ મુશ્તાક સાથે પશુઓને નંદરવાડાથી મહારાષ્ટ્ર લઈ જઈ રહ્યા હતા. ત્યારે સિવની માળવા (મધ્ય પ્રદેશ) ના બારાખાડ ગામ પાસે તેમની ગાડીને રોકવામાં આવી હતી. ગ્રામજનોના એક થઈ કથિત રીતે ટ્રક અટકાવી અને તેમાં સવાર લોકો પર લાકડીઓ અને ડંડા વડે હુમલો કરી દીધો. બાદમાં ગંભીર ઈજાઓના કારણે નજીર અહેમદનું મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ સિવની માલવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ સામે રમખાણ કરવા (કલમ 147), ખોટી રીતે અટકાવવા (કલમ 341) અને હત્યાના પ્રયાસ (કલમ 30) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી લોહીના નમૂના એકત્ર કર્યા, સાક્ષીઓના નિવેદનો નોંધ્યા અને મૃત્યુ પહેલા પીડિતનું નિવેદન (ડાઇંગ ડેકલેરેશન) પણ લીધું હતું. તમામ પુરાવાઓની બારીકાઈથી તપાસ કર્યા બાદ કોર્ટે શોધી કાઢ્યું કે આરોપીઓએ લાકડીઓ અને ડંડા સાથે ગેરકાનૂની ટોળું બનાવ્યું હતું અને એક જ સમાન હેતુ પાર પાડવા માટે કામ કર્યું હતું.

આ પણ વાંચો: ‘તારી આ જ હેસિયત છે’ કહી દલિત યુવકને જૂતામાં પાણી ભરીને પીવડાવ્યું

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું બહાર આવ્યું?

કોર્ટે આ ઘટનાને મોબ લિંચિંગનો સાબિત થયેલો કેસ માન્યો હતો. અદાલતે કહ્યું કે બેરહેમીથી કરાયેલા હુમલાને કારણે નજીરને ગંભીર ઈજાઓ થઈ હતી. કોર્ટે તબીબી પુરાવાઓ પર ભરોસો મૂક્યો, જેનાથી સ્પષ્ટ થયું કે મૃતકના માથા અને શરીર પર અનેક ઈજાઓ થઈ હતી. નજીર અહેમદને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમમાં ખોપરી તૂટી જવી તથા શરીર પર અસંખ્ય જગ્યાએ ગંભીર ઈજાઓ જોવા મળી હતી. કોર્ટે બચાવ પક્ષની એ દલીલને ફગાવી દીધી હતી કે મૃત્યુનો હુમલા સાથે કોઈ સંબંધ નહોતો.

મૃત્યુદંડની સજા આપવાનો ઇનકાર

જો કે, કોર્ટે દોષિતોને ફાંસીની સજા આપવાનો ઇનકાર કરી દીધો હતો. અદાલતે જણાવ્યું કે મૃત્યુદંડ (ફાંસી) ની સજા માત્ર ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ એટલે કે અત્યંત દુર્લભ કેસોમાં જ આપવી જોઈએ. કોર્ટે તમામ આરોપીઓને આઈપીસીની કલમ 302 સાથે કલમ 149 હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં વિજયના ‘સારથિ’ બનેલા VCK ચીફ થોલ થિરુમાવલવન કોણ છે?

કોર્ટના ચુકાદાની જાણ થતાં જ દોષિતોના પરિવારજનો અને સંબંધીઓ કોર્ટ પરિસરની બહાર એકઠા થઈ ગયા હતા. પોલીસ જ્યારે દોષિતોને જેલ લઈ જવા માટે વાહનમાં બેસાડી રહી હતી, ત્યારે તેમના સંબંધીઓએ પોલીસ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક સંબંધીઓ તો ગાડીની આગળ આડા પડી ગયા હતા અને રસ્તો રોકવા મથ્યા હતા.


કોર્ટના આ આકરા ચુકાદા બાદ દોષિતોના પરિવારજનો રડી પડ્યા હતા. તેમાંથી કેટલાકનું કહેવું હતું કે તેમના બાળકો તો ગૌ સેવા અને ગૌ રક્ષા માટે ગયા હતા, પરંતુ હવે તેમને આ ઘટનાનું ગંભીર પરિણામ ભોગવવું પડી રહ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા 4 સફાઈકર્મીઓના મોત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x