ગાંધીનગર: દલિત સમાજ ગરીબ, પછાત અને શિક્ષણમાં પાછળ છે તેની પાછળના અનેક કારણો પૈકીનું એક બહુ મોટું કારણ સમાજના પૈસાદાર વર્ગનું સામાજિક નિસબત તરફથી મોં ફેરવી લેવું છે. બાબાસાહેબની કૃપાથી અનામતનો લાભ લઈ સરકારી નોકરી મેળવનાર આખો વર્ગ પોતાની સામાજિક નિસબત ભૂલતો થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરના કલોલના એક સામાન્ય રિક્ષાચાલકે સમાજને સામાજિક નિસબત શું કહેવાય તે શીખવ્યું છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના એક સામાન્ય રિક્ષાચાલકની સામાજિક નિસબત અને તેના 64 જેટલા શ્રમિક મિત્રોના સહયોગથી આજે બહુજન સમાજના અનેક દીકરા-દીકરીઓ સરકારી નોકરીના સપના સાકાર કરી રહ્યા છે. કલોલના રિક્ષાચાલક ધર્મેન્દ્રભાઈ અને રોહિતભાઈ વડાસ્વામીએ સાથે મળીને 21 જાન્યુઆરી 2025ના રોજ ‘સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ મંડળ’ની સ્થાપના કરી હતી. આ મંડળનો મુખ્ય હેતુ મજૂર વર્ગના ફાળામાંથી એકત્રિત થયેલા નાણાં વડે સમાજના તેજસ્વી અને જરુરિયાતમંદ યુવક-યુવતીઓને શિક્ષણમાં મદદરૂપ થવાનો છે.

આ પણ વાંચો: અંજારમાં SSD દ્વારા ડૉ. આંબેડકર જયંતીએ ભવ્ય સલામી કાર્યક્રમ યોજાયો
શ્રમિક મિત્રોએ મળીને સંગઠન બનાવ્યું
આ શિક્ષણ મંડળની વિશેષતા એ છે કે તેમાં કોઈ મોટા ઉદ્યોગપતિઓ નહીં, પરંતુ સમાજના મજૂરી કરતા 64 મજૂરો જોડાયેલા છે. આ સભ્યો દર મહિને પોતાની સ્વેચ્છા મુજબ 100 રૂપિયા કે તેથી વધુની રકમ જમા કરાવે છે. આ નાનકડી બચતમાંથી થતી રકમનો ઉપયોગ હાલમાં ચાલી રહેલી પીએસઆઈ (PSI) અને કોન્સ્ટેબલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે.
પુસ્તક વિતરણ અને સફળતાની કહાની
મંડળ દ્વારા ગત 3 ફેબ્રુઆરી 2026 અને 9 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેરમાં પુસ્તક વિતરણના બે મોટા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે જે ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી હોય, તેઓ ધર્મેન્દ્રભાઈને રૂબરૂ મળીને પોતાની પાસ થયેલી રિસીપ્ટની ઝેરોક્ષ આપીને ફ્રીમાં પુસ્તકો મેળવી શકતા હતા. મંડળ દ્વારા અત્યાર સુધીમાં કુલ 59 જેટલા કિંમતી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે. અનેક યુવાનોએ આ પુસ્તકોની મદદથી લેખિત પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોલીસ કોન્સ્ટેબલ સહિતની સરકારી નોકરીઓ મેળવવામાં સફળતા મેળવી છે.
આ પણ વાંચો: લાયક હોવા છતાં ગુજરાત સરકારે 3 બહુજન યુવતીઓને નોકરી ન આપી!

જિલ્લાની મર્યાદા ઓળંગી પહોંચી મદદ
જોકે આ મંડળ દ્વારા પ્રાથમિક તબક્કે માત્ર કલોલ અને ગાંધીનગર જિલ્લાના ઉમેદવારોને જ પુસ્તકો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સમાજ પ્રત્યેની લાગણીને કારણે અન્ય જિલ્લાના ઉમેદવારોના સગા-સંબંધીઓ જ્યારે રિસીપ્ટ લઈને આવ્યા, ત્યારે તેમને પણ ખાલી હાથે મોકલવામાં આવ્યા નહોતા અને તેમને પણ પુસ્તકો પૂરા પાડવામાં આવ્યા હતા.
સમાજ માટે પ્રેરણારૂપ પગલું
એક સામાન્ય રિક્ષાચાલક જ્યારે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને આટલો મોટો સેવાયજ્ઞ ચલાવી શકતા હોય, ત્યારે તે સમગ્ર દલિત અને બહુજન સમાજ માટે ગૌરવની વાત છે. ધર્મેન્દ્રભાઈ જણાવે છે કે, “અમારો હેતુ સાવિત્રીબાઈ ફૂલે શિક્ષણ મંડળનું નામ ઘર-ઘર સુધી પહોંચે અને વધુમાં વધુ સભ્યો જોડાય તેવો છે, જેથી કોઈ પણ ગરીબ વિદ્યાર્થી પુસ્તકના અભાવે શિક્ષણથી વંચિત ન રહે.”
જો સમાજની દરેક વ્યક્તિ પોતાની આવકનો નાનકડો હિસ્સો આ રીતે શિક્ષણ પાછળ ખર્ચે, તો સમાજને શૈક્ષણિક અને આર્થિક રીતે પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહીં. ધર્મેન્દ્રભાઈ અને તેમના 64 સાથીઓની આ સામાજિક નિસબતને આજે ચારેતરફથી સાધુવાદ મળી રહ્યો છે.
આ પણ વાંચો: જન્મ સમયે ‘પથ્થર’ કહી ધિક્કારી હતી, તે દલિત દીકરી પહેલી પેટ્રોકેમિકલ એન્જિનિયર બની














*સમ્માનીય શ્રી ધર્મેન્દ્રભાઈ રીક્ષા ચાલક અને આપના મિત્રોને સપ્રેમ જયભીમ સાથે મારાં હાર્દિક અભિનંદન સાથે ખુબ ખુબ સાધુવાદ! સાધુવાદ! સાધુવાદ!
દલિત સમાજનો પૈસેટકે સુખી, સમૃદ્ધ અને જીવનમાં એકપાત્રિય અભિનય કરીને આપણાં સમાજને ગેરમાર્ગે દોરે છે જેમકે, હિન્દુ ધર્મની સાંપ્રદાયિક સંસ્થાઓ દ્વારા આપણા બહુજન સમાજ દલિત સમાજનું અહિત કરવામાં ખુબ જ રચ્યો પચ્યો છે એટલે આવા કટ્ટરવાદી અંધભકતો સામે દલિત સમાજનાં મહેનતકશ અને શૈક્ષણિક સેવાઓ આપનાર વિરલાઓએ ખાસ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે! ધન્યવાદ સાધુવાદ!
બહુજન સમાજના મહાનાયકો અને મહાનાયિકાઓને
મારાં હાર્દિક શત્ શત્ નમન, કોટી કોટી વંદન પ્રણામ!