જાતિવાદી તત્વોએ મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખ્યો

અસામાજિક તત્વોએ મધરાતે પાર્કમાં ઘૂસીને ડો.આંબેડકરની પ્રતિમા તોડીને ફેંકી દીધી. દલિત સમાજમાં રોષ ફાટી નીકળતા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.
Casteists vandalize Dr Ambedkars statue

શાહજહાંપુર: દેશમાં ડો.આંબેડકરની પ્રતિમાને તોડી પાડવાની જાણે મોસમ આવી હોય તેવી સ્થિતિ છે. યુપીના એટામાં એક ગામમાં લગ્નમાં આવેલા જાનૈયાઓએ ડો.આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નાખી હતી. ત્યાં હવે યુપીના શાહજહાંપુર જિલ્લાના નિગોહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કટૈયા ઉસ્માનપુર ગામમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી નાખવાની ઘટના સામે આવી છે.

અહીં ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા જાતિવાદી તત્વોએ બાબાસાહેબની પ્રતિમાનો હાથ તોડી નાખી તેને ખંડિત કરી હતી. શુક્રવારે સવારે આ ઘટનાની જાણ થતા જ દલિત સમાજના સેંકડો લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. વધતા તણાવને જોતા વહીવટીતંત્રે ગામમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દીધી છે.

આ પણ વાંચો: બાલાઘાટમાં બાબાસાહેબ અને ફૂલે દંપતીની પ્રતિમા ઉખાડીને ફેંકી દેવાઈ

રાત્રિના સમયે પ્રતિમા પર હુમલો કરાયો

ઘટનાની મળતી વિગત મુજબ, કટૈયા ગામની બહાર સ્થાપિત કરવામાં આવેલી ડો. આંબેડકરની પ્રતિમાને ગુરુવારે રાત્રિના સમયે અસામાજિક તત્વોએ નિશાન બનાવી હતી. હુમલાખોરોએ પ્રતિમાનો હાથ તોડી નાખ્યો હતો અને તેને વિકૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. શુક્રવારે વહેલી સવારે જ્યારે ગ્રામીણોની નજર પ્રતિમા પર પડી ત્યારે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. લોકોએ એકઠા થઈને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

પોલીસે ત્વરીત કાર્યવાહી કરી પ્રતિમાનું સમારકામ કરાવ્યું

ઘટનાની માહિતી મળતા જ સીઓ સદર પ્રિયાંક જૈન અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ વણસે નહીં તે માટે તુરંત જ ખંડિત પ્રતિમાનું સમારકામ કરાવ્યું હતું અને તેને સુરક્ષિત રીતે ઢાંકી દીધી હતી. પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ઘટનાસ્થળે સીસીટીવી (CCTV) કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકી શકાય.

આ પણ વાંચો: બે પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો!

પોલીસે તપાસ શરૂ કરી

સીઓ સદર પ્રિયાંક જૈને જણાવ્યું હતું કે, ગ્રામીણોની ફરિયાદના આધારે ગામના જ એક શંકાસ્પદ યુવક વિરુદ્ધ પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે ગુનેગાર ભલે ગમે તે હોય, તેને છોડવામાં આવશે નહીં.

ગામમાં અજંપાભરી શાંતિ

હાલમાં ગામમાં શાંતિ વ્યવસ્થા જળવાયેલી છે, પરંતુ તકેદારીના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ખડેપગે રાખવામાં આવ્યો છે. અગાઉ પણ પડોશી જિલ્લાઓમાં પ્રતિમા ખંડિત કરવાના બનાવો સામે આવ્યા છે, ત્યારે આ ઘટનાએ સામાજિક સૌહાર્દ સામે ફરી પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક અગ્રણીઓએ પણ શાંતિ જાળવવા અપીલ કરી છે અને સખત પગલાંની માંગણી કરી છે.

આ પણ વાંચો: ‘આંબેડકરનું ટીશર્ટ કેમ પહેર્યું છે?’ પૂછી દલિત યુવકને બે બ્રાહ્મણોએ ફટકાર્યો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x