‘ગોંડલ માટે કોઈએ લાળ ટપકાવી નહીં, ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે’

ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાને લઈને ક્ષત્રિય-પાટીદારો વચ્ચે તણાવ ઉભો થયો છે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદને ચર્ચા જગાવી છે.
gondal mla

રાજકોટ જિલ્લાનું ગોંડલ સતત વિવાદોમાં રહે છે. થોડા દિવસ પહેલા અહીં એક પાટીદાર યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. એ પછી પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે તણાવ પેદા થયો છે. જેને લઈને સમાધાન માટે ગોંડલમાં સર્વ સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા નિવેદન કરાયું છે કે, “ગોંડલની ટિકિટ માટે કોઈએ લાળ પાડવી નહીં. કારણ કે ગોંડલની ટિકિટ ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજાને જ મળશે. માટે કોઈએ ગોંડલની ટિકિટ માટે મહેનત કરવી નહીં.”

અલ્પેશ ઢોલરિયાના આ નિવેદનના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. વર્ષો અગાઉ પાટીદાર સમાજના જ અગ્રણીનું અહીં ખૂન થયું હતું અને રાજકારણ ગરમાયું હતું. હવે ફરી પાટીદાર સગીરને માર મારવાને લઈને મામલો ગરમાયો છે ત્યારે અહીં ક્ષત્રિય અને પાટીદાર વચ્ચે તણાવ ઊભો થયો છે. જેને ઠારવા માટે બંને સમાજના આગેવાનોએ સર્વ સમાજની બેઠક યોજીને સમાધાન કર્યું હતું. જો કે એ દરમિયાન ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના નિવેદનને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ જૂનાગઢના એક દલિત યુવકને ગોંડલ લઈ જઈને ગોંધી રાખવાનો મામલો ચગ્યો હતો. જેમાં ગણેશ જાડેજાને જેલમાં જવું પડ્યું હતું. હાલ તે આ કેસમાં જામીન પર બહાર છે. એ પછી હાલમાં જ એક જાટ યુવકના મોતને લઈને પણ ગણેશ ગોંડલ સામે મૃતક યુવકના પિતાએ ગંભીર આક્ષેપો કર્યા હતા. ગણેશ ગોંડલની છાપ માથાભારે વ્યક્તિની હોવા છતાં રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ તે ધારાસભ્ય બનશે તેમ કહેતા ખાસ કરીને બહુમતિ પાટીદાર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.

આ પણ વાંચો: ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?

ગોંડલમાં યોજાયેલી બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનો પક્ષ લઈને જણાવ્યું હતું કે, ‘પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સંબંધ છે. અહીં પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે કોઈ સમસ્યા નથી. જયરાજસિંહ અમારા બાપ સમાન છે. જે લોકો બહારના લુખ્ખાઓ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવી રહ્યા છે, એ લોકો જાણી લે કે, અહીંયા ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. સૌરાષ્ટ્ર બહારના જે લોકો ગોંડલને અલગ નજરે જુએ છે અને ગોંડલને મિરઝાપુર કહે છે, તેવા ટપોરી અને લુખ્ખા તત્વોને હું જવાબ આપવા માંગુ છું કે, ગોંડલ ગોકુળિયું ગોંડલ છે અને ભગવતસિંહનું ગોંડલ છે.’

અલ્પેશ ઢોલરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ગોંડલમાં તમામ સમાજના લોકો એક થઈને રહે છે. 500 કિલોમીટર દૂરથી અને 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજને અથડાવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને તેવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે, પાટીદાર અને ક્ષત્રિયોને અથડાવવાના તમારા જે સપના છે એ સપના પુરા નહીં થાય.’

રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયા એ નિવેદન કરીને ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા તૈયારી કરવી રહેલા અનિરુદ્ધસિંહ રીબડાના પૌત્રને આડકતરો સંદેશો આપ્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. જોવાનું એ રહેશે કે ગોંડલમાં બહુમતી ધરાવતો પાટીદાર સમાજ આ મામલે ભવિષ્યમાં શું સ્ટેન્ડ લે છે.

આ પણ વાંચો: દલિત RTI કાર્યકરની ગોળી મારી હત્યા, લાશ પુલ નીચે ફેંકી દીધી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x