પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને જાતિવાદી માનસિકતા માટે કુખ્યાત કથિત પત્રકાર જગદીશ મહેતા(Journalist Jagdish Mehta) પર આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ એટ્રોસિટી એક્ટ(SC-ST Act) કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે. બે દિવસ પહેલા નિર્ભય ન્યૂઝ(Nirbhay News) ચેનલ પર જગદીશ મહેતાએ આદિવાસી સમાજ વિશે વાંધાજનક નિવેદન કર્યું હતું. જેને લઈને સોશિયલ મીડિયામાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો અને આદિવાસી સમાજ ઉપરાંત જાગૃત નાગરિકોએ જગદીશ મહેતાની આકરી ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ આદિવાસી વિસ્તારમાં તેમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં આવેદનપત્રો આપવાનો દોર શરૂ થઈ ગયો છે.
જેમાં જગદીશ મહેતા વિરુદ્ધ આદિવાસી સમાજના અપમાન બદલ એટ્રોસિટી એક્ટ(SC ST Act) હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. છોટા ઉદેપુર અને ડાંગ જિલ્લામાં જગદીશ મહેતા વિરુદ્ધ આવેદન પત્રો અપાયા છે. જો કે, હોબાળો વધતા જગદીશ મહેતાએ ઉલટાનો લોકો પર જ ગેરસમજ થઈ હોવાનું જણાવી માફી માંગી હતી. પરંતુ તેમ છતાં આદિવાસી સમાજમાં રોષ યથાવત રહ્યો છે.

મામલો શું હતો?
ગુજરાતના ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ નિર્ભય ન્યૂઝ(Nirbhay News) પર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની નિમણૂંકને લઈને ચર્ચા દરમિયાન પત્રકાર જગદીશ મહેતાએ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીને ટાર્ગેટ કરવા જતાં આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કર્યું હતું. જગદીશ મહેતાએ ખેડબ્રહ્માના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિમાયેલા ડૉ. તુષાર ચૌધરી વિશે કહ્યું હતું કે, “અમરસિંહ ચૌધરીના દીકરા તુષાર ચૌધરીમાં ક્યાંય આદિવાસીપણું લાગે છે ખરું? કોઈ એન્ગલથી આદિવાસી દેખાય છે? તમે એનાં મકાન જુઓ, એની પ્રોપર્ટી જુઓ, રહેણીકરણી જુઓ, ક્યાં આદિવાસી કાળા-ભમ્મર, હાથમાં તીર-કામઠાં, પહેરવા અડધાં વસ્ત્રો, ઉઘાડા પગ, માથાં પર જુઓ તો ફાળિયું બાંધેલું હોય, જંગલમાં રહે, જાનવરો સાથે જીવ સટોસટ લડવાનું, ક્યાં એ આદિવાસી અને ક્યાં આ ભાઈ? આમાં ક્યાંય મેળ પડે આદિવાસીનો?”
એન્કર ગોપી મણિયાર ઘાંઘરે જગદીશ મહેતાને ટોક્યા નહીં
જગદીશ મહેતા પોતાના નિવેદનમાં આગળ જતા ગાંધીજીનો ઉલ્લેખ કરીને કહે છે કે તેઓ પણ સૂટ-બુટ પહેરીને ફરી શક્યા હોત, પણ તમારે લોકોની સમસ્યા જાણવી હોય, તેમની વચ્ચે રહેવું હોય તો તેમના જેવા બનવું પડે. કોઈ એન્ગલથી એને(તુષાર ચૌધરીને) અને આદિવાસીને હજાર ગાઉંનું છેટું છે. તેના બંગલા, ગાડીના ફોટા પાડીને પૂછવું જોઈએ કે આને આદિવાસી કહેવાય? આવા આદિવાસી હોય તો ભગવાન અમને આદિવાસી બનાવે, હું તો એમ કહું.”

જગદીશ મહેતાના આ નિવેદન દરમિયાન એન્કર ગોપી ઘાંઘર ક્યાંય પણ જગદીશ મહેતાના આવા જાતિવાદી નિવેદનનો વિરોધ કરતા જોવા મળતા નથી. ઉલટાનું તેઓ તેમની વાતમાં જાણે સૂર પુરાવતા હોય તેમ વારંવાર હામાં હા મિલાવતા જાય છે.
આ પણ વાંચો: નડિયાદમાં રોહિત ઉત્કર્ષ મંડળ દ્વારા 85 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
આદિવાસી સમાજમાં વિરોધનો વંટોળ ઉઠ્યો, કાયદેસર કાર્યવાહીની માંગ
જાતિવાદી પત્રકાર જગદીશ મહેતાની આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં ભારે હોબાળો મચ્યો હતો. અનેક પ્રબુદ્ધ નાગરિકો અને આદિવાસી સમાજના યુવાનો, નેતાઓ તથા એક્ટિવિસ્ટોએ જગદીશ મહેતાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી નાખી હતી. એ દરમિયાન નેશનલ મીડિયામાં પણ આ મામલો ચર્ચાએ ચડ્યો હતો. એ દરમિયાન છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા જગદીશ મહેતા પર એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
બોડેલીમાં પીઆઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સમસ્ત આદિવાસી સમાજે સ્થાનિક પીઆઈને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકીય ડિબેટ દરમિયાન પત્રકાર જગદીશ મહેતાએ કરેલા નિવેદનને કારણે સમગ્ર આદિવાસી સમાજનું અપમાન થયું છે અને તેમની લાગણી દુભાઈ છે. તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવા માટે માંગ કરીએ છીએ.
ડાંગમાં યુથ કોંગ્રેસ પ્રમુખ તુષાર કામડીએ આવેદનપત્ર પાઠવ્યું
બીજી તરફ ડાંગમાં આદિવાસી યુવાન અને ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તુષાર કામડી દ્વારા વઘઈ મામલતદારને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
તુષાર કામડી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, નિર્ભય ન્યૂઝની ડિબેટ દરમિયાન જગદીશ મહેતા દ્વારા આદિવાસી સમાજ વિશે જે નિવેદનો કરવામાં આવ્યા છે, જેનાથી સમસ્ત આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને તે કોઈકાળે માફ કરવા લાયક નથી. આથી જગદીશ મહેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
આ પણ વાંચો: સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ
વિવાદ વધતા જગદીશ મહેતાએ માફી માંગી
ગુજરાત સહિત દેશભરમાં હોબાળો થતા જગદીશ મહેતાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરીને માફી માંગી હતી. જો કે તેમાં માફી કરતા વધુ તો લોકો પર દોષનો ટોપલો ઢોળી દેવાની વૃત્તિ વધારે દેખાય છે.
“तुषार चौधरी आदिवासी लगते कहां हैं? आदिवासी तो जंगली और नंगे होते हैं, उनके रहन-सहन अलग होते हैं, काले होते हैं, ऐसे-वैसे होते हैं।” गुजरात के तथाकथित वरिष्ठ पत्रकार कहे जाने वाले जगदीश मेहता द्वारा दिया गया बयान न केवल अमर्यादित है, बल्कि यह भारत के संविधान, सामाजिक न्याय और… pic.twitter.com/AqT2LkGhzx
— Hansraj Meena (@HansrajMeena) July 23, 2025
જગદીશ મહેતા માફી માંગતા વીડિયોમાં કહે છે, “બે-ત્રણ દિવસ પહેલાં ‘નિર્ભયા ન્યૂઝ’ (વિચાર કરો, જે ચેનલની ડિબેટમાં તેઓ છેલ્લાં બે વર્ષથી દર બીજા દિવસે હાજર રહીને મનફાવે તેવા નિવેદનો કરે છે, તેનું સાચું નામ પણ તેને ખબર નથી!)ની એક ડિબેટ પર મેં કહ્યું હતું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા તેમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી. જો કોંગ્રેસ કે કોઈ પણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાની ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા, જે હજુ દુઃખી છે અને એ દુઃખી કેવા પ્રકારના છે તે દર્શાવવા માટે મેં કહ્યું હતું કે હજારો આદિવાસીઓ હજુ એવા છે, જેઓ જંગલમાં જીવે છે, ઉઘાડા પેજ તીર-કામઠાં લઈને ફરે છે, કપડાં ઓછાં પહેરવા મળે છે અથવા કાળા-ભમ્મર છે. એ કોઈ વાનની ટીકા ન હતી, તેમની ગરીબી કેવા પ્રકારની છે, હજુ એ કેટલા વંચિત છે, તેમને વિકાસની કેટલી અધૂરપ છે એ દર્શાવવા માટે કહ્યું હતું.”
દોષનો ટોપલો લોકો પર ઢોળી દીધો
જગદીશ મહેતા વીડિયોમાં આગળ કહે છે, “મેં કહ્યું હતું કે તમે તુષાર ચૌધરીને જુઓ, તેઓ કોઈ એન્ગલથી આદિવાસી લાગે છે? ખરા આદિવાસી તો હજુ મુશ્કેલીમાં જીવે છે. મારો કહેવાનો આશય એ હતો કે કોઈ પણ રાજકીય પક્ષ આદિવાસી સમાજનું ભલું ઇચ્છતા હોય તો તેમણે જે લોકો હજુ ગરીબીમાં જીવે છે તેવા લોકોને આગળ કરવાની જરૂર છે. તેમ છતાં જેટલા આદિવાસી આગેવાનો, ભાઈઓ-બહેનોને લાગ્યું હોય કે મેં આદિવાસીઓની ટીકા કરી છે કે તેમને વિનમ્રતાપૂર્વક કહેવું છે કે સમજણફેર તમારી છે. ટીકા કરે શું કામ? આદિવાસી સાથે અમારે કોઈ વૉટબેન્કનો પ્રશ્ન નથી. અમે પત્રકાર છીએ, અમારે શું મતલબ હોય? આમ છતાં કોઈને લાગતું હોય કે તેમની લાગણી દુભાઈ હોય તો હું ક્ષમાયાચના કરું છું.”
આદિવાસી સમાજ શું કરે છે તેના પર સૌની નજર
આમ માફી માંગવામાં પણ તેમના હાવભાવ અને વર્તનમાં ક્યાંય પણ દુઃખ, ભૂલની લાગણી દેખાતી નથી. ઉલટાનું પોતે જે કહ્યું હતું તે સાચું જ હતું એ ટોનમાં તેઓ પોતે કરેલા જાતિવાદી નિવેદનને સાઈડમાં મૂકીને આખા વિવાદનો દોષ લોકો પર ઢોળી દે છે અને વિરોધ કરનારાઓ પર જ સમજફેરનો આરોપ લગાવી દે છે. આમ, જગદીશ મહેતાએ માફી માંગી લીધી છે પરંતુ તેમનામાં ક્યાંય પણ પશ્ચાતાપનો ભાવ હોય તેમ જણાતું નથી. તેથી આ મામલે આદિવાસી સમાજ તેમને માફ કરે છે કે નહીં તે જોવું રહ્યું.
આ પણ વાંચો: શનિ શિંગણાપુર મંદિરમાં નકલી કર્મચારી બતાવી કરોડોનું કૌભાંડ













સલામ આદિવાસીસમાજની જાગૃતતાને.