ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી ઓબીસી રબારી-ભરવાડ અને ઠાકોર સમાજના લોકોના અનુસૂચિત જાતિ સમાજના લોકો પર હુમલાની ઘટનાઓ વધી છે. છેલ્લાં એક મહિનામાં આ કોમના માથાભારે તત્વો દ્વારા દલિત સમાજના લોકોની હત્યા, જીવલેણ હુમલા અને જાનથી મારી નાખવાની ધમકી આપવી સહિતની અડધો ડઝનથી વધુ ઘટના બની છે.
બે દિવસ પહેલા મહેસાણાના બુડાસણમાં માથાભારે રબારીઓએ મળીને એક દલિત યુવક પર લાકડીઓ અને છરીથી ઘાતક હુમલો કર્યો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હજુ પણ બેભાન છે. એ પહેલા અમરેલી, વીરમગામ અને થાનગઢમાં પણ ભરવાડ અને ઠાકોર સમાજના લોકોએ દલિત સમાજના લોકો પર હુમલા કર્યા હતા. હવે આવી જ વધુ એક ઘટના પાટણ જિલ્લામાં બની છે.

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની ઘટના
પાટણના ચંદ્રુમાણા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના એક ખેડૂતને રબારી સમાજના અસામાજિક તત્વોએ જાતિસૂચક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ પાટણ તાલુકા અનુસૂચિત જનજાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના સભ્ય પ્રબોધ પરમાર પર ત્રણ શખસે હુમલો કર્યો છે. પ્રબોધભાઇએ મંડળીની માલિકીની જમીનમાં ગવારનું વાવેતર કર્યું હતું. પરંતુ બે દિવસ બાદ તેઓ ખેતરની તપાસ કરવા ગયા ત્યારે જોયું કે કોઈએ તેમની જમીન ખેડીને તેમાં નવેસરથી એરંડાનું વાવેતર કરી દીધું હતું. જેના કારણે તેમને 15 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું.
આ પણ વાંચો: કોંગ્રેસના દલિત પ્રમુખને મંદિરમાં જતા રોક્યા, ભાજપ પ્રમુખનું સ્વાગત કરાયું

રબારીઓએ દલિતોની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવ્યો
પ્રબોધભાઈ જ્યારે ખેતરમાં હાજર હતા ત્યારે ત્યાં વિપુલ રબારી, શૈલેષ રબારી અને ભરત રબારી ટ્રેક્ટર, પાવડો અને કોદાળી લઈને આવ્યા હતા. આ તમામ આરોપીઓએ પ્રબોધભાઇને જાતિસૂચક અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ દલિતોની સહકારી મંડળીની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો છે.
એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ
આ મામલે પ્રબોધભાઈ પમારે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં IPC કલમ ૨૯૬(૨), ૩૨૪(૨), ૩૨૯(૩), ૩૫૧(૩), ૫૪ અને એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૧)(એફ), ૩(૨)(૫-એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫નો સમાવેશ થાય છે. સમગ્ર મામલે પાટણ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવામાં મળ ફેંકવા મુદ્દે કલેક્ટર-SPને હાજર થવા આદેશ











*OBC ને કોણ સમજાવશે કે તેઓ બંધારણીય રીતે OBC માં આવે છે! ભલા માણસ સંવિધાનને માનસન્માન સાથે સમજવાની કોશિશ તો કરો? જયભીમ જય સંવિધાન જય ભારત! ધન્યવાદ સાધુવાદ!