Dalit News: બે દિવસ પહેલા મધ્યપ્રદેશના રતલામના એક ગામમાં જાતિવાદી રજપૂતોએ એક દલિત કન્યાની જાન તેમના ઘર પાસેથી પસાર થવા મુદ્દે હુમલો કર્યો હતો. હવે એ જ ગામમાં એક દલિત કન્યાની જાન આવતા ગામના સવર્ણોએ ભેગા મળી વરરાજાના ફૂલહાર પહેરાવી, જાનૈયાઓ પર ફૂલ વેરીને સ્વાગત કર્યું હતું. આ ઘટના એટલા માટે પણ મહત્વની છે, કેમ કે હતુ ત્રણ દિવસ પહેલા જ અહીં જાતિવાદી તત્વોએ એક દલિત કન્યાની જાનને પોતાના ઘર પાસેથી પસાર ન થવા દેવા હુમલો કર્યો હતો. હવે ગામના સવર્ણોએ બીજી જાનને ફૂલહાર પહેરાવી, કન્યાને આશીર્વાદ આપીને રાજીખુશીથી વિદાય આપી છે.
આ ઘટનાની વિગત કંઈક આ પ્રકારની છે. સોમવારે રાત્રે દલિત સુરેશ કટારિયાની પુત્રી રીતુના લગ્ન હતા. જાન જ્યારે પરણીને સોંઢિયા રાજપૂતોની બહુમતી ધરાવતા વિસ્તારમાં પહોંચી, ત્યારે તેમણે દલિતની જાન અહીંથી ન નીકળવી જોઈએ તેમ કહીને વાંધો ઉઠાવ્યો હતો અને જાતિસૂચક અપશબ્દો કહીને જાનને અટકાવી દીધી હતી. એ પછી કન્યાના પરિવારે પોલીસ બોલાવતા પોલીસે પાંચ આરોપીઓ સામે નામજોગ અને અન્ય અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો હતો. આરોપીઓમાંથી પાંચની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદના ઈસનપુર તળાવમાં ડિમોલિશન શરૂ, ગરીબોનો આશરો છીનવાયો
આ ઘટના મીંડલી ગ્રામ પંચાયતમાં આવેલા લખમાખેડી ગામમાં બની હતી, જ્યાં આશરે 150 પરિવારોની વસ્તી છે, જેમાંથી 80% સોંઢિયા રાજપૂત છે. પોલીસ કાર્યવાહી બાદ આ વિવાદ ગામલોકો અને પોલીસની સમજણને કારણે શાંત થઈ ગયો હતો.

એ પછી બુધવારે સવારે 9 વાગ્યે મીનાવડા ગામથી કન્હૈયાલાલ સૂર્યવંશીની જાન લખમાખેડી પરણવા આવી હતી. ત્યારે સોમવારે થયેલા વિવાદને ભૂલીને ગામના સવર્ણોએ સામે ચાલીને આ જાનનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. ગામલોકોએ વરરાજાને ફૂલહાર પહેરાવ્યો હતો અને જાનૈયાઓ પર ફૂલો વરસાવ્યા હતા.
સોમવારની ઘટના બાદ સમાધાનના પ્રયાસો કરાયા
સોમવારે દલિત કન્યાની જાન પર થયેલા હુમલા અંગે ઘણા ગામલોક ચિંતિત હતા. ગામલોકો પણ શાંતિ અને સમાધાન ઇચ્છતા હતા. તેમણે વહીવટીતંત્ર સાથે આ બાબતે ચર્ચા કરી. એ પછી, બધાએ ગામની દીકરીને રાજીખુશીથી વિદાય આપવાનો નિર્ણય લીધો હતો. જ્યારે જાન આવી ત્યારે બધા એક સાથે જોવા મળ્યા.
આ પણ વાંચો: સાહિલ પરમારના કાવ્યસંગ્રહ ‘તળ ભાતીગળ’નો વિમોચન કાર્યક્રમ યોજાયો
કન્યાને ગામલોકોએ આશીર્વાદ સાથે વિદાય આપી
સવારે 9 વાગ્યે મીનવડાથી આવેલી જાનનું સવર્ણોએ ફૂલોથી સ્વાગત કર્યું, ગામની દીકરી રીતુ અને ગામના જમાઈ મીનવાડા નિવાસી કન્હૈયાલાલને સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ આપ્યા અને ભેટસોગાદો આપી. ગામલોકો “બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ” ગીત ગાતા ગાતા લગ્ન સમારોહમાં જોડાયા હતા.
વરકન્યાને મંદિરમાં દર્શને લઈ ગયા, જય ભીમના નારા લાગ્યા
ગામલોકો વર-કન્યા અને જાનને સ્થાનિક રામજી મંદિરની મુલાકાતે લઈ ગયા હતા. અહીં “જય શ્રી રામ”, “ભારત માતા કી જય” અને “જય ભીમ” ના નારા લગાવ્યા હતા. આ સાથે જ ગામમાં બે દિવસ પહેલા ફેલાયેલી કડવાશ ભૂલાઈ ગઈ હતી. આનાથી બધાના ચહેરા પર સ્મિત આવી ગયું. સૌએ સાથે મળીને નાસ્તો કર્યો. રિતુ સાથે વરરાજાએ સાત ફેરા ફરી લગ્ન કર્યા. એ પછી ગામલોકોએ મળીને વર-કન્યા સહિતની જાનને ભેટસોગાદો આપીને વિદાય આપી. આ સમગ્ર લગ્નપ્રસંગ દરમ્યાન પોલીસ તૈનાત રહી હતી.
આ પણ વાંચો: ધર્માંધ અને ભીડપ્રેમી ભારતમાં ક્રાઉડ મેનેજમેન્ટ ક્યારે?
ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા
આ લગ્ન સમારોહ દરમિયાન અધિક પોલીસ અધિક્ષક વિવેક કુમાર, એસડીઓપી સંદીપ માલવિયા, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સ્વરાજ ડાભી, આઉટપોસ્ટ ઇન્ચાર્જ કુલદીપ ડાભી, એસડીએમ સુનીલ જયસ્વાલ અને અન્ય ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા. સરપંચના પ્રતિનિધિ તેજ સિંહ પંવાર, ભૂતપૂર્વ સરપંચ રામ સિંહ, દિગ્પાલ સિંહ, રાજીવ લોચન ઠાકુર, નેપાળ સિંહ ડોડિયા, ગોપાલ સિંહ ઠાકુર અને ભીમ આર્મીના મોહન પરમાર સહિત દલિત સમાજના ઘણા સભ્યો અને ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.
અગાઉ થયેલા હુમલાના ગુનેગારોને કડક સજા કરાવીશુંઃ એસએચઓ
સ્થાનિક પીઆઈ સ્વરાજ ડાભીએ જણાવ્યું હતું કે, અગાઉ દલિત કન્યાની જાન પર હુમલો કરી દાદાગીરી કરનાર એકેયને છોડવામાં નહીં આવે. તેમને કડકમાં કડક સજા થાય તે માટે અમે પ્રયત્નો કરીશું. જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમની ધરપકડ કરવામાં આવી છે. ગુનેગારોને સજા કરવામાં આવશે. સમગ્ર ગામે સકારાત્મક સંદેશ આપ્યો છે. તેમણે અમને ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ નહીં બને.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા












