Dalit news: લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ જાતિવાદી તત્વોની દાદાગીરી પણ શરૂ થઈ ગઈ છે. આવી જ એક ઘટનામાં બે દલિત વરરાજાની 200 જેટલા પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે જાન નીકળી હતી. કેમ કે, ગામના જાતિવાદી રજપૂતોએ બંને દલિત વરરાજાની જાન પર હુમલો કરવાની ધમકી આપી હતી. બંને દલિત વરરાજા ઘોડા પર સવાર થયા હતા અને પોલીસની સુરક્ષા વચ્ચે બારાત લઈને પહોંચ્યા હતા. રજપૂતોની ગુંડાગર્દી એટલી બધી હતી કે, ગામમાં વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
મામલો ખાપ પંચાયતો અને જાટ-રજપૂત જેવી સવર્ણ હિંદુ જાતિના લોકોની દાદાગીરી માટે કુખ્યાત થયેલા હરિયાણાનો છે. અહીંના મહેન્દ્રગઢમાં બે કોમ વચ્ચેના તણાવને કારણે લગ્ન સમારોહમાં પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી હતી. લગ્નની જાનમાં પોલીસ કર્મચારીઓ જાનૈયા બન્યા હતા. બે દલિત યુવકોના લગ્ન થવાના હતા અને રાજપૂતોએ તેમના લગ્નમાં હુમલો કરવાની ધમકી આપી હતી. જેના કારણે બંને યુવકોના પરિવારોએ સંભવિત અથડામણને ટાળવા માટે પોલીસ સુરક્ષાની માંગ કરી હતી.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, તલવાણાના રહેવાસી સુરેન્દ્રના ભત્રીજા અને રાજેન્દ્રના પુત્ર રવિ અને અજયના લગ્ન હતા, જાન તલવાણાથી રાજસ્થાનના બાસણી જવાની હતી. જો દલિત વરરાજા ઘોડી પર બેસશે તો જાતિવાદી રજપૂતો વરરાજા અને જાનૈયાઓ પર હુમલો કરશે તેવી આશંકા હોવાથી વરરાજાના પરિવારે પોલીસ અને વહીવટીતંત્રને પહેલાથી જ જાણ કરી દીધી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કનિણા સદર પોલીસ સ્ટેશનના એસએચઓ, ડીએસપી દિનેશ કુમાર અને મહેન્દ્રગઢથી વધારાની પોલીસને ગામમાં તૈનાત કરવામાં આવી હતી. એટલું જ નહીં ડાયલ 112 ટીમ પણ હાજર હતી.

પરિવારના જણાવ્યા મુજબ, રજપૂત જાતિના કેટલાક માથાભારે તત્વોએ દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ પોલીસની હાજરી હોવાથી તેમની દાદાગીરી સોંસરી નીકળી ગઈ હતી અને આખો લગ્ન પ્રસંગ કોઈપણ પ્રકારના વિક્ષેપ વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
આ પણ વાંચો: હું દલિત છું એટલે રામમંદિરના ધજારોહણમાં ન બોલાવ્યો’
દલિત સમાજના લોકોનું કહેવું છે કે, ગામમાં પહેલા પણ આવી ઘટનાઓ બની છે, તેથી જ આ વખતે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. બપોરે 3:30 વાગ્યાની આસપાસ, વરરાજા રવિ અને અજયને પોલીસ સુરક્ષા હેઠળ ઘોડી પર બેસાડીને બહાર કાઢવામાં આવ્યા હતા.
એ સમય દરમિયાન, પરિવારના સભ્યો અને સંબંધીઓએ ડીજેના તાલે મન મૂકીને ડાન્સ કર્યો હતો. વરઘોડો નીકળ્યા પછી પોલીસ અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. યુવકોના પરિવારે પોલીસની કામગીરીને લઈને તેમનો આભાર માન્યો હતો.
કનીણા સદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સજ્જન કુમારે જણાવ્યું હતું કે બંને દલિત વરરાજાના પરિવારોએ વ્યક્ત કરેલા રાજપૂતોના હુમલાના ભયને ધ્યાનમાં રાખીને પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી સમગ્ર લગ્ન પ્રસંગ શાંતિપૂર્ણ રીતે અને કોઈપણ સંઘર્ષ વિના સંપન્ન થયો હતો.
આ પણ વાંચો: દલિત કન્યાની જાનનું સમસ્ત ગામે ફૂલ પાથરી સ્વાગત કર્યું










