બોલીવૂડના ‘જાતિવાદની પોલ ખોલનાર’ વિજય રંચનની વિદાય

બોલીવૂડ પર મનોરંજક નહીં પરંતુ નક્કર વિશ્લેષણ સાથેના પુસ્તકો આપનાર નિવૃત્ત IAS વિજય રંચનનું નિધન.
Vijay Ranchan

ગુજરાતમાં બહુજન સમાજને જે પ્રકારના નક્કર વાંચનની જરૂર છે તે પુર્ણ કરવામાં મજબૂત યોગદાન આપનાર નિવૃત્ત સનદી અધિકારી વિજય રંચન(Vijay Ranchan)નું 84 વર્ષની પાકટ વટે ગાંધીનગર ખાતે નિધન થઈ ગયું. હજુ ગત 12 ડિસેમ્બરે, ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે તેમના 18માં પુસ્તક  ‘बॉलिवुडस्य लिंगांत : LGBTQIA+पर विमर्श’ (બોલિવુડમાં ટ્રાસજેન્ડર, લેસ્બિયન, સમલૈંગિક, બાયસેક્સ્યુઅલ, એસેસ્ક્યુઅલ,  કિન્નર, હીજડા જેવા ઉપેક્ષિત વર્ગ પર બનેલી 100 થી વધુ ફિલ્મોની તપસીલ કરતું પુસ્તક) નો લોકાર્પણ સમારોહ ગણ્યમાન અતિથિઓ-શ્રોતાઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

એ દરમિયાન એમણે ખુદ પણ એ પુસ્તક વિશેની પોતાની કેફિયત રજૂ કરી હતી, તે ગુજરાતના પૂર્વ સનદી અધિકારી, કલા,સાહિત્ય, સંગીત, સંસ્કૃતિના વિવિધ ક્ષેત્રોના અભ્યાસુ લેખક તેમજ ભારતીય ફિલ્મ ઉદ્યોગ કહેતા ‘બોલીવૂડ’ના અવનવા પાસાંઓ પર 10 જેટલા દળદાર પુસ્તકો આપી ગયેલા, ગાંધીનગર નિવાસી વિજય રંચન 84ની આયુએ, 18 ડિસેમ્બરે આપણી વચ્ચેથી વસમી વિદાય લઈ ગયા છે.

આ પણ વાંચો: બંધારણની આ 10 કલમો દરેક ભારતીયને ખબર હોવી જોઈએ

સિનેમાનિર્માણ અને પ્રદર્શિત થતી ફિલ્મોની સંખ્યાની દષ્ટિએ ભારત વિશ્વભરમાં પ્રથમ ક્રમાંકે છે, એના કરોડો દર્શકો-ચાહકો છે અને એમાં બોલીવૂડનો ડંકો વાગે છે, તે છતાં કહે છે કે મૂક ફિલ્મોથી બોલતી ફિલ્મો સુધીની તેની સફરમાં બનેલી અગણિત ફિલ્મોની પ્રિન્ટ્સ આપણે સાચવી શક્યા નથી અને પરિણામે તેનો સાચો ઈતિહાસ લખવામાં ફિલ્મ સંશોધકો-અભ્યાસુઓને પારાવાર તકલીફો-અડચણોનો સામનો આજે પણ કરવો પડે છે.

આ સ્થિતિમાં ‘बोलीवुड और रामकथा’, ‘बोलीवुड का राष्ट्रवाद’, ‘बोलीवुड के अतिरिक्त : हिन्दी फिल्मों में दलितविमर्श’, ‘बॉलिवुड का किस्सा-ए-हिन्दी’, ‘बोलीवुड की नारीगाथा’, ‘बोलीवुड का गुमशुदा मुसलमान’, ‘हिन्दी साहित्य का सिनेमाकरण’, ‘The story of Bollywood Song’, ‘The Genius of Master Madan’, ‘All the way Kundalal Sahgal’ અને ગુજરાતી ફિલ્મોના આરંભથી આજ સુધીની ગતિ-પ્રગતિને તપાસતાં લખાયેલા ‘કંકુ થી કસુંબો’ જેવા દળદાર – અભ્યાસપૂર્ણ પુસ્તકોના આલેખન કરતાં વિજય રંચન સાહેબે, ગુજરાત સરકારમાં અધિક મુખ્ય સચિવના વરિષ્ઠ પદેથી નિવૃત્ત થયા પછીના બે-અઢી દાયકા સુધી ફિલ્મો સંબધિત અભ્યાસ અર્થે જાતને જાણે કે સમર્પિત કરી દીધી હતી. હજ્જારો ફિલ્મોને ભારે જહેમત ઉઠાવીને-મેળવીને, એકથી વધુવાર તેને જોઈને તેમણે જે લેખનકાર્ય કર્યું છે, તેને અભૂતપૂર્વ લેખનકાર્ય જ કહેવું રહ્યું.

એવું બને કે, એમણે પુસ્તકોમાં જેનો ઉલ્લેખ કર્યો હોય એ ફિલ્મો આપણે જોઈ પણ હોય, તે છતાં એમને વાંચ્યા પછી, એમના દ્રષ્ટિકોણથી જે તે ફિલ્મ આપણને ફરીથી જોવાની ઈચ્છા જાગતી. એમના બોલીવૂડની ફિલ્મો પરના લખાણોમાં તેઓ માત્ર એ ફિલ્મોનું અવલોકન કે અભિપ્રાય જ નહોતા રજૂ કરતા, એ ફિલ્મો સાથે એની મૂળ કથા-પટકથા, એ સમયના વિશિષ્ટ સંજોગો વગેરેનો તલસ્પર્શી અભ્યાસ એનાં તમામ પાસાંઓને આવરીને રજૂ કરતા હતા. બની શકે કે, ભારતીય ફિલ્મોના સમુદ્રમાંથી ચોક્કસ વિષય પર વિમર્શ હાથ ધરતા કેટલીક ફિલ્મો છૂટી પણ ગઈ હોઈ શકે, તો પણ હજ્જારો ફિલ્મોમાંથી તારવીને એના પર બૃહદ લેખનનું વિજય રંચનનું કાર્ય કોઈ સમુદ્રમંથનથી કમ નહીં રહ્યું હોય.

આ પણ વાંચો: પ્રિન્સિપાલે ધમકાવતા આદિવાસી વિદ્યાર્થી સ્કૂલના ત્રીજા માળેથી કૂદી ગયો

બોલીવુડ પરના લેખનમાં તો તેમને સવિશેષ રસ-રૂચિ રહી જ, પણ તે સાથે જ બોલીવૂડ સંબધિત નહીં એવા વિષયો પર પણ તેમણે ગંભીર અને વિચારોત્તજક પુસ્તકો આપ્યા છે. બે-એક વર્ષ પહેલાં ગંભીર બીમારીમાં પટકાયા પછી, જાણે કે મૃત્યુને મળીને પાછા આવ્યા હોય એમ એમણે મૃત્યુગીતોનો આખો કાવ્યસંગ્રહ ‘मृत्युबोध’ આપ્યો. વધુ બે કાવ્યસંગ્રહો ‘मछंदर गान’ અને ‘बारामासी नगरी’ સાથે તેમણે  ‘राम नाम सत्’ , ‘धर्म’, ‘राजनीति’, ‘कृष्ण पक्ष’ , ‘एवं श्रृतं’ જેવા પુસ્તકો આપ્યા જે તેમના ગહન ચિંતન અને ઊંડી અભ્યાસ દષ્ટિના પરિચાયક બની રહ્યા છે.

ભાષા ઉર્દૂના પણ અચ્છા જાણકાર વિજય રંચન કે જેમણે પોતાની નિશ્રામાં દેશના અગ્રીમ ક્લાસિકલ સિંગર્સના કાર્યક્રમ અમદાવાદ-ગાંધીનગરમાં કર્યા તેઓ ‘સપ્તક’ સાથે પણ ઘનિષ્ટતાથી સંકળાયેલા હતા. ગાંધીનગરના સીટી પલ્સના અશોક પુરોહિત સાથે મળીને પણ તેમણે ભારતીય ફિલ્મો પરના અનેક કાર્યક્રમો કર્યા.

ગુજરાત કેડરની 1967 બેચના આ IAS અધિકારીએ નિવૃત્ત થયા બાદ કલમને શરણે જવાનું પસંદ કર્યું હતું અને પદને પાછળ છોડી દીધું હતું. એમના એકેય પુસ્તકમાં એમના નામ પાછળ ક્યારેય IAS નહીં લખીને, કેવળ પોતાના શબ્દને સહારે ભારતીય સાહિત્ય જગતમાં તેમણે તેમની આગવી આભા ઊભી કરી હતી.

આ પણ વાંચો: સેન્સરની કાતર જાતિવાદ ઉજાગર કરતી ફિલ્મો પર જ કેમ ચાલે છે?

સિમલાના મૂળ વતની, પંજાબ યુનિવર્સિટીના સ્નાતક અને દેશના સાંસ્કૃતિક વર્તુળોમાં જાણીતું નામ એવા વિજય રંચનના ભારતીયો ફિલ્મોના અગાધ જ્ઞાનને કારણે દેશભરમાં તેમના વાર્તાલાપો યોજાતા રહ્યા હતા.

ઈતિહાસકાર અને સંશોધક વિજય રંચનને  દેશની ખ્યાતિપ્રાપ્ત સાહિત્ય પત્રિકાએ એના ભારતીય ફિલ્મો પરના વિશેષાંકને એમની આગેવાનીમાં – એમના જ માનદ સંપાદકે પ્રકાશિત કરવાનું કામ સોંપ્યું હતું, તે પૂર્ણ કરીને રંચને તે પત્રિકાને સોંપી પણ દીધું હતું, ને એ હવે પ્રકાશિત થાય તે પહેલા તેઓ અણધારી વિદાય લઈ ગયા છે.

ગાંધીનગરમાં સેક્ટર-8 ના તેમના નિવાસસ્થાનેથી સેક્ટર-30 ના મુક્તિધામ સુધીની 19 ડિસેમ્બરે સવારે નીકળેલી અંતિમયાત્રામાં એમના પરિવારજનો, વરિષ્ઠ નિવૃત્ત અને પ્રવૃત્ત સનદી અધિકારીઓ, ચાહકો સૌ જોડાયા હતા. વિજય રંચન સાહેબ તેમની વિદાયથી સહધર્મચારિણી ગીતાબેન, પુત્રીઓ તુષિતા – રાશિકા  અને એમના શબ્દના અનેકાનેક ચાહકોને વિલાપ કરતા છોડી ગયા છે.

આ પણ વાંચો: ‘આતંકવાદ અને જાતિવાદ એક જેવા’ કહેનાર શિક્ષકને DEOનું તેડું

વિજય રંચન સાહેબની અંતિમ ઈચ્છાનુસાર, તેમની પાછળ કોઈ શોકસભા કે અન્ય વિધિનું આયોજન નહીં રાખતા, તેમના કાર્યરત જીવન અને અસરદાર શબ્દનું ગૌરવગાન કરવાને ‘જીવનોત્સવ : વિજય રંચન’ જેવા કોઈ કાર્યક્રમનું તેમના પરિવારનું આયોજન છે.

સર્વહારા, પીડીત-દલિત વર્ગ પ્રતિની પૂર્ણ સંવેદનશીલતા સાથે સાહિત્યસર્જનમાં સક્રિય પહેલા પ્રવીણ ગઢવી અને હવે વિજય રંચન (સંયોગથી  બંને નિવૃત્ત વરિષ્ઠ સનદી અધિકારીઓ અને બંને ગાંધીનગરનિવાસી) ની વિદાયથી સાહિત્યજગતને પડેલી ખોટ તો બહુ મોટી છે જ, કિન્તુ આ બંને સર્જકોના જવાથી દલિત સાહિત્યે પણ તેના પ્રખર સમર્થકો ગુમાવ્યા છે. વિજય રંચન સાહેબને વિનમ્ર શ્રધ્ધાસુમન.

અહેવાલઃ નટુભાઈ પરમાર-ગાંધીનગર.(લેખક નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક છે.)

આ પણ વાંચો: હિન્દી ફિલ્મોમાં હીરોની જાતિ હંમેશા ‘સવર્ણ’ જ કેમ હોય છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x