ગાયિકા આરતી સાંગાણીના પ્રેમલગ્ન મુદ્દે પટેલોએ હોબાળો મચાવ્યો

પાટીદાર ગાયિકા આરતી સાંગાણીએ તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કરતા પટેલ સમાજ વિરોધમાં ઉતર્યો.
Aarti Sangani

ગુજરાતમાં હાલ આંતરજાતિય લગ્નો સામે જાતિવાદી તત્વો માથું ઉચકી રહ્યા છે. અગાઉ પણ પાટીદાર સમાજના લોકોએ તેમના સમાજની દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરે તેના વિરોધમાં કાયદો ઘડવા સરકાર પર દબાણ કર્યું હતું. એ પછી બ્રાહ્મણોએ ગાયિકા કિંજલ દવેના આંતરજ્ઞાતિય લગ્ન સામે તેને નાતબહાર મૂકી હતી. હવે વધુ એક ગાયિકાના પ્રેમલગ્નને લઈને હોબાળો મચ્યો છે.

સુરતની જાણીતી પાટીદાર લોકગાયિકા આરતી સાંગાણી પ્રેમલગ્ન વિવાદ હાલ સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આરતી સાંગાણીએ પોતાની સાથે કામ કરતા તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કરીને સંસાર માંડ્યો છે, પરંતુ આ નિર્ણયથી પાટીદાર સમાજનો એક ચોક્કસ વર્ગ રોષે ભરાયો છે.

સોશિયલ મીડિયા પર આ લગ્નને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં કેટલાક લોકો કલાકારના અંગત જીવનના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે, તો કેટલાક લોકો સામાજિક પરંપરાઓના નામે વિરોધ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ગાયિકાએ મૌન તોડીને વિરોધ કરનારાઓને રોકડું પરખાવ્યું છે.

આ પણ વાંચો: પગાર ન થતા બાંકે બિહારી મંદિરના રસોઈયાએ ઠાકુરજીને ભૂખ્યા રાખ્યાં

આરતી સાંગાણીએ વીડિયો બનાવી મૌન તોડ્યું

તબલા વાદક દેવાંગ ગોહેલ સાથેના આ આરતી સાંગાણીના પ્રેમલગ્ન વિવાદમાં ગાયિકાએ એક ભાવુક વીડિયો જાહેર કરીને પોતાની વાત રજૂ કરી છે. વીડિયોમાં આરતીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, શું એકબીજાને પ્રેમ કરવો એ કોઈ ગુનો છે? તેણે સમાજના એવા અગ્રણીઓ પર નિશાન સાધ્યું છે જેઓ એક તરફ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના નારા લગાવે છે, પરંતુ જ્યારે એ જ દીકરી પોતાના જીવનસાથીની પસંદગી કરે છે ત્યારે તેને તે હક આપવામાં આવતો નથી. આરતીએ સ્પષ્ટ કર્યું છે કે, તે અને દેવાંગ એકબીજા સાથે ખૂબ જ ખુશ છે અને સમાજે તેમની આઝાદી અને પસંદગીના અધિકારનો સ્વીકાર કરવો જોઈએ.

કિંજલ દવે સાથે થયેલા વિવાદની યાદ તાજી કરી

આ ઘટનાએ ગાયિકા કિંજલ દવે સાથે થયેલા વિવાદની યાદ તાજી કરી દીધી છે. કિંજલ દવે અને ધ્રુવીન શાહના મામલે પણ જે રીતે સામાજિક બહિષ્કાર અને ટીકાઓ થઈ હતી, તેવો જ કંઈક માહોલ આ પ્રેમલગ્ન વિવાદમાં જોવા મળી રહ્યો છે. કિંજલ દવેએ પણ અગાઉ કહ્યું હતું કે, કલાકાર હોવાની સાથે તે એક સામાન્ય દીકરી પણ છે અને તેને પણ સુખી થવાનો પૂરેપૂરો હક છે. આરતી સાંગાણીના કિસ્સામાં પણ એવું જ જોવા મળ્યું છે કે, સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ્સ અને રીલ્સ દ્વારા કલાકારને ટ્રોલ કરી રહ્યા છે, જેની સામે તેણે વીડિયો બનાવી પોતાની વેદના ઠાલવી છે.

આ પણ વાંચો: પ્રેમીપંખીડા માટે માઠા સમાચાર, લગ્ન કાયદામાં ફેરફાર થશે

વીડિયોમાં આરતી સાંગાણીએ શું કહ્યું

આ વીડિયોમાં આરતી સાંગાણીએ જણાવ્યું છે કે, તેણે અત્યાર સુધી તમામ 18 વર્ણના લોકોનો સાથ-સહકાર મેળવ્યો છે અને તેને આશા છે કે આગળ પણ મળતો રહેશે. જોકે, તેણે નમ્રતાપૂર્વક એમ પણ ઉમેર્યું કે, જો તેના આ કાર્યથી કોઈની લાગણી દુભાઈ હોય તો તે દિલથી માફી માંગે છે. આ આરતી સાંગાણી પ્રેમલગ્ન વિવાદમાં ગાયિકાએ ખાસ કરીને યુવા પેઢીને અપીલ કરી છે કે તેઓ પરિવર્તનને સમજે. ગાયિકાનો દાવો છે કે તેઓ બંને પુખ્ત વયના છે અને કાયદેસર રીતે એકસાથે રહેવાનો તેમને હક છે.

મારા અંગત જીવનમાં દખલ ન કરોઃ આરતી સાંગાણી

સમાજ અને કલાકાર વચ્ચેના આ ઘર્ષણમાં પ્રેમલગ્ન વિવાદ દિવસેને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. જે રીતે પાટીદાર સમાજની અંદર આ લગ્ન વિશે ચર્ચાઓ ચાલી રહી છે, તે જોતા લાગે છે કે, આવનારા દિવસોમાં સામાજિક સ્તરે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. જોકે, આરતી અને દેવાંગે સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ પોતાની નવી જિંદગીની શરૂઆત કરી ચૂક્યા છે અને લોકોની નકારાત્મક ટિપ્પણીઓથી તેમને કોઈ ફર્ક પડતો નથી. તેઓ ઈચ્છે છે કે, લોકો તેમના અંગત જીવનમાં દખલ કરવાને બદલે તેમની કલાને પ્રોત્સાહન આપે.

પાટીદાર સમાજ ખુદ આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરે છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પાટીદાર સમાજમાં કન્યાઓની ભારે અછત છે. જેના કારણે આ સમાજના યુવકો આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરે છે. ત્યાં તેમને કોઈ જ્ઞાતિ-જાતિ નડતી નથી. પરંતુ પાટીદાર યુવતી અન્ય સમાજમાં લગ્ન કરે ત્યાં તેમને વાંધો છે. આ નર્યો તકવાદ છે.

આ પણ વાંચો: કિંજલ દવેનો જાતિવાદી તત્વોને જવાબ, કહ્યું, ‘કાયદેસર પગલા લઈશ’

અલ્પેશ કથીરિયાએ આરતી સાંગાણીની ઝાટકણી કાઢી

આ મામલે સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આરતી સાંગાણીની ઝાટકણી કાઢી હતી. તેણે કહ્યું કે, આરતીના માતા-પિતા છેલ્લા 10 દિવસથી પોતાની દીકરી માટે અત્યંત ચિંતામાં છે. ગત 17મી ડિસેમ્બરના રોજ આરતીના પિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં દીકરી ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, દુઃખદ બાબત એ છે કે દીકરી પ્રત્યક્ષ રીતે માતા-પિતા સાથે વાત કરવાને બદલે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પોસ્ટ કરીને જવાબો આપી રહી છે, જે પરિવાર માટે આઘાતજનક છે.

આરતીની સફળતા સમાજ અને પરિવારને આભારેઃ અલ્પેશ કથીરિયા

અલ્પેશ કથીરીયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આરતી આજે જે સ્ટેજ અને જે લેવલ પર પહોંચી છે, તેની પાછળ માત્ર તેની મહેનત નહીં પરંતુ તેના માતા-પિતા અને સમાજનો સિંહફાળો છે. જ્યારે વ્યક્તિ સમાજમાં કોઈ ચોક્કસ હોદ્દા કે સ્થાન પર હોય છે, ત્યારે તેના દ્વારા લેવાતા નિર્ણયોની સમાજ પર શું અસર થશે, તે વિચારીને પગલું ભરવું જોઈએ. અલ્પેશ કથીરીયાના મતે, હાલ જે ઘટના સામે આવી છે તેમાં પાટીદાર દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે.

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરો?: અલ્પેશ કથીરિયા

અંતમાં અલ્પેશ કથીરીયાએ પ્રેમલગ્નમાં માતા-પિતાની સહીના કાયદાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવા કિસ્સાઓને કારણે જ પાટીદાર સમાજ સહિત 18 વર્ણના સમાજો સરકાર પાસે પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવતા કાયદાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સામાજિક વ્યવસ્થા જાળવવા માટે આ કાયદો કેટલો જરૂરી છે.

‘પટેલ સમાજમાં બહુ રોષ છે, બહુ વિરોધ છે’

આ અંગે હિરેન ભેસાણીયા નામના પાટીદાર સમાજના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, આરતી સાંગાણીનો જે વિવાદ ચાલી રહ્યો છે, જે અન્ય સમાજમાં લગ્ન કરીને ભાગી ગઈ છે, જેથી પટેલ સમાજમાં બહુ રોષ છે, બહુ વિરોધ છે. સોશિયલ મીડિયા દ્વારા એટલું જાણવા મળ્યું છે કે આરતી સાંગાણીને પટેલ સમાજમાંથી બહિષ્કાર કરો, એને પટેલ સમાજના કાર્યક્રમમાં બોલાવો નહીં. પટેલ સમાજના જ્યાં પણ કાર્યક્રમ હોય, ત્યાં જઈને પ્રોગ્રામમાં વિરોધ કરો, પ્રોગ્રામ બંધ કરાવો. આટલો પટેલ સમાજમાં સોશિયલ મીડિયા દ્વારા રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: કિંજલ દવેએ આંતરજ્ઞાતિય સગાઈ કરતા સામાજિક બહિષ્કાર કરાયો

5 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x