કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ પર પોલીસનો લાઠીચાર્જ

કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ પર પોલીસે લાઠીચાર્જ કરી દીધો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓની ભારે ભીડ ઉમટી પડી છે.
cjp-sansad-march-delhi-police-lathicharge
cjp-sansad-march-delhi-police-lathicharge

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, નીટ (NEET) પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ અને શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતાની માંગ સાથે 20 જૂનથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. 20 જુલાઈ 2026 ના રોજ સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સીજેપી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે અને તેમના સમર્થકોએ સંસદ ભવન તરફ માર્ચ કરવાની જાહેરાત કરી હતી.

પર્યાવરણ અને શિક્ષણ કાર્યકર્તા સોનમ વાંગચુક પણ આ આંદોલન સમર્થનમાં સતત ઉપવાસ પર હતા. 18 જુલાઈના રોજ દિલ્હી પોલીસે તબિયત લથડતાં વાંગચુકને જંતર-મંતરથી ઉપાડીને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાંથી જ એક સંદેશ જાહેર કરીને વાંગચુકે આ માર્ચને ‘ભારતનું બીજું સ્વતંત્રતા આંદોલન’ ગણાવ્યું હતું અને દેશવાસીઓને શાંતિપૂર્ણ રીતે જોડાવા અપીલ કરી હતી.

પોલીસે લગાવી કલમ 163, મેટ્રો અને ઈન્ટરનેટ સેવાઓ પ્રભાવિત

દિલ્હી પોલીસે આ માર્ચ માટે કોઈ અધિકૃત મંજૂરી આપી નથી. સુરક્ષાના કારણોસર નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 (જૂની કલમ 144) લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર અને વિરોધ સરઘસ પર પ્રતિબંધ છે.

દિલ્હી સેન્ટ્રલમાં ઈન્ટરનેટ બંધ કરાયું

સેન્ટ્રલ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા જંતર-મંતર અને સંસદ નજીકના 5 મહત્વપૂર્ણ મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવાયા છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જંતર-મંતરથી સંસદ તરફ જતા રસ્તાઓ પર મલ્ટિ-લેયર બેરિકેડિંગ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચના સમર્થનમાં હજારો લોકો ઉતર્યા

જંતર-મંતર પર લાઠીચાર્જ અને ઘર્ષણની સ્થિતિ

જંતર-મંતર ખાતે 20,000 થી વધુ પ્રદર્શનકારીઓ એકઠા થયા છે. સવારે 9 વાગ્યે જ્યારે આંદોલનકારીઓએ પટેલ ચોક તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે દિલ્હી પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે તીવ્ર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી છે.
ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. CJP ની ટીમ અને સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોએ તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અને ઉશ્કેરણીમાં ન આવવાની પુનઃ અપીલ કરી છે.

રાજકીય નેતાઓ અને હસ્તીઓનું સમર્થન

આ આંદોલનને વિપક્ષી નેતાઓ અને નાગરિક સમાજ તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આઝાદ સમાજ પાર્ટીના વડા અને સાંસદ ચંદ્રશેખર આઝાદ, અભિનેતા પ્રકાશ રાજ, અભિનેત્રી શબાના આઝમી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને આ આપ નેતા મનીષ સિસોદિયાએ જંતર-મંતર પહોંચીને પ્રદર્શનકારીઓને પોતાનું સમર્થન આપ્યું છે.

દરમિયાન, કેન્દ્ર સરકારે આંદોલનકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. દિલ્હી પોલીસના ડીસીપી આ વાટાઘાટોની મધ્યસ્થતા કરી રહ્યા છે. જોકે, CJP ના સભ્યોએ જિલ્લા મેજિસ્ટ્રેટ કે સચિવ સ્તરની બેઠક અસ્વીકાર કરી છે અને વડાપ્રધાન અથવા કેબિનેટ મંત્રી સ્તરની સીધી વાતચીતની માંગ પર અડગ રહ્યા છે. શિક્ષણ પ્રણાલીમાં જવાબદેહી અને પરીક્ષા સુધારાની માંગ સાથે શરૂ થયેલું આ વિરોધ પ્રદર્શન હવે દિલ્હીમાં એક મોટો રાજકીય અને સામાજિક મુદ્દો બની ગયું છે.

આ પણ વાંચોઃ કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ શરૂ, ચંદ્રશેખર આઝાદ પણ પહોંચ્યાં

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
0
Would love your thoughts, please comment.x
()
x