બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણ અભી બોલા, અભી ફોક જેવી સ્થિતિ સામે આવી છે. ઠાકોર સમાજે બંધારણ બનાવ્યાને એક અઠવાડિયું પણ થયું નથી ત્યાં સમાજના જ એક કલાકારે ડીજે સાથે વરઘોડો કાઢી તેનો છડેચોક ભંગ કર્યો હતો. બનાસકાંઠાના ડીસાના જાબડિયામાં ઠાકોર સમાજના બંધારણનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું. એક ઠાકોર પરિવારે સમાજના બંધારણનું ઉલ્લંઘન કર્યું. કલાકાર ગબ્બર અને અર્જૂન ઠાકોરે સમાજના બંધારણનો અનાદર કરીને ડીજે પર પ્રતિબંધ છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. ત્યારે હાલ સમાજના અગ્રણીઓ આ મુદ્દે નારાજ થયા છે, અને પરિવાર પર એક્શન લેવાના મૂડમાં આવી ગયા છે. બંધારણ તૂટતાં ઠાકોર સમાજે સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો અને કોમેન્ટ કરી તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
મહત્વનું છે કે, બે દિવસ પહેલા જ રાજ્ય સરકારમાં મંત્રી એવા સ્વરૂપજી ઠાકોરના ઘરે પણ લગ્ન પ્રસંગ હતો.. તેમણે સમાજના બંધારણ પ્રમાણે એકદમ સાદાઈથી લગ્ન પ્રસંગ કર્યો હતો. કોઈ પણ ખોટા ખર્ચા કે દેખાડા વગર પરિવારમાં બે દિકરીના લગ્ન કરાવ્યા.. તેમણે સમાજના બંધારણનું પૂર્ણ પાલન કરીને એક સંદેશ આપ્યો.. બીજી તરફ કલાકાર ગબ્બર અને અર્જૂન ઠાકોર બંધારણનો અનાદર કરતા લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો: મનરેગાના બે દાયકા: પડકારો અને પ્રાસંગિકતા
અર્જુન ઠાકોરે શું કહ્યું?
ડીસાના જાંબડીયા ગામે કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે બંધારણ તોડવા મામલે અર્જુન ઠાકોરની સ્પષ્ટતા આવી છે. અર્જુન ઠાકોરે કહ્યું કે, અમે કોઈ જ બંધારણ તોડ્યું નથી.જે બંધારણના 16 મુદ્દાઓ છે તે એકવાર વાંચી જુઓ. અમે એકપણ નિયમ તોડ્યો નથી. અમારા વિરોધીઓએ વીડિયો બનાવ્યો છે, પણ અમે કોઈ નિયમ નથી તોડ્યો. ઠાકોર સમાજના બંધારણ તોડીને ઉલ્લંઘન કરવાના મુદ્દે આવતીકાલે બપોરે 1 કલાકે સમાજના આગેવાનો, બંધારણસભાાના સભ્યો ગામની મુલાકાત લેશે. જાબડીયા ગામે બંધારણનું ઉલ્લંઘ કરનાર પરિવારની મુલાકાત લેવામાં આવશે. બંધારણના ઉલ્લંઘનને કડક હાથે ડામી દેવાશે. જરૂર પડે સમાજ બહાર મુકવાનો નિર્ણય લેવાઈ શકે છે.

ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પર કાર્યવાહી કરાશે
ડીસાના જાબડીયા ગામના ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નામના કલાકારોએ પોતાના પરિવારના પ્રસંગમાં ડીજે વગાડીને બંધારણનો ઉલ્લંઘન કરવા મામલે ઠાકોર સમાજના આગેવાન મુકેશ ઠાકોરનું નિવેદન આવ્યું છે. તેઓએ કહ્યું કે, ગઈકાલે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે પોતાના ઘરે પ્રસંગમાં ડીજે વગાડીને બંધારણનું ઉલઘન કર્યું છે જેને લઈને ઠાકોર સમાજના રોષ છે. બંધારણનો ચુસ્ત અમલ થાય તેના પ્રયત્નો કર્યા છે, જેને લઈને બંધારણ પછી અનેક પરિવારમાં પ્રસંગો થયા તેમને બંધારણનું અમલ કર્યું છે.
આ પણ વાંચો: આજે નહીં તો કાલે, હું ચોક્કસ રાજકારણમાં જોડાઈશઃ વિક્રમ ઠાકોર
નાના મોટા કે રાજકીય પરિવારોએ પણ બંધારણના મર્યાદામાં રહીને પ્રસંગો કર્યા છે. કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે બંધારણ તોડ્યું છે જેને લઈને કડકમાં કડક કાર્યવાહી કરાશે. આવતીકાલે ઠાકોર સમાજના આગેવાનો, બંધારણ સમિતિના આગેવાનો એમના જાંબડીયા ગામે ભેગા થઈને દાખલો બેસે તેવી કાર્યવાહી કરશે.
મારી દીકરીના બંધારણ મુજબ લગ્ન કર્યાઃ સ્વરૂપજી ઠાકોર
સાદગીથી પરિવારના બે લગ્ન કરાવનાર મંત્રી સ્વરૂપજી ઠાકોરે આ મુદ્દે કહ્યું કે, સમાજના નિયમો અમે અમારા લગ્નપ્રસંગમાં લાગુ કર્યા છે. સમાજમાં ખોટા ખર્ચાઓ ન થવા જોઈએ. 16 મુદ્દાઓનું બંધારણ છે. મારી દીકરીના પણ બંધારણ પ્રમાણે જ લગ્ન કર્યા છે. મારે પણ ધામધૂમથી લગ્ન કરવા હતા. પણ સમાજના નિયમોનું પાલન મારે કરવું જ પડે. સમાજના નિયમ મુજબ જ રહેવું પડે. સમાજના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તે ન ચલાવી લેવાય. સમાજના બંધારણ પ્રમાણે નિર્ણય લેવાશે.
આ પણ વાંચો: DJ પર પ્રતિબંધ મૂકાતા સંચાલકોએ કહ્યું, ‘તો પછી અમારે દારૂ ગાળવો પડશે!’










