જંગલેશ્વરમાં બુલડોઝર નીચે કચડાયાં ગરીબોનાં સપનાં, હજારો પરિવારો બેઘર

Rajkot Jungleshwar Demolition Latest Update: રાજકોટના જંગલેશ્વરમાં ઐતિહાસિક મેગા ડિમોલિશન વચ્ચે હજારો દલિત-લઘુમતી પરિવારો રઝળી પડ્યા. તંત્ર સામે ગરીબો લાચારી.
Rajkot Jungleshwar Demolition

Rajkot Jungleshwar Demolition Latest Update: રાજકોટ મહાનગરપાલિકાના ઈતિહાસનું સૌથી મોટું અને કદાચ સૌથી ક્રૂર ગણી શકાય તેવું ‘મેગા ડિમોલિશન’ આજે ૨૩ ફેબ્રુઆરીના રોજ જંગલેશ્વર વિસ્તારમાં ત્રાટક્યું છે. સવારના સાત વાગ્યાથી જ્યારે આખું શહેર હજુ મીઠી નિંદ્રામાં હતું, ત્યારે શેઠ હાઈસ્કૂલ ખાતેથી લશ્કરી છાવણી જેવો કાફલો રવાના થયો અને જોતજોતામાં સેંકડો પરિવારોના ઘરો ધૂળમાં મળી ગયા. આ માત્ર ગેરકાયદે દબાણ હટાવવાની ઝુંબેશ નથી, પરંતુ સત્તા અને સંપત્તિના જોરે ગરીબોના અસ્તિત્વ પર ફેરવાયેલું લોખંડી બુલડોઝર છે.

1 વાગ્યા સુધીમાં 800 દબાણો તોડી પડાયા

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચી દેવાયો છે. આ ઓપરેશનની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 64 થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન અને 50 બ્રેકર સહિત 260 થી વધુ ભારે મશીનો ઉતારવામાં આવ્યા છે. આટલું ઓછું હોય તેમ 25 ડ્રોન કેમેરા દ્વારા આકાશમાંથી ગરીબોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાના નામે 2500 થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો ખડકી દેવાયા છે, જાણે આ કોઈ વસાહત નહીં પણ કોઈ દુશ્મન દેશનું યુદ્ધ મેદાન હોય! બપોરે 1 વાગ્યા સુધીમાં 800 થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા છે અને 50 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં SC-ST પર અત્યાચાર વધ્યા: 5 વર્ષમાં 19,000 ફરિયાદો

દલિતો અને લઘુમતીઓ પર સૌથી મોટી અસર

આ ડિમોલિશનમાં સૌથી વધુ ભોગ બનનાર વર્ગ ગરીબ દલિત અને લઘુમતી સમાજ છે. વર્ષોથી આ કાચા-પાકા મકાનોમાં રહીને મજૂરી કરીને પોતાનો સંસાર ચલાવતા હજારો લોકો માટે આજનો સૂરજ કાળો સાબિત થયો છે. તંત્ર જ્યારે આંકડાકીય વિજયની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિ હૃદય ચીરી નાખે તેવી છે. જે હાથોએ મહેનત કરીને આ દીવાલો ચણી હતી, તે જ હાથો આજે માથા પછાડી રહ્યા છે.

પત્રકારોને હ્રદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યાં

પત્રકારો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે દ્રશ્યો હૃદયદ્રાવક હતા. વિધવા મહિલાઓ પોતાના ઘરના કાટમાળ પાસે બેસીને આક્રંદ કરી રહી હતી. એક પીડિત મહિલાએ રડતા અવાજે પૂછ્યું, “મારું ઘર તોડી નાખ્યું, મને હજુ ક્વાર્ટર મળ્યું નથી, હું વિધવા છું, બાળકોને લઈને ક્યાં જઈશ?” અન્ય એક પીડિતનો સવાલ તંત્રને લપડાક સમાન હતો. તેણે કહ્યું, “મારું ઘર તોડી નાખ્યું, પણ હવે ભાડું ભરવાના પૈસા નથી, રસ્તા પર સૂવાનો વારો આવ્યો છે.”

Rajkot Jungleshwar Demolition

રાજકીય સ્વાર્થ અને બેવડી નીતિનો પર્દાફાશ

આ આખી ઘટના સરકારની પક્ષપાતી નીતિને ખુલ્લી પાડે છે. એક તરફ સરકાર પોતાના રાજકીય સ્વાર્થ અને ઉદ્યોગપતિઓના હિત ખાતર કરોડોની કિંમતની સરકારી જમીનો માત્ર 1 રૂપિયાના ટોકન ભાવે 99 વર્ષના લાંબા ભાડાપટ્ટે આપી દે છે. મોટા માથાઓ દ્વારા કરવામાં આવતા હજારો એકરના દબાણો સામે તંત્રની આંખ આડા કાન કરવાની વૃત્તિ સૌ કોઈ જાણે છે. જ્યારે અમીરોની વાત આવે ત્યારે કાયદાની કલમો નરમ પડી જાય છે, પણ જ્યારે ગરીબોની છતની વાત આવે ત્યારે 2500 પોલીસ જવાનો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમને બેઘર કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો: મુસ્લિમ યુવકે 24 વર્ષ જેલ ભોગવી, હવે નિર્દોષ છૂટ્યો, જવાબદાર કોણ?

ગરીબોના માથેથી છત છીનવાઈ

સવાલ એ થાય કે, શું લોકશાહીમાં ગરીબોના માથા પર છત હોવી એ ગુનો છે? સરકાર પાસે ઉદ્યોગપતિઓને લ્હાણી કરવા માટે હજારો હેક્ટર જમીન છે, પણ આ લઘુમતી અને દલિત પરિવારો જે દાયકાઓથી અહીં વસે છે, તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો સમય કે દાનત નથી. આ લોકો પાસે નથી કોઈ મોટું બેંક બેલેન્સ કે નથી કોઈ રાજકીય વગ, તેમની પાસે માત્ર એક નાનકડું ઘર હતું જે આજે કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું છે.

માનવતા નેવે મૂકીને કરાયેલું ડિમોલિશન

તંત્ર દાવો કરે છે કે 1026 લોકોએ જાતે મકાન ખાલી કર્યા, પણ વાસ્તવિકતા એ છે કે આ લોકો ડરના માર્યા અને પોલીસના દબાણ હેઠળ ઘર છોડવા મજબૂર બન્યા હતા. વહીવટી તંત્રના 1130 કર્મચારીઓ અને તમામ IAS-IPS અધિકારીઓ આ કામગીરીનું સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. કાશ! આટલી જ ગંભીરતા અને આટલું જ ‘માઈક્રો પ્લાનિંગ’ આ ગરીબોને પાકા મકાનો આપવા માટે કરવામાં આવ્યું હોત. આજે જંગલેશ્વરની ગલીઓમાં માત્ર ધૂળ અને સિમેન્ટનો કાટમાળ નથી ઉડી રહ્યો, પણ હજારો ગરીબ પરિવારોના નિસાસા ઉડી રહ્યા છે.

વિકાસની આ આંધળી દોટમાં માનવતા ક્યાંક બુલડોઝરના ટાયર નીચે કચડાઈ ગઈ છે. સત્તાના નકશામાં ગરીબોના ઘર માત્ર ‘અવરોધ’ દેખાય છે, જ્યારે અમીરોના મોટા પ્રોજેક્ટ્સ ‘પ્રગતિ’ ગણાય છે. જંગલેશ્વરના આ દ્રશ્યો વર્ષો સુધી રાજકોટના ઇતિહાસમાં એક કાળા પ્રકરણ તરીકે યાદ રાખવામાં આવશે, જ્યાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા તો દેખાઈ પણ સંવેદનશીલતા શૂન્ય સાબિત થઈ.

આ પણ વાંચો: PM નિવાસસ્થાન નજીકની ઝૂંપડપટ્ટીઓ ખાલી કરવા માટે અલ્ટીમેટમ અપાયું

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x