ભારતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન કોઈપણ પરિવાર માટે કાયમી ખુશીનો પ્રસંગ હોય છે. પરંતુ જાતિવાદી તત્વો તેને પણ માતમમાં ફેરવી દેતા હોય છે. આવી જ એક ઘટનામાં વધુ એક દલિત યુવકની જાન પર જાતિવાદી ગુંડાઓએ હુમલો કર્યો હતો.
મામલો ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના સુનૈના ગામનો છે. અહીં મંગળવારે રાત્રે દલિત વરરાજાની જાન પર ગામના ઠાકુર જાતિના માથાભારે ગુંડાઓએ હુમલો કરી દીધો હતો. ખુશીનો પ્રસંગ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. જાટવ (દલિત) સમાજની એક બારાત જ્યારે ડીજેના તાલે નીકળી રહી હતી, ત્યારે ગામના ઠાકુર સમાજના કેટલાક તત્વોએ તેના પર પથ્થરમારો કર્યો હતો.

મામલો શું હતો?
સુનૈના ગામમાં દલિત પરિવારના આંગણે શરણાઈઓ વાગી રહી હતી. બારાત જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડીજે પર દલિત અસ્મિતા અને ડો.આંબેડકરના વિચારોને ગૌરવ આપતું એક ગીત વાગી રહ્યું હતું. આ ગીત સાંભળતા જ ગામના ઠાકુર જાતિના ગુંડાઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમને વાંધો એ વાતનો હતો કે દલિતો આટલી ધામધૂમથી અને ગર્વ સાથે તેમના ઘર પાસેથી કેમ નીકળી રહ્યા છે? વિવાદ ગીત પૂરતો મર્યાદિત ન રહ્યો અને જોતજોતામાં છત પરથી પથ્થરોનો વરસાદ શરૂ થયો. લગ્નના કપડાં પહેરેલા મહેમાનો, મહિલાઓ અને બાળકો પોતાનો જીવ બચાવવા ગલીઓમાં ભાગવા લાગ્યા હતા.
આ પણ વાંચો: આઝાદીના 78 વર્ષ બાદ દલિત વરરાજા હાથમાં બંધારણ સાથે ઘોડે ચડ્યાં

પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી
આ ઘટનાની ગંભીરતા જોતા એસપી સિટી મૃગાંક શેખર પાઠક ભારે પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લેટેસ્ટ અપડેટ મુજબ, પોલીસે સીસીટીવી અને મોબાઈલ વીડિયોના આધારે તપાસ તેજ કરી છે. અત્યાર સુધીમાં 7 મુખ્ય આરોપીઓી ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 10 થી વધુ શખ્સો સામે નામજોગ FIR દાખલ થઈ છે. ગામમાં ફરી હિંસા ન ભડકે તે માટે પીએસી (PAC) ની ટુકડીઓ ખડકી દેવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સામાજિક સૌહાર્દ બગાડનારા કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે માંડ માંડ લગ્ન વિધિ સંપન્ન થઈ શકી હતી.
દલિતો સાથે જ કેમ થાય છે આવું?
આ પ્રશ્ન આજે દરેક ન્યાયપ્રેમી નાગરિકને પજવી રહ્યો છે. આ જાતિવાદનું નગ્ન પ્રદર્શન છે. જ્યારે પણ દલિત સમાજ આર્થિક રીતે સક્ષમ બને છે અથવા પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થઈને ઉજવણી કરે છે, ત્યારે સામંતશાહી માનસિકતા ધરાવતા લોકો તેને સહન કરી શકતા નથી. દલિત વરરાજા ઘોડે ચડે કે ડીજે વગાડે, તેને ‘ઉચ્ચ’ વર્ગના લોકો પોતાના વર્ચસ્વ માટે જોખમ ગણે છે. આ માનસિકતા જ હિંસાને જન્મ આપે છે. આ કોઈ સામાન્ય ઝઘડો નથી, પણ દલિતોને દબાવી રાખવાની વર્ષો જૂની કુપ્રથાનું આધુનિક સ્વરૂપ છે.
આ પણ વાંચો: ક્ષત્રિયોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડી ધામધૂમથી પરણાવ્યા
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો
આ ઘટનામાં પોલીસે કદાચ આરોપીઓને પકડી લીધા હશે, પણ પેલી નવવધૂ અને વરરાજાના મનમાંથી એ ડર કેવી રીતે નીકળશે? લગ્ન જેવો ખુશીનો પ્રસંગ હવે તેમના માટે પથ્થરમારો અને પોલીસ કાર્યવાહીની સ્મૃતિ બની ગયો છે. આ ઘટના સાબિત કરે છે કે ભારત ભલે ડિજિટલ બની રહ્યું હોય, પણ ગ્રામીણ માનસિકતા હજુ પણ મધ્યયુગીન જાતિવાદમાં કેદ છે. જ્યાં સુધી સમાજમાં ‘જન્મના આધારે શ્રેષ્ઠતા’નો અહંકાર ઓગળશે નહીં, ત્યાં સુધી આવા દલિતો પર આવો પથ્થરમારો થતો રહેશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પહેલીવાર દલિત વરરાજા હેલિકોપ્ટરમાં પરણવા નીકળ્યા










