ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરે એક સમયે ઉદઘોષ કર્યો હતો કે, “શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને જે પીશે તે ગર્જના કરશે.” આ વાક્ય આજે આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) મનુભાઈ પરમારના પરિવારે અક્ષરશઃ સાર્થક કરી બતાવ્યું છે. એક તરફ જ્યાં સમાજ હજુ પણ જ્ઞાતિવાદ અને અસમાનતાના બંધનોમાં ઝકડાયેલો છે, ત્યાં બીજી તરફ આ દલિત બહુજન પરિવારની બે દીકરીઓએ પોતાની મહેનતથી રાજ્યના વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ હાંસલ કરીને નવી સામાજિક ક્રાંતિની મશાલ પ્રગટાવી છે.
એક જ પરિવારમાં ચાર ‘ખાખી’ રત્નો
મનુભાઈ પરમાર પોતે લાંબા સમયથી પોલીસ વિભાગમાં સેવા આપી રહ્યા છે. તેમનો પુત્ર દીપક પણ પિતાના પગલે ચાલીને ખાખી વર્દી પહેરી દેશસેવા કરી રહ્યો છે. પરંતુ, આ પરિવાર માટે ગૌરવની ક્ષણ ત્યારે બેવડાઈ જ્યારે પરિવારની બે દીકરીઓ – તમન્ના પરમાર અને શીતલ પરમાર – એ એકસાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની કપરી પરીક્ષા પાસ કરી. એક જ પરિવારના ચાર સભ્યો ખાખી વર્દીમાં સજ્જ થઈને અન્યાય સામે લડવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા મેદાનમાં ઉતરે તે કદાચ ગુજરાતના ઇતિહાસનો પ્રથમ કિસ્સો હોઈ શકે છે.

આ પણ વાંચો: આદિવાસી દીકરીએ ખેતરમાં મજૂરી કરીને દેશની સૌથી અઘરી પરીક્ષા JEE પાસ કરી
તમન્ના અને શીતલ: પ્રતિભા અને ધૈર્યનું સંગમ
તમન્ના પરમાર વર્ષ 2023 થી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. નોકરીની વ્યસ્તતા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારીઓ વચ્ચે તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેની મહેનતનું પરિણામ એ આવ્યું કે તેણે PSI પરીક્ષામાં જનરલ મેરિટમાં 46મો અને SC કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવીને સમગ્ર રાજ્યમાં દલિત સમાજનું મસ્તક ઊંચું કર્યું છે.

બીજી તરફ, શીતલ પરમારની સફળતા પાછળ અદમ્ય ધૈર્ય છુપાયેલું છે. વર્ષ 2023માં તે માત્ર 4 માર્ક્સ માટે સફળતાથી વંચિત રહી ગઈ હતી. દલિત બહુજન સમાજની દીકરીઓ માટે હાર પચાવવી અને ફરીથી ઉભા થવું અઘરું હોય છે કારણ કે તેમની પાસે સાધનો મર્યાદિત હોય છે. પરંતુ, શીતલે સાબિત કર્યું કે હિંમત ન હારનારને જ નસીબ સાથ આપે છે. તેણે આ વર્ષે જનરલ મેરિટમાં 42મો અને SC કેટેગરીમાં ચોથો ક્રમાંક મેળવીને ઈતિહાસ રચી દીધો.
આ પણ વાંચો: ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી
બંને દીકરીઓએ મહાનાયક ડો.આંબેડકરનું સપનું સાકાર કર્યું
આ સફળતા માત્ર એક નોકરી નથી, પરંતુ તે બાબા સાહેબના ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ ના મંત્રનું જીવંત ઉદાહરણ છે. દલિત બહુજન સમાજ માટે એક સમયે પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા પણ મુશ્કેલ હતા, આજે એ જ સમાજની દીકરીઓ ત્યાં ન્યાય આપવાની સત્તાવાર ખુરશી પર બિરાજશે. આ બાબત દર્શાવે છે કે અનામત અને બંધારણીય હકોના કારણે આજે છેવાડાનો માનવી પણ મુખ્યધારામાં આવી રહ્યો છે. દીકરીઓ જ્યારે પોલીસ અધિકારી બને છે ત્યારે તે માત્ર એક પરિવારને નહીં, પણ આખા સમાજને સુરક્ષા અને ગૌરવની અનુભૂતિ કરાવે છે. આણંદના કાવઠ ગામ સહિત સમગ્ર પરમાર પરિવાર અને ગુજરાત માટે આ એક પ્રેરણાદાયક ઉદાહરણ છે.
શીતલ અને તમન્નાની સફળતા દલિત ચેતનાનો વિજય છે
સફળતા તેને જ મળે છે જે પરસેવાથી ન્હાય છે. નોકરી કોઈની મહેરબાનીથી નહીં, પણ પોતાની કાબેલિયત, હિંમત અને લગનથી મળે છે. ઘર અને નોકરી બંને જવાબદારીઓ સંભાળીને આવું શાનદાર પરિણામ લાવનાર તમન્ના અને શીતલ ખરેખર બહુજન સમાજની આઈકોન છે. મહેનત હશે તો સફળતા ચોક્કસ મળશે તે વાત આ પરિવારે જગતને બતાવી દીધી છે. આ વિજય એ દલિત ચેતના અને સ્ત્રી સશક્તિકરણનો વિજય છે.
આ પણ વાંચો: ધો. 10માં માત્ર 35 માર્ક્સ આવ્યા હતા, તેઓ આજે રાજકોટના કમિશનર છે










