અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલ હાલ વિવાદોના વંટોળમાં છે. બોટાદ જિલ્લાના ટાટમ ગામના વતની ભનીબેન મણદુરિયા ગર્ભાશયની કોથળીના સામાન્ય ઓપરેશન માટે અહીં આશા સાથે આવ્યા હતા કે તેઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફરશે. પરંતુ, ઓપરેશન ટેબલ પર તબીબોની કથિત ગંભીર ક્ષતિએ તેમનો જીવ લીધો છે. પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન દરમિયાન તબીબોની લાપરવાહીને કારણે તેમના પેટની એક મહત્વની નસ કપાઈ ગઈ હતી, જેના પરિણામે ભારે રક્તસ્ત્રાવ થયો અને ભનીબેને દમ તોડી દીધો.
ન્યાયની પ્રતીક્ષામાં 13 દિવસથી રઝળતો મૃતદેહ
આ કરુણ ઘટનાને આજે 13 દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો છે, છતાં ન્યાયના નામે તંત્ર પાસે માત્ર આશ્વાસનો છે. દેવીપૂજક સમાજના આ ગરીબ પરિવારે મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી દોષિત તબીબો સામે ફોજદારી ગુનો (IPC 304A) નોંધવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવ્યું હોવા છતાં, પરિવારનો આક્ષેપ છે કે સત્તાધારીઓ રિપોર્ટ જાહેર કરવામાં અને સત્ય છુપાવવામાં વિલંબ કરી રહ્યા છે. હોસ્પિટલના પટાંગણમાં ચાલી રહેલા આ ધરણાં હવે વ્યવસ્થા સામેના આક્રોશમાં ફેરવાઈ રહ્યા છે.

આ પણ વાંચો: ‘જો તારા હાથનું રાંધેલું ખાઈએ તો અમારા ભગવાન શ્રાપ આપે!’
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તક્ષેપ કરવા અપીલ કરાઈ
તંત્રની ઘોર નિદ્રા અને પરિવારની લાચારી જોઈને સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર મેદાને આવ્યા છે. તેમણે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક વિગતવાર પત્ર લખીને આ મામલે ત્વરિત હસ્તક્ષેપની માંગ કરી છે. પત્રમાં ભારપૂર્વક જણાવાયું છે કે, “આ ઘટના ભારતના બંધારણની કલમ 21 હેઠળ મળેલા ‘જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર’નું સરેઆમ ઉલ્લંઘન છે.” ગરીબ હોવાને કારણે શું કોઈના જીવનની કિંમત શૂન્ય છે? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.

શું માગણી કરવામાં આવી?
સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર દ્વારા રાષ્ટ્રપતિ અને માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓ મુજબ જવાબદાર ડોક્ટરો અને હોસ્પિટલ મેનેજમેન્ટ સામે તાત્કાલિક IPC 304A હેઠળ ગુનો દાખલ કરવામાં આવે, સ્થાનિક પ્રભાવ વગર સ્વતંત્ર મેડિકલ બોર્ડ દ્વારા તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવે, પરિવારનો આધાર છીનવાઈ જતાં તેમને રૂ. 1 કરોડનું વળતર અને માસિક રૂ. 25,000/- નું પેન્શન અપાય, પરિવારના એક લાયક સભ્યને સરકારી નોકરી આપી તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવે અને આ મામલે જો બેદરકારી સાબિત થાય, તો હોસ્પિટલનું લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવે.
આ પણ વાંચો: રાજકોટ ભાજપના ઉપપ્રમુખને માતાજી આવ્યા! ધૂણીને સાંકળો ફટકારી!
દેવીપૂજક સમાજમાં ભારે રોષ, તંત્રની કસોટી
આ ઘટનાને લઈને 24 મી ફેબ્રુઆરીના રોજ મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. સૂત્રોચ્ચાર અને આવેદનપત્ર દ્વારા તંત્રને ચીમકી આપવામાં આવી છે કે જો ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. DySP ને મળેલી રજૂઆતમાં પણ સ્પષ્ટ કહેવાયું છે કે ગરીબ પરિવારને ન્યાય અપાવવો એ પોલીસ અને પ્રશાસનની નૈતિક જવાબદારી છે. આ આખી ઘટના તબીબી જગત માટે એક ચેતવણી સમાન છે. જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે સામાન્ય નાગરિક ક્યાં જાય? ભનીબેનનો પરિવાર આજે પણ ભીની આંખે ન્યાયની રાહ જોઈ રહ્યો છે.
આ પણ વાંચો: વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી દલિત વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મૂક્યું













