પાટણમાં દારૂબંધીની પોલ ખૂલી, લોકોએ દારૂ શોધી પોલીસ સ્ટેશનમાં ઢોળ્યો!

પાટણમાં ગુજરાતની કથિત દારૂબંધીની પોલ ખૂલી ગઈ. પોલીસ-બુટલેગરોની મિલીભગતથી કંટાળેલી જનતાએ દારૂ પકડી પોલીસ સ્ટેશનમાં ઢોળી પોલીસ પર રોષ ઠાલવ્યો.
Rakhav Patan news
Ai jenerated image

પાટણઃ ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ પર જ અમલી હોય અને વાસ્તવિકતામાં બુટલેગરોનું સામ્રાજ્ય ચાલતું હોય તેવી ચોંકાવનારી ઘટના પાટણ જિલ્લામાં બની છે. પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામે પોલીસ અને બુટલેગરોની વર્ષો જૂની મિલીભગત અને સાંઠગાંઠથી કંટાળેલા ગ્રામજનોએ આખરે કાયદો હાથમાં લઈ ‘જનતા રેડ’ પાડી હતી. આશ્ચર્યની વાત એ છે કે, જે દારૂ પોલીસને લાંબા સમયથી ગામમાં નહોતો દેખાતો, તે દારૂના તોતિંગ કેન અને જથ્થો ગ્રામજનોએ ગણતરીની મિનિટોમાં પકડી પાડ્યો હતો. આ જથ્થો લઈને સીધા પોલીસ સ્ટેશન પહોંચેલા લોકોએ કેમ્પસમાં જ દારૂની રેલમછેલ કરી ખાખીની નિષ્ક્રિયતાનો પર્દાફાશ કર્યો હતો.

બુટલેગરોને પોલીસનું રક્ષણ, હપ્તાખોરીના આક્ષેપ

રખાવ ગામના જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે ગામમાં છેલ્લા લાંબા સમયથી દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ પોલીસની રહેમનજર હેઠળ ધમધમી રહ્યા છે. બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે તેઓ જાહેરમાં દારૂનું વેચાણ કરે છે. ગ્રામજનોએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી હતી, પરંતુ દર વખતે પોલીસ તપાસના નામે નાટક કરીને બુટલેગરોને છાવરતી હતી.

આ પણ વાંચો: એક એવું ગામ, જ્યાં 40 વર્ષથી 360 દલિત પરિવારો અંધારામાં જીવે છે

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે આ ગેરકાયદેસર ધંધાના મહિને હપ્તા માત્ર સ્થાનિક પોલીસ જ નહીં, પણ છેક ગાંધીનગર સુધી બેઠેલા ઉચ્ચ અધિકારીઓના ખિસ્સા ગરમ કરે છે. આ આર્થિક મિલીભગતને કારણે જ પોલીસ તંત્ર બુટલેગરો સામે આંખ આડા કાન કરે છે. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે, જ્યારે પણ ગામલોકો દારૂ વેચાતો હોવાની ફરિયાદ કરે છે, ત્યારે પોલીસ ગુનેગારને પકડવાને બદલે ફરિયાદ કરનાર વ્યક્તિને જ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ચૂપ કરી દેતી હોય છે.

ધારાસભ્ય કિરીટ પટેલના નેતૃત્વમાં પોલીસ સ્ટેશન ગજવ્યું

આ સમગ્ર જનતા આક્રોશમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ જોડાયા હતા. તેમણે પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “મેં પોતે પી.આઈ. ચૌધરીને ટેલિફોનિક જાણ કરી હતી કે રખાવ ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને ગ્રામજનો ત્રસ્ત છે. પરંતુ પી.આઈ.એ સાવ નનૈયો ભણી દીધો હતો કે ગામમાં આવું કંઈ જ થતું નથી.” પોલીસના આ સફેદ જૂઠને પકડવા માટે અંતે જનતાએ રસ્તા પર ઉતરવું પડ્યું. ગ્રામજનો દારૂથી ભરેલા પ્લાસ્ટિકના મોટા ડ્રમ અને કેન ટ્રેક્ટરોમાં ભરીને સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ હજારો લિટર દેશી દારૂ ઢોળી દીધો હતો.

આ પણ વાંચો: DJ પર પ્રતિબંધ મૂકાતા સંચાલકોએ કહ્યું, ‘તો પછી અમારે દારૂ ગાળવો પડશે!’

પી.આઈ.ની બદલીની માંગ ઉઠી

પોલીસ સ્ટેશનમાં દારૂની નદીઓ વહેતી જોઈ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ અવાચક બની ગયા હતા. ધારાસભ્ય અને ગ્રામજનોએ એકસૂરે પી.આઈ. ચૌધરીની તાત્કાલિક બદલી કરવાની અને જવાબદાર બુટલેગરો પર કડક પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો પોલીસ પોતાની કાર્યપદ્ધતિ નહીં સુધારે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે.

જનતાએ પોલીસની મિલીભગતને ખૂલ્લી પાડી

આ ઘટના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓને અરીસો બતાવ્યો છે. જ્યારે રક્ષક જ ભક્ષક બને અથવા હપ્તાખોરીના લોભમાં ગુનેગારોનો ભાગીદાર બને, ત્યારે સામાન્ય જનતાએ જ રક્ષણની જવાબદારી ઉપાડવી પડે છે. રખાવ ગામની આ ‘જનતા રેડ’ એ તમામ ભ્રષ્ટ અધિકારીઓ માટે ચેતવણી સમાન છે જેઓ ગુજરાતની શાંતિ અને યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂના વેચાણ મામલે સરકાર કરતા બૂટલેગરોનું ટર્નઓવર વધુ!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x