અમદાવાદના સુખરામનગર ખાતે વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રજવલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ડો. ભીમરાવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય અને ચિંતનશીલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી પૂરતો મર્યાદિત ન રહેતા, વર્તમાન સમયમાં મહિલાઓની સામાજિક, આર્થિક અને સુરક્ષાની સ્થિતિ અંગે ઊંડાણપૂર્વકના વિચાર-વિમર્શનો મંચ બન્યો હતો. કાર્યક્રમની શરૂઆત બુદ્ધ વિહારના પવિત્ર વાતાવરણમાં ભગવાન બુદ્ધને પુષ્પાંજલિ અર્પણ કરીને અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ‘ગુજરાત મહિલા પરિષદ’ના પ્રમુખ શ્રી ઉષા પરમાર અને તેમની ટીમ દ્વારા કેક કાપીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું સૌથી મહત્વનું પાસું તેની વિભાવના હતી. પ્રજવલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ મધુબેન કોરડીયાએ કાર્યક્રમની ભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે, દર વર્ષે વિશ્વ સ્તરે મહિલા દિવસની ઉજવણી થાય છે, જેમાં મહિલાઓ જ આયોજન કરે છે, મહિલાઓ જ સ્ટેજ સંભાળે છે અને શ્રોતાઓમાં પણ મહિલાઓ જ હોય છે. પરંતુ આ વખતે અમે જાણી જોઈને પુરુષોને પણ આ મંચ પર સાથે રાખ્યા છે.”

આ પણ વાંચો: JNU ના વાઈસ ચાન્સેલરે દલિતોને ‘પીડિત માનસિકતા’થી ગ્રસ્ત ગણાવ્યા!
તેમણે ખૂબ જ તાર્કિક મુદ્દો રજૂ કરતા કહ્યું કે, “સમાજમાં જેન્ડર સેન્સિટાઈઝેશન (જાતિગત સંવેદનશીલતા)ની તાલીમ હંમેશા મહિલાઓને જ આપવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં આ તાલીમની સૌથી વધુ જરૂર પુરુષોને છે. તેમણે દાખલો આપ્યો કે જેમ એટ્રોસિટી એક્ટના કાયદાની સમજ માત્ર પીડિતોને જ આપવામાં આવે છે, પરંતુ અત્યાચાર કરનારને જો આ કાયદાનો ડર કે સમજ ન હોય તો પરિસ્થિતિ બદલાતી નથી. તેવી જ રીતે, સ્ત્રી અને પુરુષ બંને સાથે મળીને સ્ત્રીઓના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ બને તે જ આ આયોજનનો મુખ્ય હેતુ છે.
ગુજરાતના વર્તમાન માહોલ અંગે ચિંતા વ્યક્ત કરતા મધુબેને જણાવ્યું કે સુરત, ગાંધીનગર અને રાજકોટ જેવા વિકસિત શહેરોમાં પણ મહિલાઓ વિરુદ્ધ જઘન્ય અપરાધો અને અપમૃત્યુના બનાવો વધી રહ્યા છે. આવા સમયે માત્ર સૂત્રોચ્ચાર કરવાને બદલે સમાજના તમામ વર્ગોએ સાથે મળીને ઉકેલની દિશામાં વિચારવું પડશે. GDSના સંયોજક દીપક સોલંકીએ આ પ્રસંગે મહિલાઓના ઇતિહાસ અને વિશ્વભરમાં થયેલા મહિલા આંદોલનોની ઝાંખી કરાવી હતી. તેમણે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને રોકવા માટે બનેલા વિવિધ કાયદાઓની ઊંડાણપૂર્વકની સમજ આપીને કાયદાકીય જાગૃતિ ફેલાવી હતી.
આ પણ વાંચો: લોહીયાળ જંગઃ જાતિવાદી તત્વોએ હુમલો કરી દલિતવાસ સળગાવ્યો

સંઘમિત્રા બુદ્ધ વિહારના હેમાબેન સોલંકીએ મહિલા નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, મહિલાઓએ હવે સંગઠિત થઈને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવો પડશે. સ્ત્રી શક્તિ સંગઠનના ભારતી રાઠોડે એક સચોટ મુદ્દો મૂકતા કહ્યું કે, મહિલાઓએ પુરુષ સમોવડી બનવાની કોઈ જરૂર નથી, કારણ કે પ્રકૃતિએ મહિલાને જન્મથી જ અત્યંત સશક્ત બનાવી છે. બીજી તરફ, અનિતાબેન સોલંકીએ સામાજિક કુરીવાજો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવ અને ખાસ કરીને જ્ઞાતિના બંધારણમાં મહિલા વિરોધી નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિધવા મહિલાઓની બંગડીઓ તોડવી કે છાતી કૂટવી જેવી અપમાનજનક પ્રથાઓ બંધ થવી જોઈએ તેવી તેમણે હાકલ કરી હતી.
આ પણ વાંચો: બ્રાહ્મણવાદ જિંદાબાદ’ના નારા લગાવતી મેઘા લવારિયની બોલતી બંધ!
હોજેફા ઉજ્જૈનીએ સ્ત્રીઓની આર્થિક સ્વાયત્તા અને ઘરકામના મૂલ્ય વિશે વાત કરી હતી. તેમણે લાજપ્રથા અને પરદા પ્રથા જેવા અવરોધો દૂર કરી મહિલાઓને સમાન વેતન મળે તેવો મત રજૂ કર્યો હતો. દલિત કર્મશીલ રાજુ સોલંકીએ તેમના બહોળા અનુભવના આધારે ‘બહુજન નારીવાદ’ની સમજ આપી હતી અને પુરુષોને એક આદર્શ અને સંવેદનશીલ વ્યક્તિ બનવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વરિષ્ઠ મહિલા કર્મશીલ કમલા ગુજ્જરે પોતાના જીવનના સંઘર્ષો વાગોળ્યા હતા. તેમણે આભડછેટના કપરા કાળમાં સરકારી અધિકારી તરીકે બજાવેલી ફરજ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે કરેલા ઐતિહાસિક નેતૃત્વની યાદો તાજી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહેન્દ્ર સોલંકી અને તેમની ટીમે જાગૃતિના ગીતો રજૂ કરીને સૌમાં ઉત્સાહ ભર્યો હતો. અંતમાં ડો. ભીમરાવ સેવા સમિતિના સદસ્ય યોગેશભાઈએ આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં મહિલા અધિકાર મંચ દ્વારા ‘વિશ્વ મહિલા દિન’ની ઉજવણી કરાઈ













