ધોળકાના લોલીયાના વિજય ચાવડાની હત્યાના 5 આરોપીઓને આજીવન કેદ

ધોળકાના લોલીયા ગામે વર્ષ 2013માં થયેલી દલિત સરપંચ વિજય ચાવડાની હત્યાના કેસમાં અમદાવાદની કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
murder of Vijay Chavda of Lolia

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોલીયા ગામે વર્ષ 2013માં થયેલી દલિત સરપંચ વિજય ચાવડાની હત્યાના ચકચારી કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, ધોળકા દ્વારા 17 માર્ચના રોજ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. અદાલતે આ કેસમાં સંડોવાયેલા 6 પૈકીના 5 જીવિત આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને મૃતકની માતાને 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો સરકારને આદેશ કર્યો છે. આ કેસ 13 વર્ષ સુધી ચાલ્યો હતો, જેમાં ફરિયાદી પક્ષે અનેક અવરોધો છતાં કાનૂની લડત ચાલુ રાખી હતી.

ઘટના શું હતી?

વર્ષ 2013માં લોલીયા ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીની અદાવતમાં ભરવાડ જ્ઞાતિના કેટલાક શખસો દ્વારા તત્કાલીન દલિત સમાજમાંથી આવતા સરપંચ વિજય ચાવડા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વિજય ચાવડાનું અવસાન થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ પર પણ જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હતો. આ મામલે કોઠ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 147, 148, 149 (ગેરકાયદે મંડળી અને રાયોટિંગ) તેમજ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: મેંદરડામાં બે દલિત પ્રમુખને ટર્મ પુરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા

6 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી

આ કેસની ગંભીરતાને ધ્યાને લેતા તત્કાલીન અમદાવાદ ગ્રામ્ય એસપી ગગનદીપ ગંભીરે તપાસ સરખેજના એસડીપીઓ (SDPO) નિર્લિપ્ત રાયને સોંપી હતી. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ અને મૌખિક પુરાવા એકત્ર કરી ભીમાભાઈ હરીભાઈ ભરવાડ, કાળુભાઈ રણછોડભાઈ ભરવાડ, મફાભાઈ રણછોડભાઈ ભરવાડ (ઉર્ફે દાનુ), કુલદીપ મફાભાઈ ભરવાડ (ઉર્ફે લાલો), જિગ્નેશ રઘુભાઈ ભરવાડ, રઘુભાઈ હરીભાઈ ભરવાડ (ટ્રાયલ દરમિયાન માર્ચ-2023માં મૃત્યુ)ને જેલમાં ધકેલી દીધા હતા.

મુખ્ય સાક્ષી અને ફરિયાદીની પણ હત્યા કરાઈ હતી

આ કેસમાં સૌથી વરવો વળાંક ત્યારે આવ્યો જ્યારે વિજય ચાવડાની હત્યાના દોઢ વર્ષ બાદ તેમના બહેન અને પૂર્વ ચર્મ ઉદ્યોગના ચેરમેન પ્રવીણાબહેન ચાવડાની પણ હત્યા કરી દેવામાં આવી. પ્રવીણાબહેન તેમના ભાઈના હત્યા કેસના મુખ્ય ફરિયાદી અને મજબૂત સાક્ષી હતા. બગોદરા હાઈવે પર રોઈકા ગામના પાટિયા પાસે આરોપીઓએ આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે તેમના શરીર પર વાહન ફેરવી દીધું હતું. જોકે, અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ તપાસ કરી મુખ્ય આરોપી કુલદીપ ઉર્ફે લાલો અને ભીમા ભરવાડની ધરપકડ કરી હતી. આ ઘટનાએ ન્યાયની લડતને વધુ જટિલ બનાવી દીધી હતી.

આ પણ વાંચો: જામખંભાળિયા નગરપાલિકા પ્રમુખના પતિ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ

કોર્ટે શું ચૂકાદો આપ્યો?

ધોળકાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલેલી ટ્રાયલ દરમિયાન ફરિયાદી પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે આ હત્યા માત્ર ચૂંટણીલક્ષી અદાવત નહોતી પરંતુ સામાજિક વર્ચસ્વ સ્થાપિત કરવા માટેનો ગુનો હતો. અદાલતે રેકોર્ડ પરના પુરાવાઓ ગ્રાહ્ય રાખ્યા હતા. અદાલતે ભીમા હરીભાઈ, કાળુ રણછોડભાઈ, મફા રણછોડભાઈ, કુલદીપ મફાભાઈ અને જિગ્નેશ રઘુભાઈને દોષિત જાહેર કર્યા. તમામ 5 આરોપીઓને આજીવન કેદ (Life Imprisonment) ની સજા ફટકારવામાં આવી. અદાલતે માનવતાવાદી અભિગમ અપનાવી મૃતકની વૃદ્ધ વિધવા માતાને સરકાર તરફથી 6,00,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

13 વર્ષની કાયદાકીય લડત બાદ ન્યાય મળ્યો

આ ઘટનામાં મૃતકના પરિવારે 13 વર્ષ સુધી ન્યાય માટે સંઘર્ષ કર્યો હતો. 13 વર્ષની લાંબી કાનૂની લડત બાદ આવેલો આ ચુકાદો કેટલો મહત્વનો છે તે વિજય ચાવડાના પરિવારને ખ્યાલ છે. એક જ પરિવારના બે સભ્યોના ભોગ લેવાયા હોવા છતાં, પરિવારે કાયદાકીય લડત ચાલુ રાખી હતી. આ ચુકાદો એટ્રોસિટી અને હત્યા જેવા ગંભીર કિસ્સાઓમાં દલિત સમાજના ન્યાયતંત્ર પરના વિશ્વાસને વધારશે.

આ પણ વાંચો: ઉનાકાંડના ચૂકાદાને સરકાર ઉપલી કોર્ટમાં પડકારે, નહીંતર અમે પડકારીશું’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x