અમદાવાદ/સુરત: ગુજરાતમાં ધર્મના નામે ધતિંગ અને સેવાની આડમાં સંગઠિત ગુનાખોરી આચરતા તત્વોનો વધુ એક કાળો અને ભયાનક ચહેરો રવિવારે મધ્યરાત્રિએ સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક અત્યંત ગુપ્ત અને હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડીને સુરતના કામરેજ સ્થિત ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ના સંચાલક પ્રદીપ ગુરુજીના આશ્રમમાં ચાલતા નકલી નોટો છાપવાના મસમોટા કારખાનાનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં આશરે 2 કરોડ રૂપિયાની ફેક કરન્સી સાથે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં જે સૌથી ચોંકાવનારી બાબત સામે આવી છે તે એ છે કે, આ ગુનાહિત પ્રવૃત્તિ માટે ‘યોગ ફાઉન્ડેશન’ના નામની અધિકૃત ગાડીનો ઉપયોગ નોટોની હેરફેર માટે કરવામાં આવતો હતો.
અમરાઈવાડીમાં મધરાતે ખેલાયો હાઈ-વોલ્ટેજ ડ્રામા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનો એક મોટો જથ્થો ખાનગી વાહન દ્વારા અમદાવાદમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે જેસીપી ક્રાઇમની સીધી દેખરેખ હેઠળ ટીમો તૈયાર કરવામાં આવી અને શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ફિલ્મી ઢબે વોચ ગોઠવવામાં આવી હતી. મોડી રાત્રે જ્યારે શંકાસ્પદ વાહન પસાર થયું ત્યારે પોલીસે તેને આંતર્યું હતું. ગાડીની તલાશી લેતા પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ગાડીની અંદરથી 500 રૂપિયાના દરની અદ્દલ અસલી જેવી જ દેખાતી કુલ 40,000 થી વધુ નોટો મળી આવી હતી, જેની કિંમત 2 કરોડ રૂપિયા થવા જતી હતી. આ નોટો એટલી ચોકસાઈથી છાપવામાં આવી હતી કે સામાન્ય નાગરિક તેને ઓળખી ન શકે. પોલીસે સ્થળ પરથી એક મહિલા સહિત 6 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’
આશ્રમમાં ‘ભક્તિ’ નહીં પણ ‘ભ્રષ્ટાચાર’નું મશીન ચાલતું હતું
અમદાવાદમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જે વિગતો બહાર આવી તે સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ હતી. આ તપાસનો રેલો જ્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ સુધી પહોંચ્યો ત્યારે મોટું સત્ય બહાર આવ્યું. અહીં આવેલા પ્રદીપ ગુરુજીના ‘શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન’ના આશ્રમમાં જ આ નકલી નોટો છાપવાનું અધ્યતન કારખાનું ધમધમતું હતું. આશ્રમમાં યોગ, ધ્યાન અને આધ્યાત્મિકતાના પાઠ ભણાવવાની આડમાં હાઈ-ટેક કલર પ્રિન્ટરો, કટીંગ મશીનો અને સ્કેનર્સ દ્વારા દેશના અર્થતંત્રને પોલું કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર ઘડાઈ રહ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે આશ્રમમાં દરોડા પાડીને કરોડોની ફેક કરન્સી તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાતા મશીનો, ખાસ પ્રકારનો ઇમ્પોર્ટેડ કાગળ, વિશિષ્ટ શાહી અને અન્ય અનેક વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે.
આશ્રમના સંચાલક પ્રદીપ ગુરૂજીનો ભાજપના નેતાઓ સાથે ઘરોબો
આ કેસ માત્ર આર્થિક ગુનાનો જ નથી, પરંતુ તેમાં રાજકીય વગનો પણ ગજબનો ઉપયોગ થયો હોવાનું દેખાઈ રહ્યું છે. પ્રદીપ ગુરુજીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને સાર્વજનિક કાર્યક્રમોની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે તે ગુજરાત ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સાથે પ્રદીપ ગુરુજીના ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં ગુરુજી રાજકીય નેતાઓ સાથે અત્યંત નિકટતા ધરાવતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. પોલીસનું સત્તાવાર નિવેદન છે કે તપાસમાં કોઈ પણ મોટા માથાનું નામ આવશે તો તેને છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચો: કથાકારે સગીરા પર રેપ કર્યો અને બે વાર ગર્ભપાત કરાવ્યો!

‘અસલી આપો અને ત્રણગણી નકલી લઈ જાઓ’ની સ્કીમ
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ બજારમાં નકલી નોટોને વહેતી કરવા માટે એક શાતિર ‘માર્કેટિંગ પ્લાન’ બનાવ્યો હતો. આરોપીઓએ એવી સ્કીમ બહાર પાડી હતી કે જો કોઈ વ્યક્તિ 500 રૂપિયાની એક અસલી નોટ આપે, તો તેને બદલામાં 500 રૂપિયાની 3 નકલી નોટો (કુલ 1500 રૂપિયા) આપવામાં આવશે. આ રીતે તેઓ અસલી ચલણને નકલીમાં રૂપાંતરિત કરીને રાતોરાત અબજોપતિ બનવાના સપના જોતા હતા. પકડાયેલા 2 કરોડ રૂપિયાની સામે તેઓ બજારમાંથી 66 લાખ રૂપિયાની અસલી કરન્સી ઉઘરાવવાના હતા. આ તેમનો પહેલો મોટો સોદો હતો અને તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
દેશભરમાં એજન્ટોની ‘ફોજ’ ઉભી કરવાની તૈયારી હતી
આરોપીઓનો મનસૂબો માત્ર ગુજરાત પૂરતો સીમિત નહોતો. તેમણે દેશના જુદા જુદા રાજ્યોમાં આ નકલી નોટો પહોંચાડવા માટે એજન્ટોનું નેટવર્ક તૈયાર કરવાનું પણ શરૂ કરી દીધું હતું. બેરોજગાર યુવાનોને કમિશનની લાલચ આપીને આ કાળા કારોબારમાં જોડવાની તેમની યોજના હતી. પોલીસને આશંકા છે કે આ રેકેટના તાર અન્ય રાજ્યોના પ્રિન્ટિંગ પ્રેસ અથવા આંતરરાષ્ટ્રીય સ્તરના નકલી નોટના માફિયાઓ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે. આશ્રમની અંદર આટલું મોટું સેટઅપ ગોઠવવા માટે જે ટેકનિકલ જાણકારીની જરૂર હોય, તે કોઈ નિષ્ણાત વગર શક્ય નથી.
આ પણ વાંચો: ‘પાઈથનનું કામ માત્ર બ્રાહ્મણ-ક્ષત્રિય કરે, તું Java કે સફાઈકામ કર!’
પંચનામું કરવામાં પોલીસને છૂટ્યો પરસેવો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આ જથ્થો કબજે કર્યો ત્યારે તેની ગણતરી કરવામાં જ કલાકો વીતી ગયા હતા. 40,000 થી વધુ નોટોના સીરીયલ નંબર નોંધવા, દરેક નોટની ચકાસણી કરવી અને તેનું વિગતવાર પંચનામું કરવું એ પોલીસ માટે એક મોટો પડકાર બની ગયો હતો. મોડી રાતથી શરૂ થયેલી આ પ્રક્રિયા બીજા દિવસે બપોર સુધી ચાલી હતી. ક્રાઇમ બ્રાન્ચની અનેક ટીમો અત્યારે આ કેસમાં કડીઓ જોડી રહી છે.
પ્રદીપ ગુરૂજીની પોલીસે ધરપકડ કરી
મળતી માહિતી મુજબ પોલીસે પ્રદીપ ગુરૂજીની ધરપકડ કરી લીધી છે. જો કે, આ ઘટના પરથી સાબિત થાય છે કે ‘સફેદપોશ’ ગુનેગારો સમાજમાં કઈ રીતે ધર્મ અને સેવાના મહોરા પહેરીને બેઠા છે. પ્રદીપ ગુરુજી જેવા તત્વો હજારો અનુયાયીઓ ધરાવે છે અને રાજકીય નેતાઓ સાથે બેઠક ધરાવે છે, તેમની આ કાળી કરતૂતો સમાજ માટે લાલબત્તી સમાન છે. આ તો માત્ર હિમશિલાની ટોચ હોવાનું મનાય છે. શું આ નોટો અગાઉ બજારમાં ઘૂસાડવામાં આવી છે? આશ્રમમાં રોકાતા અન્ય લોકોની આમાં શું ભૂમિકા હતી? અને સૌથી મહત્વનું કે શું રાજકીય નેતાઓની જાણ બહાર આ બધું થઈ રહ્યું હતું કે પછી તેમની છત્રછાયા હેઠળ? આ તમામ પ્રશ્નોના જવાબ હવે મળશે.
આ પણ વાંચો: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સામે સગીર બાળકોના શોષણની ફરિયાદ નોંધાઈ















Aa loko sadhu ba swang na sytaan chupaye che,,, ane aaHindu jatankvadi ne jail bhega karo