દલિત યુવતી ચૈત્રી નવરાત્રિએ મંદિરમાં દર્શન કરવા ગઈ, જાણો પછી શું થયું

દલિત યુવતી ચૈત્રી નવરાત્રિમાં હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. એ પછી જાતિવાદી તત્વોએ જે કર્યું એ પછી શું તે કદી મંદિરમાં જવાની હિંમત કરશે?
dalit news

dalit newsદલિતો હિંદુ નથી એ વાત હવે આ સમાજનું નાનું બાળક પણ સમજવા લાગ્યું છે. પરંતુ હજુ પણ કેટલાક એવા લોકો છે, જેમને પરાણે હિંદુ બનવું છે અને મંદિરોમાં જવું છે. જો કે, આવા લોકોનો જ્યારે મનુવાદીઓએ બનેલા વાડાઓની વાસ્તવિકતાનો સાથે સામનો થાય છે ત્યારે તેમને પસ્તાવો થતો હોય છે. આવી જ એક ઘટના એક દલિત યુવતી સાથે બની હતી. ચૈત્રી નવરાત્રિ દરમિયાન આ યુવતી મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે ગઈ હતી. પરંતુ મનુવાદીઓએ તેના પર લોખંડના સળિયા અને લાકડીઓથી હુમલો કરીને લોહીલુહાણ કરી નાખી હતી.

મામલો જાતિવાદ માટે કુખ્યાત યુપીનો છે. અહીંના મેનપુરી જિલ્લાના કિશની પોલીસ સ્ટેશન વિસ્તારના શમશેરગંજ ગામમાં એક દલિત યુવતી જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે મંદિરમાં શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા પહોંચી, ત્યારે ગામના જ એક શખ્સે તેને જાતિવાદી અપશબ્દો કહી લોખંડના સળિયા અને લાકડીઓ વડે ગંભીર રીતે માર માર્યો હતો. આ હુમલામાં યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

દલિત યુવતીને હિંદુ બનવું ભારે પડ્યું!

પ્રાપ્ત માહિતી અનુસાર, શમશેરગંજ ગામમાં રહેતા અશોક કુમાર વાલ્મિકીની પુત્રી કવિતા ગુરુવારે સવારે આશરે 10 વાગ્યે ગામના સ્થાનિક મંદિરે નવરાત્રિ નિમિત્તે દર્શન અને પૂજા કરવા માટે ગઈ હતી. નવરાત્રિનો પ્રથમ દિવસ હોવાથી મંદિરમાં અન્ય શ્રદ્ધાળુઓની પણ અવરજવર હતી. કવિતા જ્યારે પૂજાની તૈયારી કરી રહી હતી, ત્યારે ગામનો જ રહેવાસી શિવમ સૈની ત્યાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદના દલિતો-આદિવાસીઓ સાથે મોટો ખેલ થઈ ગયો!

શિવમ કવિતાને મંદિરમાં જોઈને ઉશ્કેરાઈ ગયો હતો અને તેની જ્ઞાતિ પ્રત્યે અત્યંત વાંધાજનક અને અપમાનજનક નિવેદનો કરવાનું શરૂ કર્યું હતું. તેણે કવિતાને ધમકાવતા કહ્યું હતું કે, “તું વાલ્મિકી જ્ઞાતિની છે, છતાં આ મંદિરમાં પૂજા કરવા કેમ આવી?” જ્યારે કવિતાએ હિંમતપૂર્વક તેને વળતો જવાબ આપ્યો કે તે આ ગામની જ રહેવાસી છે, ત્યારે શિવમ સૈનીએ પૂર્વનિર્ધારિત આયોજન સાથે તેની પાસે રહેલા લાઠી, દંડા અને લોખંડના સળિયા વડે કવિતા પર હુમલો કરી દીધો હતો.

લોખંડના સળિયા વડે હુમલો કર્યો

હુમલો એટલો જોરદાર હતો કે કવિતા પોતાનો બચાવ કરી શકે તે પહેલા જ તેના માથામાં લોખંડનો સળિયો વાગતા તે જમીન પર ઢળી પડી હતી. તેના માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. આ હિંસક દ્રશ્ય જોઈ મંદિરમાં હાજર અન્ય લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આરોપી શિવમ સૈનીએ હુમલો કર્યા બાદ પણ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ગામના કેટલાક લોકોએ વચ્ચે પડીને કવિતાને વધુ માર ખાતા બચાવી હતી, ત્યારબાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: સરહદે દુશ્મનો સામે લડનાર દલિત સૈનિકને મર્યા પછી ‘જાતિ’ નડી

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

ઈજાગ્રસ્ત કવિતાની માતા મીરા દેવીએ આ મામલે કિશની પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલાની ગંભીરતાને સમજીને તાત્કાલિક ધોરણે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. કિશની પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે અને તેને યોગ્ય સારવાર મળી રહે તેની ખાતરી કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને અનુસૂચિત જાતિ/જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (SC/ST Act) તેમજ અન્ય સુસંગત કલમો હેઠળ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દલિત સમાજમાં આક્રોશ

આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા દલિત સંગઠનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં ગામમાં તણાવભરી શાંતિ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે. પીડિતાનો પરિવાર હવે ન્યાયની આશા રાખી રહ્યો છે કે જેથી ભવિષ્યમાં કોઈ દીકરી સાથે તેની જ્ઞાતિના કારણે આવી અમાનવીય ઘટના ન ઘટે.

આ પણ વાંચો: ‘બાઈક પર ડૉ. આંબેડકરનો ધ્વજ કેમ છે?‘ પૂછી દલિત નેતા પર હુમલો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 hours ago

*મંદિરમાં બેસાડેલી પત્થરની મૂર્તિ કરતાં, પુરુષ પતિએ સમજવું જોઈએ કે તેની પત્ની લગ્ન-ગ્રંથી સાથે જોડાયેલી છે, તે અતિસુંદર છે, એવું સમજીને પણ મંદિરે દર્શન કરવા કે પૂજાપાઠ કરવા જવું જોઈએ નહીં!
બહુજનો જાગો! દલિતો જાગો! હવે તો અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ છોડો! જય સંવિધાન જય ભારત!

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x