રાજામૌલીના પિતા અને ભાજપ સાંસદ વિજયેન્દ્ર પ્રસાદે ડો.આંબેડકરનું અપમાન કર્યું

બાહુબલીના ડિરેક્ટરના પિતા અને ભાજપ સાંસદ વિજયેન્દ્ર પ્રસાદે ડો.આંબેડકરનું અપમાન કર્યું
BJP MP Vijayendra Prasad insulted Dr Ambedkar

ભારતીય સિનેમાના દિગ્ગજ સ્ક્રિપ્ટ રાઈટર અને બાહુબલી, આરઆરઆર જેવી ફિલ્મોના ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીના પિતા વી. વિજયેન્દ્ર પ્રસાદ હાલમાં એક ભયાનક વિવાદમાં ફસાયા છે. સત્તાધારી ભાજપના રાજ્યસભા સાંસદ હોવા છતાં તેમણે બંધારણના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકર વિશે એક અત્યંત ભ્રામક અને તથ્યહીન વાર્તા રજૂ કરી છે. આ નિવેદન બાદ તેલંગાણાના દલિત અને બહુજન સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદ પોલીસમાં તેમની વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC/ST Act) હેઠળ ગુનો નોંધવાની માંગ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

વિજયેન્દ્ર પ્રસાદની વિકૃત વાતો અને ખોટા દાવા

વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન વિજયેન્દ્ર પ્રસાદે ડો. બી.આર. આંબેડકરના જીવન વિશે એક કથિત કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે બાબા સાહેબે જાતિવાદ વિરુદ્ધનો તેમનો ઐતિહાસિક સંઘર્ષ અને આંદોલન ત્યારે શરૂ કર્યું હતું જ્યારે તેમની પત્નીને એક સાર્વજનિક તળાવમાંથી પાણી પીતા અટકાવવામાં આવ્યા હતા.

દલિત બુદ્ધિજીવીઓ, ઇતિહાસકારો અને ‘માલા વેલફેર એસોસિએશન’ જેવા સંગઠનોના મતે આ વાત સંપૂર્ણપણે પાયાવિહોણી, કાલ્પનિક અને મનઘડંત છે. ડો. આંબેડકરનો સંઘર્ષ કોઈ એક છૂટક વ્યક્તિગત ઘટના કે માત્ર પોતાની પત્નીના અપમાન પૂરતો મર્યાદિત નહોતો. બાબા સાહેબનો સંઘર્ષ તો તેમના બાળપણથી જ શરૂ થઈ ગયો હતો, જ્યારે તેમણે શાળામાં અને સામાજિક જીવનમાં ડગલે ને પગલે અસ્પૃશ્યતાના ઝેરનો અનુભવ કર્યો હતો. તેમના સંઘર્ષનું ફલક વૈશ્વિક હતું અને તે માનવાધિકારની લડત હતી, જેને પ્રસાદે એક ‘ઘરેલું કિસ્સા’માં ફેરવી નાખી છે.

આ પણ વાંચો: મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?

વિજયેન્દ્ર પ્રસાદ લેખક કરતા ભાજપના સાંસદ વધુ

અહીં નોંધનીય બાબત એ છે કે વિજયેન્દ્ર પ્રસાદ માત્ર એક સ્ક્રિપ્ટ રાઈટર નથી, પરંતુ તેઓ ભાજપ દ્વારા નામાંકિત રાજ્યસભા સાંસદ પણ છે. વિવેચકોનો આક્ષેપ છે કે ભાજપ અને તેની વિચારધારા સાથે જોડાયેલા નેતાઓ વારંવાર ડો. આંબેડકર જેવા ક્રાંતિકારી નેતાઓની છબિને ‘ટાર્ગેટ’ કરીને તેમને હીન ચીતરવા પ્રયાસ કરે છે. બાબા સાહેબના ઉગ્ર સામાજિક આંદોલનને મર્યાદિત પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવું એ તેમના લાખો અનુયાયીઓનું અને ભારતના બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન છે. અને વિજયેન્દ્ર પ્રસાદે ભાજપની સ્ટાઈલ મુજબનું કામ કર્યું છે.

દલિત સંગઠનોનો ગંભીર આરોપ છે કે ભાજપના નેતાઓ અવારનવાર ડો. આંબેડકરના મૂળ ક્રાંતિકારી વિચારોને દબાવવા માટે આવા તથ્યહીન અને ભાવનાત્મક કિસ્સાઓનો સહારો લેતા હોય છે. વિજયેન્દ્ર પ્રસાદે જે વાર્તા સંભળાવી તેમાં દલિત મહિલાઓ માટે પણ અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હોવાનો આરોપ ફરિયાદીઓએ લગાવ્યો છે, જે સીધી રીતે સામાજિક ગરિમાને ઠેસ પહોંચાડે છે.
દલિત સંગઠનોએ ડીજીપીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી

આ પણ વાંચો: અહીં OTP મેળવવા આદિવાસીઓએ પહાડ ચડવો પડે છે

તેલંગાણાના ‘માલા કલ્યાણ સંઘ’ અને અન્ય અનેક સામાજિક સંગઠનોએ હૈદરાબાદના સૈફાબાદ પોલીસ સ્ટેશનમાં અને રાજ્યના DGPને રજૂઆત કરી છે. એડવોકેટ શ્રીકાંત ચિંતલા દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે વિજયેન્દ્ર પ્રસાદનું નિવેદન અનુસૂચિત જાતિ સમુદાયના આરાધ્ય દેવ સમાન નેતાનું ઘોર અપમાન છે.

ફરિયાદી બી. રામ પ્રસાદે જણાવ્યું હતું કે, ડો. આંબેડકર દ્વારા લખાયેલા કોઈપણ અધિકૃત ગ્રંથ કે ઈતિહાસમાં આ ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી. જો કોઈ જવાબદાર સાંસદ આવા ખોટા ‘સંશોધન’ના આધારે ફિલ્મ બનાવશે, તો તે સમાજમાં ખોટો સંદેશ ફેલાવશે. તેથી, તેમની સામે SC/ST એક્ટ હેઠળ કડક FIR નોંધવી અનિવાર્ય છે.

ફિલ્મી પ્રોજેક્ટના નામે બૌદ્ધિક અપરાધ

વિજયેન્દ્ર પ્રસાદે પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે આ કિસ્સો તેમના એક આગામી ફિલ્મ પ્રોજેક્ટ માટેના સંશોધનનો ભાગ હતો. આ બાબત વધુ ચિંતાજનક છે. જો ફિલ્મો જેવા માધ્યમ દ્વારા, જેની પહોંચ લાખો લોકો સુધી હોય છે, ખોટો ઈતિહાસ પીરસવામાં આવે તો તે ‘બૌદ્ધિક અપરાધ’ સમાન છે. દલિત સમાજને ડર છે કે ભાજપના એજન્ડાને સંતોષવા માટે ફિલ્મોમાં ડો. આંબેડકરના જીવનને વિકૃત રીતે રજૂ કરવામાં આવશે, જેથી તેમના મૂળ ક્રાંતિકારી વિચારો નબળા પડે.

આ પણ વાંચો: મારા પિતાએ જે વેઠ્યું તે હું ફિલ્મોમાં બતાવું છુંઃ મારી સેલ્વરાજ

સોશિયલ મીડિયા દ્વારા માફી માગી

ચારેબાજુથી ઘેરાયા બાદ અને કાનૂની ગાળિયો કસાતો જોઈને વિજયેન્દ્ર પ્રસાદે સોશિયલ મીડિયા અને મીડિયા નિવેદનો દ્વારા ક્ષમાયાચના કરી છે. તેમણે કહ્યું, “આ વાર્તા મારા પ્રોજેક્ટના ભાગરૂપે હતી. જે લોકોએ ફરિયાદ કરી હતી, તેઓ મારી મુલાકાત બાદ સમજી ગયા છે કે હું બાબા સાહેબનો પરમ ભક્ત છું. હું અનેકવાર માથું નમાવીને માફી માંગુ છું.”

ભાજપનો ડો.આંબેડકર વિરોધી ચહેરો ફરી સ્પષ્ટ થયો

વિજયેન્દ્ર પ્રસાદે માફી માંગી હોવા છતાં વિવાદ શાંત પડ્યો નથી. હૈદરાબાદ પોલીસે અત્યાર સુધી આ મામલે સત્તાવાર FIR નોંધી નથી, જેની પાછળ તેમનું રાજકીય કદ કારણભૂત હોવાનું મનાય છે. જોકે, કાનૂની નિષ્ણાતોની સલાહ લેવાઈ રહી છે. બીજી તરફ, દલિત સંગઠનોએ ચીમકી આપી છે કે માત્ર માફીથી આ અપરાધ ધોઈ શકાશે નહીં.

તેઓ માંગ કરી રહ્યા છે કે ભાજપ હાઈકમાન્ડ પણ આ મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે. તેલંગાણાના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો ચાલુ છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ ઉગ્ર બની શકે છે. આ ઘટના ફરીથી પ્રશ્ન ઉભો કરે છે કે શું જાણીતા વ્યક્તિઓ અભિવ્યક્તિની આઝાદીના નામે ઈતિહાસને મનફાવે તેમ મરોડી શકે? આ ઘટનાએ ફરી એકવાર ભાજપ અને તેના નેતાઓનો ડો.આંબેડકર વિરોધી ચહેરો ઉજાગર કર્યો છે.

આ પણ વાંચો: પ્રોપેગેન્ડા ફિલ્મોની ભીડ વચ્ચે ‘હોમબાઉન્ડ’ કેમ મહત્વની છે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x