અમદાવાદની ભીમ શક્તિ સેનાના 12 આગેવાનો 8 વર્ષે નિર્દોષ છૂટ્યાં!

બી.જે. મેડિકલના ડૉ. મારીરાજ આપઘાત પ્રયાસ કેસમાં ન્યાય માટે આંદોલન કરનાર ભીમ શક્તિ સેનાના આગેવાનો સામે નોંધાયેલ ખોટા કેસોમાં કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા.
Ahmedabads Bhim Shakti Sena 12 leaders acquitted

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં વર્ષ 2018માં બનેલી અત્યંત ચર્ચિત અને સંવેદનશીલ ઘટનામાં આખરે 8 વર્ષના લાંબા અને કપરા કાયદાકીય સંઘર્ષ બાદ સત્યનો વિજય થયો છે. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થી ડો. મારીરાજને કોલેજના પ્રોફેસરો દ્વારા કરવામાં આવતા સતત જાતિગત ભેદભાવ, માનસિક ત્રાસ અને જ્ઞાતિસૂચક અપમાનથી કંટાળીને તેમણે ગંભીર પગલું ભરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર રાજ્યના દલિત સમાજમાં ભારે રોષ અને આક્રોશ પેદા કર્યો હતો.

આ કપરા સમયે પીડિત વિદ્યાર્થીના પડખે ઉભા રહી તેને ન્યાય અપાવવા માટે ભીમ શક્તિ સેનાના આગેવાનો મનીષ મકવાણા અને હિતેશ પરમાર સહિતની ટીમ મેદાનમાં ઉતરી હતી. જોકે, લોકશાહી ઢબે ન્યાયની માંગ કરી રહેલા આ સામાજિક કાર્યકરોને જ તંત્રએ રક્ષણ આપવાને બદલે સત્તાના જોરે ગુનેગાર સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં આજે નામદાર કોર્ટે તેમને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા છે.

મામલો શું હતો?

ઘટનાની વિગતો મુજબ, ડો. મારીરાજ સાથે થતા અન્યાય મામલે ભીમ શક્તિ સેનાના આગેવાનોએ બી.જે. મેડિકલ કોલેજ ખાતે શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કર્યા હતા અને અનુસૂચિત જાતિ આયોગ, ભારત સરકારને ગંભીર લેખિત રજૂઆતો કરી હતી. આ રજૂઆતો એટલી પ્રભાવશાળી હતી કે આયોગના ચેરમેને પોતે સ્થળ તપાસ કરી પ્રોફેસરો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

પરંતુ આશ્ચર્યજનક રીતે, જે લોકો અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા હતા, તેવા 12 આગેવાનો મનીષ મકવાણા, હિતેશ પરમાર, કનુભાઈ સોલંકી, મનીષ શ્રીમાળી, દિનેશભાઈ પરમાર, ઈશ્વરભાઈ મકવાણા, સ્વ. બાબુભાઈ રૂપાલા, વિષ્ણુભાઈ કે. વાઘેલા, કે. કે. પરમાર, પ્રજ્ઞેશ લેઉવા અને વિનોદભાઈ છત્રાલીયા પર સરકારે ગંભીર કલમો હેઠળ ખોટા પોલીસ કેસો દાખલ કરી દીધા હતા. આ એક એવો કિસ્સો હતો જેમાં ન્યાય માંગનારાઓને જ જેલના સળિયા પાછળ ધકેલી દેવાની કોશિશ કરવામાં આવી હતી.

ભીમ શક્તિ સેનાના આગેવાનોએ 8 વર્ષ સુધી સંઘર્ષ કર્યો

આઠ વર્ષ સુધી ચાલેલા આ સંઘર્ષમાં ભીમ શક્તિ સેનાના આ આગેવાનોએ અનેક ચડાવ-ઉતાર જોયા. આ દરમિયાન સમાજના એક નિષ્ઠાવાન આગેવાન બાબુભાઈ રૂપાલાનું અવસાન પણ થયું, છતાં બાકીના સભ્યોએ હિંમત હારી નહીં. કોર્ટમાં ચાલેલી આ કાયદાકીય લડાઈમાં જાણીતા એડવોકેટ શ્રી મુસ્તાકઅલી સૈયદ સાહેબે સતત અને મજબૂત રીતે પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કોર્ટમાં સાબિત કર્યું હતું કે આ કેસો માત્ર રાજકીય દબાણ હેઠળ અને આંદોલનને કચડી નાખવાના ઈરાદાથી કરવામાં આવ્યા હતા. આખરે નામદાર કોર્ટના જજ એસ. જે. પંચાલે તમામ પુરાવાઓ અને દલીલોને ગ્રાહ્ય રાખીને તમામ 12 આગેવાનોને આ ખોટા કેસમાંથી સન્માનપૂર્વક નિર્દોષ મુક્ત કરવાનો ઐતિહાસિક ઓર્ડર કર્યો છે.

ભીમ શક્તિ સેનાની જીત થઈ

આ જીત બાદ ભીમ શક્તિ સેનાએ આ વિજયને બંધારણ અને સત્યની જીત ગણાવી છે. આગેવાનોએ જણાવ્યું હતું કે, સત્તાના નશામાં ચૂર થઈને જ્યારે તંત્ર દલિતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે ન્યાયતંત્ર જ છેલ્લી આશાનું કિરણ હોય છે. આ લડાઈમાં જે મિત્રો અને સમાજના અગ્રણીઓએ આર્થિક અને માનસિક રીતે સાથ આપ્યો છે, તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ ચુકાદો એ સાબિત કરે છે કે ડો. મારીરાજ જેવા અનેક વિદ્યાર્થીઓ માટે લડનારાઓનો અવાજ ગમે તેટલા ખોટા કેસો કરીને પણ દબાવી શકાય તેમ નથી. ભવિષ્યમાં પણ કોઈપણ અત્યાચાર સામે ભીમ શક્તિ સેના આ જ રીતે મક્કમતાથી લડતી રહેશે તેવી કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
2 hours ago

Jyan sudhi aa jatankvadi loko uper kaya kiy pagala bharva ma nahi aave tyan sudhi aavu j rahese

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x