પોલીસ પર આપણા દેશમાં સામાન્ય માણસ કદી પણ ભરોસો નથી કરતો, તેને સતત એવું લાગે છે કે, પોલીસ તેના રક્ષણ માટે નથી, આ ભય સાચો પાડતી અનેક ઘટનાઓ આપણે જોઈએ છે અને વધુ એક ચોંકાવનારી ઘટના પંજાબમાંથી સામે આવી છે.
અહીંના જલંધરમાં કાયદાના રક્ષકો દ્વારા જ કાયદાની તમામ મર્યાદાઓ ઓળંગીને એક દલિત મહિલા પર અત્યાચાર કરાયો. લોકશાહીમાં પોલીસની પ્રાથમિક જવાબદારી નાગરિકોની સુરક્ષા કરવાની અને કાયદાનું પાલન કરાવવાની હોય છે, પરંતુ ભાર્ગો કેમ્પ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) એ તમામ હદો પાર કરી દીધી હતી. પોલીસે એક દલિત વિધવાના ઘરમાં ઘૂસીને તેને નિર્દયતાથી માર માર્યો અને તેના વાળ પકડીને સરેઆમ રસ્તા પર ઘસડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના કારણે પોલીસ પ્રશાસનની છબી ખરડાઈ છે અને કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

મામલો શું હતો?
આ ઘટનાની વિગતો તપાસતા જાણવા મળે છે કે પીડિત મહિલા મમતા ભગત એક પારિવારિક અને ઘરેલું વિવાદના મામલે અગાઉ ભાર્ગો કેમ્પ પોલીસ સ્ટેશન ગઈ હતી. જોકે, તે સમયે તપાસ અધિકારી હાજર ન હોવાથી તે કોઈ પણ કાર્યવાહી વગર પરત ફરી હતી. બીજા દિવસે સવારે લગભગ સાત વાગ્યાના સુમારે, જ્યારે મમતા ભગતના પુત્રો ઘરે સૂતા હતા, ત્યારે પોલીસ અધિકારીઓ અચાનક ત્યાં ધસી આવ્યા હતા. નિયમ મુજબ કોઈપણ મહિલાની ધરપકડ કે પૂછપરછ સમયે મહિલા પોલીસની હાજરી અનિવાર્ય છે, પરંતુ અહીં કોઈ પણ મહિલા પોલીસ કર્મચારી વગર પહોંચેલા એએસઆઈએ મમતા ભગતના પુત્રોને બળજબરીથી કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: કીર્તિ આઝાદે વર્લ્ડ કપ ટ્રોફી મંદિરે લઈ જવા બદલ ટીમ ઈન્ડિયાની ઝાટકણી કાઢી
જ્યારે માતા મમતા ભગતે પોતાના પુત્રોને પોલીસના અત્યાચારથી બચાવવા વચ્ચે હસ્તક્ષેપ કર્યો અને શાંતિથી વાત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા એએસઆઈએ તેની સાથે હિંસક પશુ જેવું વર્તન કર્યું હતું. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ પોલીસકર્મીએ રસ્તા પર યુવાનો સાથે ઝપાઝપી કરી હતી અને જ્યારે તેની મમતા વચ્ચે પડી ત્યારે તેને નિર્દયતાથી વાળ પકડીને રસ્તા પર ઘસડી હતી. આ દ્રશ્યો એટલા વિચલિત કરનારા છે કે તે જોનાર કોઈ પણ વ્યક્તિ પોલીસની કાર્યશૈલી પર ફિટકાર વર્ષાવ્યા વગર રહી શકે નહીં.
પીડિત મહિલાએ રડતા અવાજે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, પોલીસ અધિકારી સત્તાના નશામાં ચૂર થઈ ગયો હતો. તેણે મહિલા હોવાની મર્યાદાનો પણ ખ્યાલ રાખ્યો ન હતો. આ હુમલામાં મમતાને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેના માથા પર પાટો બાંધવો પડ્યો છે. સ્થાનિક પડોશીઓએ પણ પોલીસને વિનંતી કરી હતી કે જો કોઈ પૂછપરછ કરવી હોય તો તેઓ યુવકોને પોલીસ સ્ટેશન લઈ જવા તૈયાર છે, પરંતુ હિંસક બનેલા પોલીસકર્મીએ કોઈની વાત સાંભળી ન હતી. આ ઘટના એ વાતનું વરવું પ્રમાણ છે કે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને દલિત વર્ગની વિધવા મહિલાઓ માટે રક્ષકો જ કેટલા ભયાનક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: સરહદે દુશ્મનો સામે લડનાર દલિત સૈનિકને મર્યા પછી ‘જાતિ’ નડી
આ ઘટના વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે. અનેક રાજકીય પક્ષોના નેતાઓ અને દલિત સંગઠનો પીડિત મહિલાના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. શીતલ અંગુરાલ અને સુરિન્દર કૌર જેવા નેતાઓએ ભાર્ગો કેમ્પ ચોક પર ધરણા કરીને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ માંગ કરી છે કે જ્યાં સુધી દોષિત એએસઆઈને સસ્પેન્ડ કરવામાં ન આવે અને તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેઓ શાંત બેસશે નહીં. આ મામલે હવે પંજાબ રાજ્ય અનુસૂચિત જાતિ આયોગ અને મહિલા આયોગમાં પણ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: હોસ્પિટલની સેપ્ટિક ટેંક સાફ કરવા ઉતરેલા ત્રણ સફાઈકર્મીઓના મોત












Aa nalayak ne Dissmissd karo ane jail bheho karo