અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં દલિત યુવકની હત્યા થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ અહીંના ભરવાડ વાસમાં રહેતા 25 વર્ષીય દલિત યુવક હિતેશ મેઘવાલની 23મી માર્ચની રાત્રે હત્યા કરી દેવાઈ હતી. હિતેશ પોતાના ઘરની બહાર ખુલ્લા આકાશ નીચે પલંગ પર નિરાંતે સૂતો હતો, ત્યારે રાત્રિના આશરે અઢી વાગ્યાના સુમારે એક હુમલાખોર ત્યાં ત્રાટક્યો હતો. હિતેશ ગાઢ નિદ્રામાં હતો, ત્યારે અજાણ્યા શખસે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે તેની પાસે રહેલા અત્યંત તીક્ષ્ણ હથિયાર વડે હિતેશ પર જીવલેણ હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
આ હુમલો એટલો આકસ્મિક અને જોરદાર હતો કે હિતેશને પોતાનો જીવ બચાવવાનો કે પ્રતિકાર કરવાનો કોઈ પણ મોકો મળ્યો ન હતો. હુમલાખોરે હિતેશના શરીરના ઉપરના ભાગે અનેક ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેની પથારી લોહીથી લથબથ થઈ ગઈ હતી.

સગી બહેનની નજર સામે જ ખેલાયો ખૂની ખેલ
આ સમગ્ર ઘટનાની સૌથી કરુણ અને ધ્રુજાવી દે તેવી બાબત એ છે કે હિતેશની હત્યાને તેની સગી બહેન જ્યોતિની નજર સામે જ અંજામ આપવામાં આવ્યો હતો. હિતેશની બાજુમાં જ બીજા પલંગ પર સૂતેલી જ્યોતિ હિતેશના આક્રંદ અને કરુણ અવાજ સાંભળીને અચાનક જાગી ગઈ હતી. જાગતાની સાથે જ તેની આંખો સામે જે દ્રશ્ય હતું તે જોઈને તેની કંપારી છૂટી ગઈ હતી. તેણે જોયું કે એક અજાણ્યો વ્યક્તિ તેના ભાઈ પર હથિયાર વડે ઘા કરી રહ્યો હતો અને હિતેશ લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યો હતો. પોતાની નજર સામે જ વહાલા ભાઈને મોતને ઘાટ ઉતારતા જોઈ જ્યોતિએ હિંમત ભેગી કરી બૂમ પાડી હતી કે, “તું મારા ભાઈને કેમ મારે છે?” જ્યોતિના આ પ્રતિકાર અને બૂમાબૂમને પગલે હુમલાખોર ગભરાઈ ગયો હતો અને ત્યાંથી અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.
આ પણ વાંચો: પાટણના ચંદ્રુમાણામાં દલિતના વરઘોડા પર બુટલેગરનો તલવારથી હુમલો!
યુવકના પરિવારજનોમાં આક્રંદ
જ્યોતિની બૂમો સાંભળીને ઘરના અન્ય સભ્યો અને આસપાસના પડોશીઓ તાત્કાલિક જાગી ગયા હતા અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાંનું દ્રશ્ય અત્યંત ભયાનક હતું; હિતેશના શરીરમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું અને તે અર્ધમૃત હાલતમાં હતો. પરિવારજનોએ હિતેશને બચાવવા માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધી પરિવારના સભ્યો હિતેશને શ્વાસ લેવા માટે સંઘર્ષ કરતો જોઈ રહ્યા હતા. 108ની મેડિકલ ટીમ જ્યારે ત્યાં પહોંચી અને ડોક્ટરોએ હિતેશની તપાસ કરી, ત્યારે કમનસીબે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે હિતેશનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ડોક્ટરોએ તેને સ્થળ પર જ મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.
દલિત સમાજમાં ભારે રોષ
એક યુવાન દલિત યુવકની આ રીતે સરેઆમ અને નિર્મમ હત્યા થતા સમગ્ર વાસણા વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દલિત સમાજમાં આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાત્રિના સમયે પોતાના ઘરની બહાર સૂતેલા વ્યક્તિ પર આ પ્રકારે હુમલો થવો તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા કરે છે. સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે કે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરની બહાર પણ સુરક્ષિત નથી, તો સુરક્ષા ક્યાં છે? આ ઘટનાએ સમગ્ર અમદાવાદમાં ચર્ચા જગાવી છે અને લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: વડોદરામાં બે પ્રોફેસરોના ત્રાસથી દલિત વિદ્યાર્થીએ ત્રીજા માળેથી પડતું મૂક્યું
પોલીસે તપાસ શરૂ કરી
બનાવની જાણ થતા જ વાસણા પોલીસ સ્ટેશનનો મોટો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એન. પટેલે આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, હિતેશ મેઘવાલની હત્યાના મામલે અજાણ્યા શખસ વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને હુમલાખોર કઈ દિશામાં ભાગ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શી બહેન જ્યોતિના નિવેદનને સૌથી મહત્વનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત, પ્રેમ પ્રકરણ કે જ્ઞાતિગત કારણ જવાબદાર છે કે કેમ. આરોપી પકડાયા બાદ જ આ ઘાતકી હત્યા પાછળનું સાચું કારણ બહાર આવશે.
પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો
બીજી તરફ આ બાબતે ભોગ બનેલ પીડિત પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા જ્યાં સુધી આરોપી પકડાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર કરાયો છે. હાલ ડેડબોડી વીએસ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં છે. આ મુદ્દે ન્યાયની માંગણી સાથે સમાજના બધા આગેવાનો આજરોજ અત્યારે ન્યાય માટે ધરણા પર બેઠેલા છે અને નક્કી કરેલ છે કે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહીં
આ પણ વાંચો: ‘તમેય સ્માર્ટ ફોન વાપરવા માંડ્યા?’ કહી દલિત યુવકને જાતિવાદીઓએ માર માર્યો













Police no gundao ne dar j nathi rahyo game tyra game tenu murder kari nakhe karan karan ke BJP ni sarkaar na chu to dor aapelo che