ભેદભાવથી કંટાળી દલિત IAS એ 4 જ વર્ષમાં રાજીનામું આપી દીધું!

IAS Rinku Singh Rahi: યુપી કેડરના દલિત IAS રિંકુ સિંહ રાહીએ વારંવાર તેમની સાથે થતા ભેદભાવથી કંટાળીને રાજીનામું આપી દીધું છે. જાણો શું છે આખો મામલો.
UP Cadre IAS Rinku Singh Rahi Resignation

IAS Rinku Singh Rahi: ભારતીય વહીવટી સેવા એટલે કે IAS ને દેશનું ‘સ્ટીલ ફ્રેમ’ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે આ ફ્રેમમાં કોઈ પ્રામાણિક અને દલિત સમાજમાંથી આવતો અધિકારી પોતાનું સ્થાન બનાવે છે, ત્યારે સવર્ણ લોબીથી તે સહન થતું નથી. આવી જ એક ઘટના હાલ યુપીમાંથી સામે આવી છે. અહીં એક દલિત આઈએએસ અધિકારીએ માત્ર 4 વર્ષની સર્વિસ બાદ ભેદભાવથી કંટાળીને રાજીનામું આપી દીધું છે.

વર્ષ 2022 બેચના ઉત્તર પ્રદેશ કેડરના IAS રિંકુ સિંહ રાહી(IAS Rinku Singh Rahi)એ રાજીનામું આપતા અત્યંત વેદના સાથે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમને મહિનાઓ સુધી માત્ર પગાર ચૂકવવામાં આવતો રહ્યો, પરંતુ જનસેવાની કોઈ સાર્થક તક કે જવાબદારી આપવામાં આવી નથી. એક સક્ષમ અને પ્રશિક્ષિત અધિકારીને માત્ર ‘વેટિંગ’ અથવા ‘અટેચમેન્ટ’ ના નામે રૂમમાં પૂરી રાખીને તેને કામ વગર બેસાડી રાખવા એ તેમની બૌદ્ધિક ક્ષમતા અને દેશ પ્રત્યેની તેની નિષ્ઠાની હત્યા કરવા સમાન છે. રિંકુ સિંહ રાહીનું રાજીનામું માત્ર એક વ્યક્તિગત કારકિર્દીનો નિર્ણય નથી, પરંતુ તે ભારતીય વહીવટી માળખામાં ઊંડે સુધી ઘર કરી ગયેલી વંશવાદી માનસિકતા, જાતિવાદના ઝેરી મૂળિયાં અને ભ્રષ્ટાચાર સામે લડનારા નિષ્ઠાવાન અધિકારીઓની લાચારીનું જીવંત પ્રતિબિંબ છે.

આ પણ વાંચો: IAS ટીના ડાબીને જાતિવાદી તત્વોએ સામાન્ય બાબતે ટ્રોલ કર્યા!

4 વર્ષની કરિયરમાં સતત હેરાન કરવામાં આવ્યા

રિંકુ સિંહ રાહીની IAS તરીકેની ટૂંકી સફર તપાસતા સ્પષ્ટ જણાય છે કે તંત્ર દ્વારા તેમને કઈ રીતે પદ્ધતિસર હેરાન કરવામાં આવ્યા હતા. જુલાઈ 2025માં જ્યારે તેમની નિમણૂક શાહજહાંપુરના પુવાયામાં SDM તરીકે કરવામાં આવી હતી, ત્યારે કોઈને અંદાજ નહોતો કે તેમની આ સેવા માત્ર 36 કલાકમાં જ સમેટી લેવામાં આવશે. એક નિરીક્ષણ દરમિયાન જ્યારે તેમણે એક વ્યક્તિને જાહેર સ્થળે ગંદકી ફેલાવતા જોઈ કાયદા મુજબ શિસ્તબદ્ધ પગલાં લીધા, ત્યારે તેને એક જ્ઞાતિવાદના રંગમાં રંગી દેવામાં આવ્યો.

સ્થાનિક સ્તરે એવો મોરચો ખોલવામાં આવ્યો કે જાણે કોઈ દલિત અધિકારી ઉચ્ચ વર્ગના લોકોને શિસ્ત શીખવાડી શકે નહીં. વકીલો અને સ્થાનિક પ્રભાવશાળી જૂથોએ રાહી વિરુદ્ધ આંદોલન છેડ્યું અને વહીવટી તંત્રએ આ અધિકારીની પડખે ઊભા રહી સત્ય જાણવાને બદલે તેમને તત્કાલ પદ પરથી હટાવી દીધા. આ 36 કલાકનો ટૂંકો ગાળો એ સાબિત કરવા માટે પૂરતો છે કે જો કોઈ દલિત અધિકારી સત્તાના સ્થાને બેસીને કાયદાનું કડક પાલન કરાવવાનો પ્રયાસ કરે, તો ઉપર બેઠેલા શાસકો તેને ‘અનફિટ’ જાહેર કરીને હાંસિયામાં ધકેલી દે છે. તેમને લખનૌના મહેસૂલ બોર્ડમાં અટેચ કરીને સત્તા વિનાના કરી દેવામાં આવ્યા, જે તેમની જ્ઞાતિ અને પ્રામાણિકતાની સજા સિવાય બીજું કંઈ જ નહોતું.

આ પણ વાંચો: મહિલા IAS એ દલિત વિદ્યાર્થીઓને કહ્યું, ‘ટોઈલેટ સાફ કેમ નથી કરતા?’

80 કરોડના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડતા ગોળીબાર થયો હતો

રિંકુ સિંહ રાહી માટે સંઘર્ષ અને અન્યાય કોઈ નવી વાત નથી. IAS બનતા પહેલા જ્યારે તેઓ PSC અધિકારી હતા, ત્યારે 2008માં તેમણે મુઝફ્ફરનગરમાં સમાજ કલ્યાણ વિભાગમાં 80 કરોડ રૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેના કારણે તેમના પર 2009માં જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં તેમને સાત ગોળીઓ મારવામાં આવી હતી.

આ હુમલામાં તેમણે ચહેરાનો એક ભાગ, જડબું અને એક આંખની રોશની ગુમાવી દીધી હતી. શારીરિક રીતે અક્ષમ હોવા છતાં, મનથી મક્કમ રાહીએ હિંમત ન હારી અને દિવ્યાંગ ક્વોટામાંથી દેશની સૌથી પ્રતિષ્ઠિત UPSC પરીક્ષા પાસ કરી IAS બનવાનું સપનું પૂરું કર્યું. તેમને આશા હતી કે આ સર્વોચ્ચ સેવા દ્વારા તેઓ ગરીબ અને વંચિતો માટે કંઈક કરી શકશે. પરંતુ, IAS બન્યા પછી પણ સિસ્ટમની ક્રૂરતા બદલાઈ નથી. રિંકુ સિંહે તેમના રાજીનામામાં નૈતિકતાનો જે સવાલ ઉઠાવ્યો છે તે વર્તમાન સનદી સેવા માટે લાલબત્તી સમાન છે; તેમણે કહ્યું કે કામ કર્યા વગર જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લેવો એ તેમને નૈતિક રીતે પાપ જેવું લાગે છે.

ભારતમાં દલિત અધિકારીઓનું પદ્ધતિસરનું શોષણ

રિંકુ સિંહ રાહીનો કિસ્સો એ ભારતીય વહીવટી તંત્રમાં પ્રવર્તતી ‘વહીવટી અસ્પૃશ્યતા’નું એક ca’gx ઉદાહરણ છે. દેશમાં દલિત અને પછાત વર્ગના અધિકારીઓને અવારનવાર એવી પોસ્ટિંગ આપવામાં આવે છે જ્યાં કોઈ નીતિવિષયક નિર્ણય લેવાની સત્તા ન હોય. ભૂતકાળમાં પણ અનેક અધિકારીઓએ આ પ્રકારના માનસિક ત્રાસની ફરિયાદો કરી છે. જ્યારે કોઈ સવર્ણ અધિકારી ભૂલ કરે છે ત્યારે તેને ‘ભૂલ’ ગણવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ દલિત અધિકારી કડક પગલાં લે છે ત્યારે તેને ‘વિવાદાસ્પદ’ અથવા ‘અહંકારી’ ચીતરી દેવામાં આવે છે.

આ પણ વાંચો: IPS Puran Kumar આપઘાત કેસમાં 15 IAS-IPS સામે SC-ST Act નોંધાશે!

પૂર્વ IAS અધિકારી કાનન ગોપીનાથન કે હર્ષ મંદર જેવા અનેક લોકોએ સિસ્ટમમાં રહીને કામ કરવું અશક્ય લાગતા રાજીનામા આપ્યા છે. રિંકુ સિંહના કિસ્સામાં દલિત હોવાને કારણે તેમને વારંવાર અપમાનિત કરવામાં આવ્યા અને છેવટે એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે તેમની આત્મગૌરવની ભાવના ઘાયલ થાય. આ એક એવો અદ્રશ્ય જાતિવાદ છે જે ઓફિસની ફાઈલોમાં દેખાતો નથી, પરંતુ અધિકારીના માનસિક સ્વાસ્થ્ય અને તેની કાર્યક્ષમતા પર ઊંડી અસર કરે છે.

લોકશાહીના પતનનો સંકેત?

રિંકુ સિંહ રાહીનું રાજીનામું એ માત્ર એક પદનો ત્યાગ નથી, પરંતુ તે ભારતીય લોકશાહી અને ન્યાયપ્રણાલીના પતનનો સંકેત છે. જો એક વ્યક્તિ સાત ગોળીઓ ખાધા પછી, શારીરિક પીડાઓ વેઠીને અને ગરીબી સામે લડીને IAS બને અને ત્યારબાદ તેને માત્ર તેની જ્ઞાતિ અથવા પ્રામાણિકતાના કારણે કામ ન આપવામાં આવે, તો આનાથી મોટું દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે? આ ઘટનાથી દેશના લાખો દલિત અને વંચિત વિદ્યાર્થીઓમાં એવો સંદેશ જશે કે સિસ્ટમ આજે પણ માત્ર પ્રભાવશાળી લોકોની જ બનેલી છે.

રિંકુ સિંહનું રાજીનામું શાસકો સામે નૈતિક બળવો

રિંકુ સિંહના રાજીનામાથી વહીવટી જવાબદારી, પોસ્ટિંગની પારદર્શિતા અને દલિત અધિકારીઓના રક્ષણ અંગે નવા કાયદાઓની જરૂરિયાત ઊભી થઈ છે. જો આપણે આવા નિષ્ઠાવાન અધિકારીઓને સાચવી શકતા નથી, તો આપણે ભ્રષ્ટાચાર મુક્ત દેશની વાતો કરવાનો કોઈ અધિકાર ધરાવતા નથી. તેમનું રાજીનામું વ્યવસ્થા સામેનો એક શાંત પણ અત્યંત પ્રભાવશાળી બળવો છે, જે આવનારા અનેક વર્ષો સુધી શાસકોને તેમની નૈતિકતા વિશે પ્રશ્નો પૂછતો રહેશે.

આ પણ વાંચો: ‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x