અમદાવાદ/ધોળકા: ગુજરાતમાં એકબાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓ વિકાસના દાવાઓ કરીને મત માંગવા નીકળી રહ્યાં છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામમાંથી વિકાસના દાવાઓની પોલ ખૂલી ગઈ છે. અહીં વસતા અનુસૂચિત જાતિ (SC) વિસ્તારના નાગરિકો છેલ્લાં 25 વર્ષથી પીવાના શુદ્ધ પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ મેળવવા માટે વલખા મારી રહ્યા છે. અઢી દાયકાથી પડતર પ્રશ્નોના નિકાલના અભાવે આ વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાણીનો વિકરાળ પ્રશ્ન, 15 પરિવારોનું સ્થળાંતર
કોઠ ગામના દલિત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા એટલી ગંભીર બની છે કે છેલ્લા અઢી દાયકાથી લોકોને ટીપે-ટીપે પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા સ્થાનિકોએ ખાનગી સ્ત્રોતો પાસેથી પાણી વેચાતું લેવાની નોબત આવી છે. આર્થિક રીતે નબળા પરિવારો માટે પાણી પાછળ ખર્ચ કરવો મુશ્કેલ બન્યો છે. શુદ્ધ પાણીના અભાવે અને તંત્રની વર્ષો જૂની ઉદાસીનતાથી કંટાળીને અત્યાર સુધીમાં આ વિસ્તારના 15 જેટલા પરિવારોએ પોતાના વતનમાંથી હિજરત કરી છે. ભારતીય બંધારણની કલમ-૨૧ દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન અને શુદ્ધ પાણીનો અધિકાર આપે છે, પરંતુ કોઠ ગામમાં આ બંધારણીય અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: લાખો કેસો પેન્ડિંગ છે ત્યારે UGC પર એક જ દિવસમાં નિર્ણય કેમ?
ગટરનું સામ્રાજ્ય અને ‘નરકાગાર’ જેવી સ્થિતિ
ગામની ભૌગોલિક રચના અને ગ્રામ પંચાયતના નબળા આયોજનને કારણે સમગ્ર ગામનું ગટરનું ગંદુ પાણી વહીને અનુસૂચિત જાતિ વિસ્તારમાં જમા થાય છે. ખાસ કરીને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ગટરના પાણીના મોટા ખાબોચિયા ભરાયેલા રહે છે, જે આખા સમાજ માટે અપમાનજનક સ્થિતિ છે. રહેણાંક વિસ્તારોમાં ફેલાયેલી આ ગંદકીને કારણે વિસ્તારમાં ભયંકર દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિક રહીશોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચામડીના રોગો જેવા જીવલેણ રોગચાળો ફેલાવાની ભીતિ સતત સતાવી રહી છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.
સ્મશાન અને શિક્ષણની દયનીય હાલત
માળખાગત સુવિધાઓના નામે અહીં મીંડું જોવા મળે છે. દલિત સમાજ માટે ફાળવવામાં આવેલ સ્મશાનની જમીન હજુ સુધી નિયમ મુજબ નીમ કરવામાં આવી નથી. સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે જરૂરી છાપરી, પીવાના પાણીની ટાંકી કે લાઈટની કોઈ જ સુવિધા નથી, જેને કારણે ચોમાસા દરમિયાન ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, સ્મશાનની બિલકુલ બાજુમાં આવેલી આંગણવાડી લાંબા સમયથી બંધ હાલતમાં છે. સ્મશાનની બાજુમાં આંગણવાડી હોવી એ જ મનોવૈજ્ઞાનિક રીતે બાળકો માટે અયોગ્ય છે, તેમ છતાં તંત્ર તેને રહેણાંક વિસ્તારની નજીક ખસેડવા તત્પર જણાતું નથી.
આ પણ વાંચો: મંદિર સામેની ખાલી જમીન પર નમાજ પઢતા વૃદ્ધને બ્રાહ્મણ શખ્સે ફટકાર્યા

મુખ્યમંત્રી અને કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરાઈ
આ તમામ પ્રશ્નોને લઈને માનવ અધિકાર કાર્યકર્તા શ્રી પરમાર કાંતિલાલ યુ. દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમની મુખ્ય માંગણીઓમાં ડો. પરનાળિયાના દવાખાનેથી એસ.સી. વિસ્તાર સુધીનો RCC રસ્તો ત્વરિત બનાવવો. ગામની ભૂગર્ભ ગટરનું આયોજન કરી ગંદા પાણીનો નિકાલ ગામની બહાર કરવો અને સામાજિક ન્યાય સમિતિની બેઠકો માત્ર કાગળ પર ન રાખી તેને સક્રિય કરવાની માંગ કરવામાં આવી છે.
કાંતિલાલ પરમારે ચેતવણી આપી છે કે જો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વંચિતોના હકો માટે ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે. જોવાનું એ રહે છે કે, તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈને કોઠ ગામના દલિતોને નરક જેવી સ્થિતિમાંથી બહાર લાવે છે કે કેમ.
આ પણ વાંચો: દલિતવાસના કૂતરાં સવર્ણોના કૂતરાંને ભસતા 6 રાઉન્ડ ફાયરિંગ














